[:gj]બાળકોને હોંશે હોંશે આવવું ગમે તે માટે ઠીકરીયા પ્રાથમિક શાળાને ટ્રેનના જંકશન જેવી બનાવી[:]

[:gj]પાટણ, તા.૨૩

બાળકોને હોંશે…હોંશે… શાળાએ આવવું ગમે તે માટે રાધનપુર તાલુકાના છેવાડે આવેલી ઠીકરીયા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ બાળ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી શાળાને વિકસાવી છે. જેમાં તેમણે 25 દિવસ પહેલા બાળકોને ખૂબ જ ગમતી ટ્રેનને શાળાના ત્રણ વર્ગખંડની બહારની દીવાલો પર એ રીતે ચીતરાવી છે કે, જાણે કોઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ટ્રેન ઊભી હોય શાળાના દરવાજા પરથી એવું લાગે કે આપણે કોઈ રેલવે સ્ટેશનની મુલાકાતે જતા હોઈએ. શાળાની બહાર પણ ઠીકરીયા જંકશન એવું લખવામાં આવ્યું છે વર્ગખંડની અંદરની બાળકોની ભૌતિક સુવિધાની ગોઠવણી પણ એ રીતે કરી છે કે, બાળક પોતે જાતે જ પુસ્તક કે અન્ય કોઈપણ વસ્તુ મેળવી તેનો ઉપયોગ કરી શકે છે. દિવાલ પર ચિત્રાવેલું ટ્રેનનું દ્રશ્ય બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ઠીકરીયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 145 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ચાર વર્ગખંડ છે તે 2010 અને 2012માં બનેલા છે. ક્ષાર લાગવાના કારણે કલર ખરાબ થઈ ગયો હતો એટલે ત્રણ વર્ગખંડો ટ્રેનના કોચ જેવા બનાવ્યા છે. શાળાના તમામ વર્ગખંડોને અંદર અને બહારથી રંગરોગાન કરવાનો રૂ.30 હજારનો ખર્ચ થયો હતો. જેમાં શાળાના ત્રણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મદદથી અને આચાર્ય દશરથભાઈએ આ તમામ ખર્ચ ઉઠાવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓએ ટ્રેન જોયેલી છે પરંતુ મોટાભાગના બાળકોએ ટ્રેનની મુસાફરી કરેલી નથી. બે વર્ષ પહેલા શાળામાં માત્ર વિદ્યાર્થીઓની હાજરી માત્ર 60 ટકા જેટલી રહેતી હતી, પરંતુ રાત્રી સભા અને શિક્ષકોના વાલી સંપર્કના કારણે છાત્રોની હાજરી 96 ટકાએ પહોંચી છે.

આ અંગે શાળાના આચાર્ય દશરથભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તોતો ચાંદ નામના પુસ્તકમાં શિક્ષણના જુદાજુદા પ્રયોગોનું વર્ણન કરવામાં આવેલું છે. જેમાં શાળાના એક આચાર્ય રેલવેના કન્ડમ ડબ્બામાં શાળા ચાલુ કરી હતી. આચાર્ય દશરથભાઈ મૂળ બંધવડ ગામના વતની છે અને તેઓ નાના હતા ત્યારે શાળાના શિક્ષક તેમને આ દેવગામના રેલ્વે સ્ટેશનની મુલાકાતે લાવ્યા હતા અને તે યાદો આજે પણ તેમના સ્મરણમાં છે, બાળકોને નાવિન્ય ગમે તે માટે શાળાના વર્ગખંડ પર ટ્રેનના કોચ ચિત્રાવ્યા છે.

 [:]