[:gj]મહેસાણાનું તળાવ 11 વર્ષથી કૌભાંડમાં ફસાયું[:]

[:gj]શું એક વિકાસનું કામ 11 વર્ષ સુધી ચાલી શકે ? અને 11 વર્ષથી ચાલતું વિકાસનું આ કામ ક્યારે પૂર્ણ થશે એ આજે પણ નિશ્ચિત નથી. જી હા, આ વાત છે મહેસાણામાં આવેલા એકમાત્ર પરાં તળાવની કે જે વર્ષ ૨૦૦૭થી બનાવવામાં આવી રહ્યું છે અને તળાવ બ્યુટિફિકેશનની હાથ ધરાયેલી કામગીરી આજે પણ પૂર્ણ થઈ નથી. કરોડો રૂપિયાથી બનતું આ તળાવ કૌભાંડમાં પણ બદનામ થઈ ચૂક્યું છે, પણ તળાવની કામગીરી પૂર્ણ થઈ નથી.
વર્ષ ૨૦૦૭માં સ્થાનિક ધારાસભ્ય અનિલ પટેલના હસ્તે મહેસાણા પરાં તળાવને સુંદર, નયનરમ્ય અને ફરવાલાયક સ્થળ બનાવવા ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૦૭માં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સુંદર તળાવ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષો વીતવાની સાથે તળાવ બ્યુટિફિકેશન થવાના બદલે તળાવ કૌભાંડના કિચડમાં ફસાયું હતું. કૌભાંડના કિચડમાં ફસાયેલા તળાવનો વિકાસ થવાના બદલે પાલિકાના તત્કાલીન એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે 3 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા તળાવનો ખર્ચ કૌભાંડની સાથે વર્ષો વીતવાની સાથે 10 કરોડ સુધી પહોંચી ગયો છે, પરંતુ હાલમાં પણ તળાવ બ્યુટિફિકેશનની કામગીરી પૂર્ણ થઈ નથી.
11 વર્ષથી નિર્માણાધીન તળાવ બ્યુટિફિકેશનની કામગીરી આજે પણ જૈસે થે જેવી સ્થિતિ છે. પરંતુ મહેસાણા નગરપાલિકા ચીફ ઓફિસરનું માનીએ તો દોઢ માસમાં તળાવની કામગીરી પૂર્ણ થશે. જોકે વર્ષોથી ચાલી રહેલાઆ તળાવ વિકાસ કામ દરમિયાન સત્તાધીશો અને ચીફ ઓફિસરો બદલાયા પણ તળાવ મામલે જવાબો આજે પણ એ જ સાંભળવા મળે છે. કોંગ્રેસ શાસિત મહેસાણા પાલિકામાં ભાજપના નગરસેવકના કહેવા મુજબ તળાવ કામગીરી હજુ છ માસ સુધી પણ પૂર્ણ થાય એવું લાગંતુ નથી.
અગિયાર-અગિયાર વર્ષના વ્હાણાં વાઈ ગયા છતાં એકમાત્ર તળાવનું કામ પૂર્ણ થયું નથી અને તળાવની સ્થિતિ જોતા લાગતું પણ નથી કે ટૂંક સમયમાં તળાવ શહેરીજનોને ફરવા માટે ભેટમાં મળે. ત્રણ કરોડનું કૌભાંડી તળાવ દસ કરોડનું થયું પણ તળાવ બનતું નથી અને ભાજપ હોય કે કોંગ્રેસ પણ તળાવની કામગીરી પૂર્ણ થતી જ નથી.[:]