[:gj]ભરૂચ જિલ્લાનાં ગામાં આફ્રિકાના 250 સિદ્દી રહે છે [:]

[:gj]

ઔદ્યોગિક રીતે વિકસિત ભરૂચ જિલ્લામાં એક એવુ ગામ આવેલું છે જેમાં પ્રવેશતા જ જામે આપણે આફ્રિકાના કોઈ ગામમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. મૂળ આફ્રિકાના એવા સિદ્દિ જનજાતિના વસતી ધરાવતા આ ગામમાં ૨૫૦ જેટલા સિદ્દિ કોમના લોકો રહે છે. જેઓના અહીં આગમન પાછળ ઘણો રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. ત્યારે મિની આફ્રિકા તરીકે ઓળખાતા ભરૂચ જિલ્લાના ગામની વિશે જાણીએ.
વિવિધતામાં એકતા એ ભારત દેશની ઓળખ રહી છે. વર્ષો પહેલાં અનેક વિદેશીઓ ભારતમાં આવી વસ્યા હતા અને જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અહીંનાં લોકો સાથે ભળી ગયાં. આવી જ એક જાતિ એટલે સિદ્દિ કોમ્યુનિટી. ગુજરાતના મિની આફ્રિકા તરીકે ઓળખાતું અનોખું ગામ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલું છે. રતનપોર ગામમાં પ્રવેશતાની સાથે જ આપણે આફ્રિકાના કોઈ ગામમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. રતનપોર ગામમાં સિદ્દિ સભ્યતાનાં ૨૫૦ જેટલા લોકો રહે છે. આ સમાજના લોકો અહીં કેવી રીતે આવ્યા તેની પાછળ રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. આશરે ૭૦૦ વર્ષ પૂર્વે સૂદાન દેશના સરહદી ગામ સઇડીયહ ગામમાંથી શેખ મુબારકનબી નામના બાદશાહ ભાવનગરના ઘોઘા બંદરથી અહીં વસ્યા હતા. કહેવાય છે કે શેતાનનો ખાત્મો કરવાના હેતુથી અલ્લાહતાલાએ તેઓને કબિલા સાથે અહીં મોકલ્યાં હતા. સઇડીયહ ગામના વતની હોવાથી તેઓને સિદ્દિ કહેવામાં આવે છે. આ બાદ આ જનજાતિના લોકો અહીં જ વસી ગયા. રતનપોર ગામે શેખ મુબારકનબીની દરગાહ પણ આવેલી છે. જેને બાવાગોરની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે. અહીં દૂર દૂરથી લોકો આવી માથું ટેકવે છે અને તેઓની મનોકામના પૂર્ણ થાય છે. રતનપોર ગામમાં સિદ્દિ સભ્યતાના લોકોના ૭૦ થી ૮૦ ઘર આવેલા છે તેઓ દેખાવથી સિદ્દિ લાગે છે. પરંતુ તેઓની રહેણીકરણી ગુજરાતીઓ જેવી જ છે. આમ તો તેઓ સુદાનની સુઆલી ભાષા બોલે છે, પરંતુ વર્ષોથી અહીં જ રહેતા હોવાથી તેઓને ગુજરાતી ભાષા પણ ખૂબ સારી રીતે આવડે છે. સિદ્દિ સમાજની ઓળખ તેઓનો સાંસ્કૃતિક વારસો સિદ્દિ નૃત્ય છે. જેના દ્વારા તેઓ તહેવારની ઉજવણી કરે છે સિદ્દિ સમાજના યુવાનો ખેતી, વાહન વ્યવહાર અને અન્ય વેપાર વ્યવસાય સાથે સંકળાયેલા છે.

[:]