[:gj]મૂળ મુદ્દાથી લોકોને ભટકાવવા માટે પરીક્ષાઓ રદ્દ કરાતી હોવાની ચર્ચા[:]

[:gj]ગાંધીનગર, તા. 14

રાજ્યમાં કૌભાંડોમાં માહેર ભાજપ સરકાર દ્વારા વધુ એક કૌભાંડ હોવાનું બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થયા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. રોજગારી આપવાના બહાને સરકારે છેલ્લા અગિયાર વર્ષમાં પાંચમી પરીક્ષા રદ્દ કરી છે. પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થવાની તો જાણે ફેશન હોય તેમ પરીક્ષાર્થીઓ સતત પીસાઈ રહ્યા છે. અત્યારસુધીમાં જેટલી પણ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે તેમાં ક્યાંકને ક્યાંક લોકોનું ધ્યાન મહત્વના મુદ્દા પરથી ભટકાવવાના આશય હોય એવું ફલિત થાય છે.

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ થઈ

નાના બાળકો રમતા રમતા ઝઘડી પડે અને પછી કહે કે જાવ નથી રમતા એવું ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી રોજગારી આપવાના બહાને સરકાર પરીક્ષાર્થીઓ સાથે કરી રહી છે. છેલ્લાં એક વર્ષથી રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરી રહેલા યુવાનોની જિંદગી રમત હોય એમ સરકાર તેમની સાથે રમી રહી છે. પરીક્ષાની તારીખ નક્કી હોય અને તે નજીકના દિવસોમાં યોજાવાની હોય અને અચાનક જ પરીક્ષા રદ્દ કરી દેવાની જાહેરાત કરી સરકાર લોકોને છેતરી રહી હોવાનો સૂર ઠેર ઠેર ઉઠવા પામ્યો છે. સરકાર કાયમ ઉત્સવો અને મેળાઓના જ તાયફામાં મસ્ત છે અને યુવાનોની રોજગારીની તો જાણે સરકારને ચિંતા જ નથી. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરીને તેના નિયમો બદલી કાઢીને અનેક આશાસભર યુવાનોના સપના સરકારે તોડી કાઢ્યા છે. આ પરીક્ષા રદ્દ કરવા પાછળ ભલે નિયમ બદલવાની વાત હોય પણ હકીકતમાં રાજસ્થાનના મુખ્યપ્રધાન દ્વારા ગુજરાતમાં દારૂના મામલે કરાયેલા નિવેદન બાદ રાજ્ય સરકાર ઉપર નિશાન તાકવામાં આવી રહ્યા હતા અને લોકો પણ દારૂના મામલે સરકારની ટિકા કરી રહ્યા હતા ત્યારે આ મામલે સરકારની વધુ બદનામી ન થાય તે માટે આ પરીક્ષા રદ્દ કરી લોકોનું ધ્યાન મૂળ મુદ્દા પરથી હટાવવાનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સરકાર યુવાનોની મશ્કરી કરી રહી છે

રાજ્ય સરકાર દ્વારા અત્યારસુધીમાં પાંચ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે. અગાઉ લોકરક્ષક દળ, અમ્યુકો, ટાટ જેવી કુલ પાંચ પરીક્ષાઓ રદ્દ કરીને બેરોજગાર યુવાનોની રીતસર સરકાર મજાક કરી રહી હોવાનો આરોપ બિનશૈક્ષણિક ક્લાર્કની પરીક્ષા રદ્દ થતાં રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓના અગ્રણી મનસુખ બારિયા કહે છે. પાંચ પાંચ પરીક્ષાઓ રદ્દ કરીને સરકારે રાજ્યના યુવાનોની જે ક્રૂર મશ્કરી કરી છે તે તેમને આગામી દિવસોમાં ભારે પડશે એવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

સરકારે અત્યારસુધીમાં પાંચ પરીક્ષા રદ્દ કરી

અત્યારસુધીમાં જે પાંચ પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે તેમાં સરકારનો બદઈરાદો સ્પષ્ટ નજરે પડે છે.

લોકરક્ષક દળની પરીક્ષા

ત્રીજી ડિસેમ્બર 2018માં લોકરક્ષક દળની પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટવાની ઘટના બની. અને તે રદ્દ કરવાની છેલ્લી ઘડીએ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. જેના કારણે દૂરસુદૂરના પરીક્ષા કેન્દ્રો પર પહોંચેલા પરીક્ષાર્થીઓને નારાજ થવાનો વારો આવ્યો હતો. આ પરીક્ષા અંદાજે 9 લાખ જેટલા ઉમેદવારો આપવાના હતા. તે સમયે કેન્દ્ર સરકારની કેટલીક આર્થિક નીતિઓના કારણે લોકોમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી રહી હતી. અને તે સમયે લોકો આર્થિક નીતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલિન કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીની આર્થિક નીતિઓ અંગે આડેહાથ લીધા હતા અને તેના કારણે અનેક વિવાદો ઊભા થઈ રહ્યા હતા. આ સમયે તેમાંથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારે પરીક્ષા રદ્દ કરીને રાજ્ય સરકારે તમામનું ધ્યાન આ મુદ્દા તરફ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ટાટની પરીક્ષા

તો રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2018માં લેવાનારી ટાટની પરીક્ષા અરવલ્લીમાંથી વ્હોટ્સએપમાંથી પેપર ફૂટ્યાની ફરીયાદ થતાં તે રદ્દ કરવામાં આવી હતી. તે સમયે ૧.૪૭ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી અને ત્યારબાદ આ પરીક્ષા જાન્યુઆરી 2019માં યોજાઈ હતી. જોકે આ પરીક્ષા યોજાઈ અને પરિણામ જાહેર થઈ જવા છતાં હજુ સુધી આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી નથી. આ પરીક્ષા રદ્દ કરવા પાછળ ગુજરાતમાં મગફળી કાંડ સર્જાયો હતો. અને મગફળીના ગોડાઉનોમાં ઉપરાછાપરી આગ લાગવા ઉપરાંત મગફળીની ગુણમાંથી માટી અને ઢેફાં મળવાના કારણે સરકાર ઉપર કોંગ્રેસ તેમ જ ખેડૂતો દ્વારા સતત માછલા ધોવાઈ રહ્યા હતા અને ગુજરાતની પ્રજા પણ આ મુદ્દાને વાચા આપી રહ્યા હોઈ સરકારે આ મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા વ્હોટ્સએપના માધ્યમથી ટાટનું પ્રશ્નપત્ર રદ્દ થયું હોવાની જાહેરાત કરી પરીક્ષા રદ્દ કરી દીધી હતી.

વનસંરક્ષકની પરીક્ષા

આ ઉપરાંત વનસંરક્ષકની પરીક્ષા પણ સરકારે રદ્દ કરી દીધી હતી. વનરક્ષક સંવર્ગ-3ની કુલ 334 જગ્યાઓ માટે કુલ 4.97 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 23 ડિસેમ્બર 2018માં યોજાનારી વનસંરક્ષકની પરીક્ષા રદ્દ કરવા પાછળ ભરતી બોર્ડ દ્વારા પરીક્ષાના કેન્દ્રો જ નક્કી ન કરાયા હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. પણ હકીકતમાં આ સમયગાળા દરમિયાન ભારત સરકારની આર્થિક બાબતોમાં ભારે ટિકા થઈ રહી હતી અને તેના કારણે લોકોનું ધ્યાન ત્યાંથી હટાવવા માટે આ પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી હતી.

અમપાની મ્યુનિ. ક્લાર્કની પરીક્ષા

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા લેવાયેલી મ્યુનિસિપલ ક્લાર્કની પરીક્ષા પહેલા રદ્દ કરવામાં આવી હતી. અને પછી ફરી આ પરીક્ષા ફરી 1 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી હતી. કુલ 334 જગ્યા સામે 1.27 લાખ અરજીઓ આવી હતી. આ પરીક્ષા દરમિયાન મહાનગરપાલિકાના સત્તાવાળાઓ દ્વારા શાળાઓને સીસીટીવી બંધ રાખવાની સૂચના આપી હતી. આ પ્રકારના આદેશ બાદ ઘણી શાળાઓમાં પોતાના મળતિયાઓને પરીક્ષાના પ્રશ્નપત્રની આન્સર કી આપી દેવામાં આવી હતી. જેના કારણે વિવાદ થતાં તેનું પરિણામ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર નહિ કરવાનો અમપાએ નિર્ણય લીધો હતો. આ પરીક્ષા રદ્દ કરવા સમયે રાજ્યમાં નવા વાહન વ્યવહાર નિયમો લાગુ કરવાના મુદ્દે ભારે હોબાળો મચેલો હતો અને તેનાથી ધ્યાન ડાયવર્ટ કરવા માટે આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ ભૂલી જવાઈ.

 [:]