[:gj]ભાવનગરના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનારા ખંડણીખોરની ધરપકડઃ ચાર અપહરણકારો ફરાર[:]

[:gj]રાજકોટ, તા. ૧૭ :. ભાવનગરના ખોજા વેપારીનું અમદાવાદમાંથી અપહરણ કરી ખંડણી માંગવાના ગુન્હામાં પકડાયેલ રાજકોટના રમીઝ સેતાને કોર્ટે ૩ દિ’ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. અપહરણ અને ખંડણી પ્રકરણના મુખ્ય સૂત્રધાર વસીમ કથીરી સહિત પાંચ ષડયંત્રકારોની જસદણ પોલીસે શોધ શરૂ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે જસદણના પાંચ ટોબરા તરીકે ઓળખાતા ડુંગર વિસ્તારમાં એક કારની શંકાસ્પદ હીલચાલ થઇ રહી છે. પોલીસ કાફલાએ આ વિસ્તારમાં ધસી જઇને કેટલાંક શખ્સોને આતર્યા હતાં. પોલીસ આવતાંજ અહીં હાજર ઇસમોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રમીઝ સેતા (સંધી) રહે. જંગલેશ્વર-રાજકોટને પકડી પાડી તેની તલાસી લેતા તેની પાસેથી પરાવાના વિનાની પિસ્તોલ તથા જીવતા ચાર કારતૂસ મળી આવતા તેની ધરપકડ કરી લેવાઇ હતી. જ્યારે તેની સાથેના અન્ય ચાર શખ્સો અકરમ નારેજા રહે. રાજકોટ, સાજીદ સૈયદ રહે. ભાવનગર, સિકંદર ઉર્ફે બાપુ રહે. જૂનાગઢ તથા ફેઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર રહે. જસદણ નામના શખ્સો નાસી છૂટયા હતા. દરમિયાન જસદણના પીએસઆઈ ડી.પી. ઝાલા તથા સ્ટાફે ઘટના સ્થળે જાળીમાં સંતાઈ બેઠેલા એક શખ્સ પાસે જઈ તેનુ નામ પૂછતા પોતાનુ નામ અલ્તાફહુસેન માસુમઅલી નાથાણી (ખોજા) રહે. દેવબાગ ઈલહરબાગ સોસાયટી પ્લોટ નં. ૨ નિલમબાગ સર્કલથી આગળ ભાવનગર હોવાનું અને નાસી છૂટેલા ચારેય શખ્સોએ પોતાનુ ખંડણીના ઈરાદે અમદાવાદમાંથી અપહરણ કર્યાની પોલીસને કબુલાત આપી હતી. પકડાયેલ રાજકોટના રમીઝની પોલીસે પૂછતાછ કરતા તેણે એવી કેફીયત આપી હતી કે આજથી બે દિવસ પૂર્વે ભાવનગરના વેપારી અલ્તાફહુસેન નાથાણીનુ અપહરણ કરી તેની પાસેથી ખંડણી ઉઘરાવવાનું કાવત્રુ ઘડેલ હતું. પૂર્વયોજીત કાવત્રા મુજબ ભાવનગરના વેપારીનુ અપહરણ કરી જસદણ લાવી ખંડણી મંગાતી હતી ત્યારે જ પોલીસ ત્રાટકતા અપહરણ અને ખંડણી કાવત્રાનો પર્દાફાશ થયો હતો. દરમિયાન અપહરણ-ખંડણી પ્રકરણમાં સામેલ અને પિસ્તોલ સાથે પકડાયેલ રમીઝ સલીમભાઈ સેતા રહે. જંગલેશ્વર-રાજકોટને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૩ દિ’ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. પોલીસ તપાસમાં ભાવનગરના વેપારીના અપહરણ અને ખંડણીની ટીપ ભાવનગરના સાજીદ સૈયદે આપી હતી અને અપહરણ અને કાવત્રાનો પ્લાન જસદણના નામચીન વસીમ ઈકબાલ કથીરીએ ઘડયો હતો. [:]