[:gj]મહેસાણા-વડનગર વચ્ચે ત્રણ વર્ષ બાદ 15મીથી ટ્રેન દોડતી થશે[:]

[:gj]મહેસાણા, તા.૧૩

મહેસાણા-વડનગર રેલવે લાઇનનું મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરણ કરાયા બાદ આગામી 15મીને મંગળવારથી ટ્રેન સેવા ફરી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેકને બ્રોડગેજમાં ફેરવવા માટે 34 માસ અગાઉ મીટરગેજ લાઇન પર દોડતી બે ડબ્બાની પેસેન્જર ટ્રેન બંધ કરાઇ હતી. આ ટ્રેન હવે શરૂ થતાં વિસ્તારના લોકોને સસ્તા ભાડામાં ટ્રેનની સુવિધા મળી રહેશે. હાલ દિવસમાં બે વખત વડનગરથી મહેસાણા અને બે વખત મહેસાણાથી વડનગર વચ્ચે ટ્રેન દોડવાશે. જોકે, મહેસાણા રેલવે સ્ટેશનના અધિકારી સૂત્રોએ કહ્યું કે, હજુ સત્તાવાર રીતે સ્ટેશને ક્યારથી ટ્રેન ચાલુ થવાની છે તેનો કાર્યક્રમ ડિવિઝનથી આવ્યો નથી. પરંતુ સમય પત્રકમાં વડનગર-મહેસાણા ટ્રેન સૂચિત કરાઇ છે. ટ્રેન શરૂ થવાની જાહેરાતથી લોકોમાં ખુશી ફેલાઇ છે.

મહેસાણા, વિસનગર, ગુંજા, વડનગર સુધી છેલ્લે 22 ડિસેમ્બર 2016થી ગેજ પરિવર્તન કામગીરી શરૂ થતાં ટ્રેન બંધ કરાઇ હતી. પોણા ત્રણ વર્ષમાં બ્રોડગેજ લાઇન તૈયાર થઇ જતાં આગામી મંગળવારથી સેવા ટ્રેન શરૂ કરવાની તૈયારી કરાઇ છે. કેન્દ્રીય રેલમંત્રી પિયૂષ ગોયેલ મંગળવારે બપોરે ઓનલાઇન ઉદઘાટન કરશે. જેને લઇને એકાદ દિવસમાં ઇજનેર ટીમ ટ્રેકરૂટ ચકાસી લેશે. મહેસાણા – વડનગર રૂટમાં ક્યાં કેટલું સ્ટોપેજ વગેરેનો વિગતે કાર્યક્રમ હજુ મહેસાણા રેલવે સ્ટેશન સુધી ડિવિઝનથી આવ્યો નથી. જોકે ટ્રેન શરૂ થઇ રહ્યાની સૂચના બંને સ્ટેશનોને કરી દેવાઇ હોવાથી તૈયારીઓ શરૂ થઇ હતી.

મહેસાણા-વડનગર ટ્રેનનો સમય નીચે મુજબ છે

ટ્રેન ઉપડશે પહોંચશે
વડનગર-મહેસાણા (79406) સવારે 7 વાગે સવારે 8.30 વાગે
મહેસાણા- વડનગર (79405) સવારે 8.50 સવારે 10.20 વાગે
વડનગર- મહેસાણા (79408) સાંજના 4 વાગે સાંજના 5.30 વાગે
મહેસાણા- વડનગર (79407) સાંજના 6 વાગે સાંજે 7.30 વાગે

 [:]