[:gj]મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી લાશને દાટી દેનારો હત્યારો ઝડપાયો [:]

[:gj]અમદાવાદ, તા.૧૧

દેત્રોજ તાલુકાના રામપુરા-ઘટીસણા રોડ પર 11 વર્ષના બાળકનું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા હત્યારાને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધો છે. પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયાએ એક મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યારા પાસેથી લૂંટી લેવાયેલો મોબાઈલ ફોન કબ્જે લીધો છે.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરા રોડ પર આવેલા કાંઝ ગામની સીમમાં રહેતા કાળીબહેન અમરતજી ઠાકોરનો પુત્ર પુનાજી (ઉ.11) રામપુરાની સરકારી સ્કુલમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. ગત 31 જુલાઈના રોજ સાંજે છ વાગે પુનાજી તેની માતાને મોબાઈલ ફોન લઈને રામપુરા જાઉં છું, તેમ કહીને ઘરેથી નિકળ્યો હતો. ત્યારબાદ લાપતા થઈ ગયેલા પુનાજી ઠાકોરનો મૃતદેહ રામપુરા-ઘટીસણા રોડ પર આવેલા ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવ્યો હતો. પુનાજીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરી હત્યા કરવામાં આવી હતી. મૃતદેહ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો ન હતો.

અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મૃતકના ગુમ થયેલા ફોન નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં મૃતકનો ફોન વપરાશમાં આવતા તેની એલસીબીએ તપાસ આરંભી હતી. એલસીબીએ મૂળ દેત્રોજ તાલુકાના કાંઝ ગામનો રહેવાસી અને હાલ કડી તાલુકાના રાજપુર ગામે રહેતા પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો ચતુરભાઈ બજાણીયા (ઉ.21)ને ઝડપી લઈ મોબાઈલ ફોન કબ્જે લીધો હતો. આરોપીની પૂછપરછ કરતા પ્રવિણ બજાણીયાએ કબૂલાત કરી હતી કે, બાળક પાસેથી ફોન ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે પ્રતિકાર કરતા તેને ખેતરમાં લઈ જઈ ગળુ કાપી હત્યા કરી નાંખી જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો.[:]