મહિલાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કર્યું, ત્રણેને લોકોએ બચાવી લીધા

પાટણ, તા.૧૬

સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામે મહિલાએ ચાર માસની દીકરી અને બે વર્ષના પુત્ર સાથે અગ્નિસ્નાન કરતાં ચકચાર મચી ગઇ હતી. આ સમયે આગને જોઇ નાસી ગયેલી ચાર વર્ષની દીકરીએ જાણ કરતાં આસપાસથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પતિને અન્ય યુવતી સાથે આડાસંબંધ હોવાના વહેમમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન, સમી પોલીસે મહિલા વિરુદ્ધ બે બાળકોની હત્યાની કોશિશ અંગે તેમજ મહિલાના પતિ સહિત ત્રણ સામે આપઘાત કરવા દુષ્પ્રેરણ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

સમી તાલુકાના રાફુ(કૈલાશપુરા) ગામના અને શંખેશ્વર સીએચસીમાં ફરજ બજાવતા લક્ષ્મણ રામા ઠાકોર શુક્રવારે સવારે આઠ વાગે નોકરીએ જવા નીકળ્યા ત્યારે પત્ની રમીલાબેને તબિયત સારી ન હોઇ દવાખાને લઈ જવા કહ્યું હતું. લક્ષ્મણે કાલે લઈ જઈશ તેમ કહી શંખેશ્વર નોકરીએ ગયો હતો. દરમિયાન સાંજના પાંચેક વાગે બે છોકરા અને પત્ની દાઝી ગયા હોવાની જાણ થતાં ઘરે પહોંચ્યો હતો અને પુત્ર નયન, પુત્રી રવિના અને પત્ની ત્રણેય શરીરે દાઝી ગયા હોઇ 108માં રાધનપુર અને ત્યાંથી ધારપુર સિવિલમાં રીફર કર્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડાયા છે. હાલમાં ત્રણે જણા ભાનમાં છે. આ બનાવ અંગે લક્ષ્મણે સમી પોલીસ મથકે બે સંતાનોની હત્યાની કોશિશ અંગે પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મહિલાએ પણ માનસિક ત્રાસ આપી આપઘાત કરવા દુષ્પ્રેરણ અંગે પતિ, સાસુ અને ભત્રીજી સામે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ વાય.બી. બારોટે તપાસ હાથ ધરી છે.

તપાસ અધિકારીએ જણાવ્યું કે, ઘરમાં તેના ત્રણ બાળકો સાથે મહિલાએ સાડીઓ, કપડાં અને પ્લાસ્ટિકનાં મેણિયાં સળગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તે વખતે ચાર વર્ષની મોટી દીકરી તુલસી આગ જોઇને નાસી છૂટી હતી,પણ બે વર્ષનો નયન અને ચાર માસની દીકરી રવિના તેમજ મહિલા આગની લપેટમાં આવી ગયા હતા.આજુબાજુથી દોડી આવેલા લોકોએ આગ ઓલવી બે બાળકો અને મહિલાને બચાવી લીધી હતી.

અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન લક્ષ્મણે તેની પત્નીને પૂછતાં તેણે જણાવ્યું કે, તમે મારી સાથે સારું વર્તન રાખતા ન હોઈ અને અંકિતાને સારું રાખો છો તેથી મને લાગી આવતાં જૂનાં કપડાં તેમજ મેણિયા મૂકી આગ લગાવી છોકરાને મારી નાખવા તેમજ જાતે મરી જવાની કોશીશ કરતાં અમો ત્રણે દાઝેલા છીએ.