[:gj]રાજ્ય સરકાર સળંગ છ દિવસના દિવાળી વેકેશનના મૂડમાં [:]

[:gj]
ગાંધીનગર, તા.૧૬
દિપાવલીના તહેવારો સરકારી કર્મચારીઓ માણી શકે તે માટે રાજ્ય સરકાર છ દિવસનું સળંગ વેકેશન આપવા માટે તૈયારી કરી રહી છે. જો 30મી ઓક્ટોબરે રજા પાડવામાં આવે તો સરકારી કર્મચારીઓને 26 થી 31 સુધી વેકેશન મળી શકે છે.

25મી ઓક્ટોબર સુધી સરકારી કચેરીઓ ચાલુ રહેશે, ત્યારબાદ 26 થી 29 અને 31મી ઓક્ટોબરે રજા છે. પરંતુ 30મી ઓક્ટોબરે સરકારી કચેરીઓ ચાલુ હોવાથી કર્મચારી મહામંડળો અને સંગઠનોની માગણી છે કે, સરકારે 30મી ઓક્ટોબરની રજા આપવી જોઇએ અને તે રજા બીજી રજાને રદ કરીને સરભર કરવી જોઇએ.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને કર્મચારી સંગઠનોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે, પરંતુ તેનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી લઇ શકે છે. કર્મચારીઓને 30મી ઓક્ટોબરે જો રજા આપવામાં આવે તો લાંબા વેકેશન પર કર્મચારી પરિવારો જઇ શકે તેમ છે. તેમને કોઇ રજા પાડવી નહીં પડે.

આમ છતાં સચિવાલયના વિભાગોના 75 ટકા કર્મચારીઓએ 30મી ઓક્ટોબરની રજા લેવાનું નક્કી કર્યું છે. જો સરકાર રજા આપે તો ઠીક છે નહીંતર તેઓ તેમને મળતી હક્કરજાનો ઉપયોગ કરીને વેકેશન માણવા માટે ઉપડી જશે. સામાન્ય વહીવટ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, 30મી ઓક્ટોબરે રજા આપવા માટેની વિચારણા ચાલી રહી છે. પરંતુ હજી સુધી તેનો નિર્ણય લેવામાં આવ્યો નથી, કેમ કે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે.
[:]