[:gj]મોડાસા શહેર ટ્રાફિક ગ્રસ્ત : ટી.આર.બી જવાનો મોબાઈલ પર મસ્ત[:]

[:gj]મોડાસા, તા.૦૪

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ચાર રસ્તા થી મખદૂમ ચોકડી સુધી અને ચાર રસ્તા થી ડીપ વિસ્તારમાં જેવાના મુખ્યમાર્ગો પર ગેરકાયદેસર ખડકાતા લારી-પથારાવાળા થી અને રોડ પર આડેધડ ખડકી દેવાતા બાઈક અને કાર, રીક્ષાઓ થી ધોરીમાર્ગ પણ અદ્રશ્ય બની જાય એટલી હદે દબાણ કરાતા રાહદારીઓ માટે ચાલવું ક્યાં તે યક્ષ પ્રશ્ન બની રહે છે. છાશવારે ટ્રાફિક જામના દ્રશ્યોમાં વાહનચાલકો અટવાતા

વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના ચાર રસ્તા, બસ સ્ટેન્ડ અને અન્ય ટ્રાફિક પોઇન્ટ પર ફરજમાં મુકવામાં આવેલ પોલીસતંત્રના કર્મચારીઓ ચોકીમાં અને ટ્રાફિક બ્રિગેડના જવાનો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની સાથે ટોળેવળી વાતોમાં રચ્યા પચ્યા રહેતા ટ્રાફિકની ગંભીર સમસ્યા પેદા થઇ છે.

એક બાજુ સરકાર અકસ્માતની ઘટના નિવારવા ટ્રાફિકના નિયમો અને દંડની જોગવાઈ વધારી રહી છે. બીજીબાજુ ટ્રાફિક નિયમનની અમલવારીમાં પોલીસતંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું હોય તેવા દ્રશ્યો સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. અરવલ્લી જીલ્લામાં હેલ્મેટ પહેરવાના નિયમનો તો દ્રિ-ચક્રીય વાહન ચાલકો સરેઆમ ઉલ્લાંઘન કરી રહ્યા છે. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપવાની સાથે દંડાનાત્મક કાર્યવાહી કરતી હોય છે. ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહી જાણે તેમને અપાતા ટાર્ગેટ પૂરો થતા જ બંધ કરી દેવામાં આવતી હોય તેમ વાહન ચાલકો બિન્દાસ્ત ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી મનફાવે તેમ વાહનો હંકારી અકસ્માતની ઘટનાઓની હારમાળા સર્જી રહ્યા છે.

મોડાસા ટાઉન પોલીસ, ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા તંત્ર દ્વારા મોડાસામાં ટ્રાફિક દૂર કરવા ભારે ઉદાસીનતા જોવા મળે છે. “બાર વર્ષે બાવો બોલે” તેમ ફક્ત દેખાવ પૂરતી અને રોફ જમાવતી કામગીરી મહિનાના એકાદ બે દિવસ કર્યા બાદ ઠંડા પાણીમાં બેસી જતા મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા શહેરીજનો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની છે.

 [:]