[:gj]રાજ્યમાં સ્વચ્છતા મિશન મોનીટરીંગ માટે પાંચ વર્ષે પણ નોડલ અધિકારીઓની નિમણુક જ નહી[:]

[:gj]અમિત કાઉપર

ગાંધીનગર, તા.02

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. પાંચ વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી કે, સ્વચ્છતા મિશન હેઠળ બધી સરકારી કચેરીઓમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવા હતા પરંતુ રૂપાણી સરકારે કોઈપણ સરકારી કચેરીઓમાં એક પણ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. દેશને જાહેરમાં શૌચથી મુક્ત કરવાની જાહેરાત કરાઈ હોવા છતા પણ સરકારી કચેરીમાં સ્વચ્છતા મીશન માટે કોઈ અધિકારી પણ નિયુક્ત કરાયા નથી.

નિર્મલ ભારત અભિયાનનું નવું નામ આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સારા ઉદ્દેશથી નવી શરૂઆત કરી હતી. મિશન અંતર્ગત સરકારી દરેક આવાસો બિલ્ડીંગ માટે એક સ્વચ્છતા ઈન્ડેક્સનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવ્યું હતું. જેના માપદંડો દ્વારા તેનું મોનિટરિંગ કરવાનું હતું.

કચેરીમાં સ્વચ્છતાનું સ્તર કેવું અને કેટલું છે તે જાણકારી રાખી સુધારો કરવાનો છે. તે માટે 26 વિભાગોમાં એક નોડલ અધિકારીની નિમણૂંક કરવાની થતી હતી. સ્વચ્છતા વિશેનો મહિને અહેવાલ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન મિશન ડાયરેક્ટર ને મોકલવાનો થતો હતો.

ગાંધીનગરમાં નિમણુંક નહીં

જનસત્તા દ્વારા ગાંધીનગરમાં સચિવાલય, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, કર્મયોગી ભવન વગેરે સ્થળોએ તપાસ કરવામાં આવી ત્યારે આમાંના એક પણ બિલ્ડિંગમાં સ્વચ્છતા નોડલ અધિકારી નીમવામાં ન હોવાનું સામે આવ્યું છે.

વિભાગને ખબર નથી

વિભાગના અધિકારીઓ પણ આવી નિમણુંક કરવાની છે તે અંગે જાણતાં ન હતા. સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પણ આ વિશે અજાણ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પારાવાર ગંદકી

સચિવાલયના લગભગ તમામ વિભાગની કચેરીઓના કોરીડોરમાં ખાસ કરીને મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ શૌચાલય આવેલા છે. ઘણા વિભાગોની કચેરીઓ આગળ ઊભા ન રહી શકાય તેટલી દુર્ગંધ આવતી હોય છે. સરકારી કચેરી માં ધુમ્રપાન નિષેધ હોવા છતાં મોટાભાગના શૌચાલય માંથી બીડીની દુર્ગંધ આવતી હોય છે. રસ્તા પર ધૂળ અને કચરો છે.

સ્વચ્છતા નોડલ અધિકારીની ફરજો

તેના બિલ્ડિંગમાં કેટલી કચેરીઓ, કર્મચારીઓ, મુલાકાતીઓ, પાણીનો પર્યાપ્ત સ્ત્રોત, ટોયલેટ્સ,  સ્ત્રી પુરુષ અને દિવ્યાંગ માટે યુરીનલ, વેસ્ટ વોટરનો નિકાલ, પાણીની ટાંકીની ચોખ્ખાઇ, ઘન કચરાનો નિકાલ, દુર્ગંધ મુક્ત વાતાવરણ છે કે નહીં વગેરે નું ધ્યાન રાખવુ તથા અહેવાલ તૈયાર કરવો.

મિશન અંતર્ગત લક્ષ્યાંકો

ટૂંકા ગાળાના 100 લક્ષ્યાંક 2014 સુધીના અને વચગાળાના 2016 અને લાંબા ગાળાના 2019 સુધીના લક્ષ્યાંક હતા. ટૂંકાગાળાના લક્ષ્યાંક સિદ્ધ કરવા માટેની હજી શરૂઆત નથી કરવામાં આવી.

 [:]