[:gj]માનસિક અસ્થિર વૃદ્ધે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને દોડાવી[:]

[:gj]અમદાવાદ, તા.18
શહેરના પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલું અંતરિક્ષ બિલ્ડીંગ નમી પડ્યું છે તેવો સંદેશો મળતા ફાયરબ્રિગેડની ટીમો અને પોલીસ હાંફળી ફાંફળી થઈને સ્થળ પર દોડી ગઈ હતી. જો કે, ઘટનાસ્થળે પહોંચેલી તમામ ટીમોએ અંતરિક્ષ બિલ્ડીંગને જોયા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બિલ્ડીંગ નમી પડ્યું હોવાની જાણ કરનારા શખ્સ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે. સેટેલાઈટ પોલીસે આ હરકત મામલે ભરત દેસાઈની વિગતો સ્ટેશન ડાયરીમાં નોંધી જવા દીધા હતા.

આજે સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ભરત દેસાઈ નામની વ્યક્તિએ ફોન કરી પાંજરાપોળ ચાર રસ્તા પાસે આવેલું અંતરિક્ષ બિલ્ડીંગ નમી ગયું છે તેવો સંદેશો આપ્યો હતો. જે સંદેશાના પગલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહે ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમમાં સવારે 9.40 કલાકે ફોન કરી ઘટનાની જાણ કરી હતી. ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને સંદેશો મળતાની સાથે ગંભીરતાપૂર્વક નવરંગપુરા ફાયર સ્ટેશન અને મેમનગર ફાયર સ્ટેશનના અધિકારીઓ સ્ટાફ અને વાહનો સાથે સ્થળ પર દોડી ગયા હતા. બીજી તરફ પોલીસની ચાર વાન પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.

સ્થળ પર પહોંચેલા પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારીઓએ અંતરિક્ષ બિલ્ડીંગને જોતા હાશકારો અનુભવ્યો હતો. કોઈએ ખોટો સંદેશો કર્યો હોવાનું સામે આવતા પોલીસ કંટ્રોલ રૂમમાં નોંધાયેલા મોબાઈલ ફોન નંબર પર સંપર્ક કરતા ભરત દેસાઈ નામના એક વૃદ્ધ મળી આવ્યા હતા. ભરત દેસાઈની પૂછપરછ કરતા તેઓ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું.

તમે બધા બહું જલદી આવી ગયા

પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી બિલ્ડીંગ નમી પડ્યું હોવાનો સંદેશો આપનાર ભરત દેસાઈએ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમને જોઈને તમે બધા બહું જલદી આવી ગયા મને આશા ન હતી તેમ જણાવ્યું હતું. ભરત દેસાઈ એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે અને અગાઉ અંતરિક્ષ બિલ્ડીંગ પાસે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

[:]