[:gj]રાજ્યની માધ્યમિક શાળાઓમાં પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી કરાઈ[:]

[:gj]રાજ્ય સરકાર દ્વારા ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ જેવા સૂત્રો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકની 3017 પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી તેવી ખુદ સરકારના શિક્ષણ મંત્રી દ્વારા વિધાનસભામાં કબૂલાત કરવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે, તા. 31 માર્ચ 2018ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી માટે શી કાર્યવાહી કરવામાં આવી છે? તે અન્વયે ક્યારે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી અને ક્યારે લેખિત પરીક્ષા યોજાયેલી? લેખિત પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેરા કરાયું હતું? અને તે પૈકી કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી અને જો ભરતી કરવામાં ન આવી હોય તેના કારણો શું છે અને ક્યાં સુધીમાં નિમણૂંક આપવામાં આવશે?

જે અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં માહિતી આપી જણાવ્યું હતું કે, તા. 31 માર્ચ 2018ની સ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકની ભરતી માટે વિભાગના તા. 20 જૂન 2016ના અને તા. 06 ઓક્ટોબર 2017ના કોમ્પ્યુટર વિષયના શિક્ષકની લાયકાત અને ધોરણો નક્કી કરીને તા. 25 જાન્યુઆરી 2017ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. જો કે કોમ્પ્યુટર શિક્ષકોની લાયકાતમાં સુધારો જરૂરી હોવાથી જાહેરાતમાં સમાવેશ કરાયેલી જગ્યાઓની ભરતીને પ્રક્રિયા દરમિયાન રદ્દ કરવામાં આવી હતી.

આ મામલે તા.12 ફેબ્રુઆરી 2014ના રોજ અને તા.11 જૂન 2018ના રોજ જાહેરાત આપી હતી. જ્યારે લેખિત પરીક્ષા તા. 27 જુલાઈ 2014 અને તા. 29 જુલાઈ 2018ના રોજ લેવામાં આવી હતી. જેના અનુસંધાને તા. 12 ફેબ્રુઆરી 2014ના રોજ લેવાયેલી પરીક્ષાનું પરિણામ તા. 12 ઓગસ્ટ 2014ના રોજ જાહેર કરાયું હતું. જ્યારે તા. 29 જુલાઈ 2018ના રોજ લેવાયેલી શિક્ષક અભિયોગ્યતા કસોટી (TAT)માં ગેરરીતિ ધ્યાને આવતાં તા. 09 ઓક્ટોબર 2018ના રોજ ગુજરાતી માધ્યમની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જ્યારે હિન્દી અને અંગ્રેજી માધ્યમનું પરિણામ તા. 27 નવેમ્બર 2018ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરાઈ નથી. ગુજરાત હાઈકોર્ટમાં કોમ્પ્યુટર વિષય શિક્ષકની લાયકાત અંગે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 2132/2017, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 2429/2017 તથા સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન 5157/2017 હાલમાં પડતર પડેલી હોવાથી આ ભરતી થઈ શકી નથી. હાઈકોર્ટના ચૂકાદા બાદ આ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચાર મહાનગરો સહિત રાજ્યની 3017 સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી 

રાજ્યમાં તા. 30 સપ્ટેમ્બર 2018ની સ્થિતિએ ચાર મહાનગરો સહિત રાજયમાં કેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલ્બધ નથી તેવો સવાલ વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન પૂછાયો હતો. જે અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ લેખિતમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, ચાર મહાનગરો સહિત રાજ્યની 3017 સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલ્બધ નથી.

કોર્પોરેશનની શાળામાં કોમ્પ્યુટર લેબ નથી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 98 શાળા
વડોદરા મ્યુનિસિપલ 52 શાળા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન 74 શાળા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 00 શાળા

રાજ્યની એક પણ સરકારી શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા નથી

વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણ મંત્રી ચૂડાસમાએ આપેલી લેખિત માહિતી મુજબ તા. 30 સપ્ટેમ્બર 2018ની સ્થિતિએ રાજ્યની એક પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળાની અલગથી સુવિધા ઉપલ્બધ કરાવવામાં આવી નથી. પરંતુ તેના બદલે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે ગણિત અને વિજ્ઞાનના વિષય માટે એનસીઈઆરટીની કિટ આપવામાં આવી છે.

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 1331 શિક્ષકોની ઘટ 

વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણ મંત્રીએ લેખિતમાં આપેલી માહિતીમાં એવી કબૂલાત કરી હતી કે, રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 886 શિક્ષકો અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 445 શિક્ષકોની ઘટ છે.

સરકારી માધ્યમિક શાળાઓમાં સૌથી વધુ ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોની ઘટ 

રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં ફક્ત ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીના જ 580 શિક્ષકોની ઘટ છે. જેમાં 330 ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકો અને 250 અંગેજી વિષયના શિક્ષકોની ઘટ છે.

સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 157 ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકોની ઘટ

રાજ્યની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગણિત- ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન શાસ્ત્ર અને અંગ્રેજી વિષયના કુલ 157 શિક્ષકોની ઘટ છે.

વિષય ગણિત ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અંગ્રેજી
શિક્ષકોની ઘટ 21 24 18 28 66

 [:]