[:gj]રાજ્યની તમામ આરટીઓ દિવાળી-બેસતા વર્ષ સિવાયના તમામ દિવસોમાં ચાલુ રહેશે[:]

[:gj]ગાંધીનગર, તા. 17

રાજ્યમાં 31મી ઓક્ટોબરથી વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવવાના છે ત્યારે રાજ્યના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે લોકોનો ધસારો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આ સંજોગોને પહોંચી વળવા માટે રાજ્યના વાહનવ્યવહાર વિભાગે દિવાળી અને બેસતા વર્ષ સિવાયના તમામ દિવસો દરમિયાન આરટીઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

નવા નિયમો અમલી કરવામાં બે વખત મુદત વધારાઈ

રાજ્ય સરકારે વાહનવ્યવહારના નવા નિયમો લાગુ કરવા માટે અત્યાર સુધીમાં બે વખત મુદત વધારી છે. પહેલા 16મી સપ્ટેમ્બરથી આ નિયમો લાગુ થવાના હતા, પરંતુ લોકજુવાળની સામે સરકારે નમતું જોખીને 15 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વાહનોમાં પીયુસી અને વિવિધ કામગીરીમાં ટાંચા સાધનો હોવાના કારણે સરકારે ફરીએકવાર પોતાના નિર્ણયને બદલીને તે 31 ઓક્ટોબરથી અમલી કરવાનું ઠરાવ્યું છે.

પીયુસી સેન્ટરની ઘટ

એક અંદાજ મુજબ રાજ્યમાં રજિસ્ટર્ડ વાહનોમાં પ્રદુષણ રહિત (પીયુસી) સર્ટિફિકેટ માટે ખૂબ જ ઓછા સેન્ટર હોવાના કારણે વાહનચાલકોની લાંબી લાંબી લાઈનો પીયુસી સેન્ટર પર લાગતી હતી અને તેના કારણે ઘણી અરાજકતા પણ ફેલાઈ હતી. આ સંજોગોમાં સરકારે વધુ 1100 પીયુસી સેન્ટર શરૂ કરવા માટેનો નિર્ણય કરીને તેના માટે અરજી મંગાવવાની અંતિમ તારીખ 30 ઓક્ટોબર મુકરર કરી હતી. આ સંજોગોમાં વધુ સેન્ટરો ખૂલે અને લોકોને પીયુસી સર્ટિફિકેટ લેવામાં સરળતા રહે તે માટે સરકારે આ નવા નિયમ હેઠળ દંડ વસુલવાનો અમલ 31 ઓક્ટોબર સુધી મોકૂફ રાખ્યો હતો. તો બીજી બાજુ હેલમેટ મામલે પણ સરકારને પીછેહઠ કરવાનો વારો આવ્યો હતો. ટૂ વ્હિલર ચાલકે ફરજિયાત આઈએસઆઈ માર્કાની હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત હોવાના કારણે અને આ હેલ્મેટની ઘટ સમગ્ર રાજ્યમાં હોવાના કારણે વાહનચાલકોને હેલ્મેટ મળતી નહોતી અને તેના કારણે સરકારે આ નિયમનો અમલ પણ 31 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો હતો.

આરટીઓમાં એચએસઆરપી અને લાયસન્સ માટે ધસારો

સરકાર દ્વારા તમામ વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ ફરજિયાત કરવામાં આવી છે. જેના કારણે એચએસઆરપી આવ્યા પહેલાનાં વાહનોમાં પણ આ નંબર પ્લેટ ફીટ કરાવવી વાહનચાલકો માટે ફરજિયાત બનતાં લોકોનો ધસારો રાજ્યની વિવિધ આરટીઓ ખાતે વધી ગયો હતો. મોટી સંખ્યામાં લોકો આ નંબરપ્લેટ માટે આવતા હોવાના કારણે અને આરટીઓમાં પણ કર્મચારીઓની ઘટના કારણે આરટીઓ દ્વારા નિયત સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ ન થઈ શકી. અને આ સંજોગોમાં સરકારે આ નંબરપ્લેટ માટે પણ સમય વધારવાની ફરજ પડી. તો બીજી બાજુ લાયસન્સની કામગીરીમાં પણ આ પ્રકારની જ સ્થિતિ ઊભી થઈ હતી.

આરટીઓ દિવાળી-બેસતા વર્ષે જ બંધ રહેશે

આ તમામ પરિસ્થિતિને જોતાં વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની તમામ આરટીઓ દિવાળી અને બેસતા વર્ષ સિવાયના દિવસો એટલે કે રવિવાર તેમ જ જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને વાહનવ્યવહારના નવા નિયમો અમલમાં આવે ત્યારે વાહનચાલકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે અને તેઓ મોટા દંડથી બચી શકે.

[:]