[:gj]બે લાખની સામે સવા વર્ષમાં 13 લાખ વ્યાજ વસૂલનારા વ્યાજખોર સામે ફરિયાદ[:]

[:gj]સવા વર્ષ પહેલા ઉછીના લીધેલા બે લાખ રૂપિયાનું વ્યાજ અને વ્યાજનું વ્યાજ ગણીને 15 લાખ રૂપિયા વસૂલનારા વ્યાજખોર કનુ પંચાલ સામે સોલા પોલીસે ગુનો નોંધ્યો છે. કનુ પંચાલ સામે સોલા પોલીસ સ્ટેશનમાં અઢી મહિનામાં વ્યાજખોરીની આ બીજી ફરિયાદ નોંધાઈ છે. ગત જુન મહિનાના અંતમાં સંજય પંચાલે રાકેશ ઉર્ફે ભુમર પટેલ અને કનુ પંચાલ વિરૂદ્ધ વ્યાજખોરી અને ધમકીની ફરિયાદ આપી હતી.

મિસ્ત્રી કામ કરતા વિજય ગોવિંદભાઈ પંચાલે (ઉ.35 રહે. પંચવટી રેસીડેન્સી, ચાંદલોડીયા) સવા વર્ષ અગાઉ ધંધા માટે માસીના દિકરા કનુ અમરતભાઈ પંચાલ (રહે. અંબિકાનગર, સ્વામીનારાયણ મંદિર સામે, ન્યુ રાણીપ) પાસેથી બે લાખ રૂપિયા ત્રણ મહિનાના વાયદે હાથ ઉછીના લીધા હતા. જે રકમ વિજય પંચાલ પરત કરવા ગયા ત્યારે કનુ પંચાલે તેમની પાસે સાપ્તાહિક 10 ટકા વ્યાજ અનુસાર કુલ 5 લાખ રૂપિયા માંગ્યા હતા. જેથી તે સમયે 2.30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને 2.70 લાખ બાકી હતા. કનુ પંચાલની સતત ઉઘરાણીના કારણે વિજય પંચાલે મહેસાણા ખાતે રહેતા પુષ્પાબહેન પાસેથી 3 લાખ રૂપિયા અપાવ્યા હતા. ઉઘરાણીને લઈને ઘરે આવી કનુ પંચાલ ધમકી આપતો હતો. વિજયભાઈના મોટા ભાઈ ચેતન પાસે કોરા સ્ટેમ્પ પેપર પર સહીઓ પણ કરાવી લીધી હતી. જો કે, વિજય પંચાલને તે સ્ટેમ્પ પેપર કનુ પંચાલે રૂપિયા મળતા પાછા આપી દીધા હતા. બે લાખ રૂપિયાની સામે 13 લાખ રૂપિયા જેટલું અધધ વ્યાજ ચૂકવનારા વિજય પંચાલે સોલા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો છે.[:]