[:gj]મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પાંચ મોત[:]

[:gj]અમદાવાદ,તા:૨૩   શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં મોકલવામાં આવ્યા હોવાથી કામગીરીના સ્તરમાં સુધારો જાવા મળ્યો નથી. જોવાનું એ છે કે મેલેરિયા વોલેન્ટિયર્સ દ્વારા ડોર ટુ ડોરની કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ દસ દિવસમાં જ ડેન્ગ્યુના 300 કરતાં વધુ કેસ નોંધાયા છે.

સ્માર્ટસિટી ગણાતા અમદાવાદના નાગરિકો હાલમાં પાણીજન્ય રોગચાળો જેમ કે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝેરી મેલેરિયા, કમળો અને ટાઈફોઈડના મોટાપાયે શિકાર બની રહ્યા છે. જે માટે મ્યુનિ. તંત્રની લાપરવાહી અને વિલંબ કારણભૂત હોવાનું જણાવાઈ રહ્યું છે. લોકોએ કરેલા આક્ષેપ પ્રમાણે વરસાદી સિઝનમાં ગંદકી અને પાણીના નિકાસની કામગીરીમાં વિલંબ કર્યો હોવાના કારણે જ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, જે માટે મ્યુનિ. તંત્ર દૈનિક રૂ.10 લાખનો ખર્ચ કરતું હોવાનો દાવો કરી રહ્યું છે.

જો કે મ્યુનિ. તંત્રના કહેવાતાં પગલાં અને વોલેન્ટિયર્સની એક હજારની ફોજનાં હજુ કોઈ પરિણામ મળ્યાં નથી, જેના પરિણામસ્વરૂપ શહેરમાં ચાલુ વર્ષે ડેન્ગ્યુના એક હજાર જેટલા કેસ નોંધાયા છે. જોવાનું એ છે કે છેલ્લા દોઢ મહિનામાં ડેન્ગ્યુના 800 કેસ નોંધાયા છે, જેમાં સપ્ટેમ્બરના ચાલુ મહિનામાં જ ડેન્ગ્યુના 450 જેટલા કેસ નોંધાયા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. અમદાવાદમાં ખાસ કરીને વટવા, લાંભા, દાણીલીમડા, રખિયાલ, નિકોલ, કુબેરનગર અને ગોતા સહિતના વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં ભારે વધારો જોવા મળ્યો છે. શહેરમાં હાલમાં ડેન્ગ્યુના આશકે 30થી 40 કેસ નોંધઆઈ રહ્યા છે.

જો કે બાદમાં કોર્પોરેશન દ્વારા પાણી વહી ગયા બાદ પાળા બાંધવા સમાન કાર્યો થયાં છે, જેના ભાગરૂપે ગત સપ્તાહે વોલેન્ટિયર્સ દ્વારા મેલેરિયાના શંકાસ્પદ દર્દીઓનાં 40 હજારથી વધુ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જે પૈકી પાંચ ટકા પણ પોઝિટિવ આંકડા આવે તો મેલેરિયાની સંખ્યા બે હજાર કરતાં પણ વધુ થવા જાય છે. જો કે કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યુ અને મેલેરિયાના સાચા આંકડા આપવામાં આવ્યા નથી.

શહેરમાં 2018ના વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 3100 જેટલા કેસ નોધાયા હતા, જેની સામે ચાલુ વર્ષે ડેન્ગ્યુના એક હજાર કેસ કન્ફર્મ થયા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે 2018માં ડેન્ગ્યુના સૌથી વધુ કેસ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં નોંધાયા હતા. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના 1250 કેસ નોધાયા હતા. જ્યારે 2018ના ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 309 કેસની સામે ઓગસ્ટ-2019માં 351 કેસ નોંધાયા છે.

ચાલુ વર્ષ દરમિયાન સાદા મેલેરિયાના 3250 તથા ઝેરી મેલેરિયાના 100 કરતાં પણ વધુ કેસ નોંધાયા છે. ગત વર્ષની સરખામણીમાં ઝેરી મેલેરિયાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ સાદા મેલેરિયાના કેસમાં ધરખમ વધારો થયો છે.

મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં શહેરના નાગરિકો ફસાવાના જવાબદાર એક રીતે શાસકપક્ષ જ ઠરે છે, કારણ કે મચ્છરોના નિયંત્રણ માટે જે કામ ચોમાસા પહેલાં મંજૂર કરવાનાં થતાં હતાં તેવાં કામ સિઝન પૂર્ણ થવા આવી ત્યારે મંજૂર કરવામાં આવ્યાં છે, જેના કારણે પણ રોગચાળો વધી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

શહેરમાં રોગચાળાના કારણે સાત વ્યક્તિનાં મોત

શહેરમાં 32 ઈંચ વરસાદ બાદ પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરભરમાં મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. તેવામાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કારણે સાત વ્યક્તિનાં મોત થયાં છે. જો કે આંકડા છુપાવવામાં પાવરધા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માત્ર પાંચ વ્યક્તિનાં મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં ડેન્ગ્યુના કારણે ત્રણ તેમજ મેલેરિયા તથા ઝેરી મેલેરિયાના કારણે એક-એક વ્યક્તિનાં મૃત્યુ થયાં છે. ચિંતાજનક બાબત એ છે કે ડેન્ગ્યુના કારણે જે ત્રણ મૃત્યુ થયાં છે તે તમામ બાળકો હતાં. આ ઉપરાંત ઝેરી મેલેરિયાના કારણે એક વૃદ્ધાનો અને મેલેરિયાના કારણે 35 વર્ષના યુવાનનું મોત થયું છે.

 શહેરમાં પાણીજન્ય રોગોની સંખ્યામાં પણ વધારો

વરસાદ બાદ શહેરભરમાં પાણીજન્ય રોગચાળામાં પણ ભારે વધારો નોંધાયો છે. શહેરભરના વિવિધ વિસ્તારમાં રહીશો દ્વારા ગંદું, દુર્ગંધયુક્ત અને ડહોળું પાણી આવતું હોવાની બૂમ ઊઠી રહી છે, જેના કારણે પાણીજન્ય રોગચાળો સતત વધી રહ્યો થે. જો કે શહેરવાસીઓની બૂમ ઊઠવા છતાં તંત્ર દ્વારા આ અંગે હજુકોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી. તંત્ર તરફથી કરાતી જાહેરાતોની વચ્ચે વટવા અને લાંભામાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે. અમપાએ પાણીનાં લીધેલાં સેમ્પલ પૈકી 86માં ક્લોરીન ન હોવાનું ખૂલ્યું છે. ઉપરાંત 1078 સેમ્પલ પૈકી 13 સેમ્પલ પીવાલાયક ન હોવાનું બહાર આવ્યું છે.[:]