[:gj]રામોલમાં મકાન પડાવી લેનાર વ્યાજખોરના ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી[:]

[:gj]અમદાવાદ, તા.૧૯
રામોલમાં રહેતી વિધવા મહિલાએ દીકરીના લગ્ન કરવા માટે સ્થાનિક વ્યક્તિ પાસે પોતાનું ઘર ગીરવે મુકીને વ્યાજે પૈસા લીધા હતા. જોકે વ્યાજખોરે તેનું મકાન પચાવી પાડતા શુક્રવારે મહિલાએ તેના ઘરમાં જ ઝેરી દવા પી લેતાં તેને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. રામોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રામોલમાં આવેલા અક્ષરધામ એપાર્ટમેન્ટમાં કવિતાબેન સતીષભાઈ મરાઠી તેમની દીકરી અને દીકરા સાથે રહે છે. તેમના સતિષ ભાઈ થોડા વર્ષ પહેલા ગુજરી ગયા હતાં. તેમની દીકરીનું સગપણ નક્કી થઈ ગયું હતું. જેના લગ્ન નક્કી થઈ જતાં કવિતાબેનને પૈસાની જરૂર હતી.

કવિતાબેનની મિત્ર અને સામાજીક સંસ્થા ચલાવતા મમતા સોલંકી કહે છે કે કવિતાબેન જે મકાનમાં રહે છે તે મકાન ગીરવે મૂકવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે તેમના સગાસંબંધીઓ તેમજ ઓળખીતા પાળખીતામાં આ બાબતે વાત કરી રાખી હતી.

તેમના એક સંબંધીએ કવિતાબેનની ઓળખાણ સ્થાનિક સુનિલ યાદવ સાથે કરાવી હતી. સુનિલ યાદવે તેમને તેમનું મકાન ગીરવે રાખીને ચાર લાખ ઉછીના આપ્યા હતાં. આ સમયે સુનિલ યાદવે તેમના મકાનના દસ્તાવેજ પણ પોતાની પાસે રાખ્યા હતા. જે નક્કી કરેલી શરત મુજબ બે મહિનામાં રૂપિયા પાંચ લાખ પરત કરવાના હતાં. જે આમ જોઈએ તો ૨૫ ટકા જેટલું વ્યાજ થાય છે.

બે મહિનાની મુદ્દતમાં સુનિલ યાદવના પૈસા પરત કરવા કવિતાબેને પૈસા પરત કરવા તેમનું મકાન વેચી દેવાનું નક્કી કર્યું. જેમાં મકાનનો ગ્રાહક નક્કી થઈ જતા કવિતાબેને મકાનના દસ્તાવેજ માંગ્યા હતા જોકે સુનિલ યાદવ તેમને દસ્તાવેજ આપવા આલાટાલા કરતો હતો. છેવટે બે મહિનાની મુદ્દત પસાર કરાવી કવિતાબેન પાસે છ થી સાત લાખ માંગ્યા હતાં. જે બાબતે તેમને સતત વિવાદ ચાલતો હતો. એમ મમતા સોલંકી એ આક્ષેપ કર્યો છે.

તેઓ ઉમેરે છે કે કવિતાબેનને ગુજરાતી લખતાં વાંચતા આવડતું નથી જેનો લાભ લઈ સુનિલ યાદવે તેમની પાસેથી કેટલાક દસ્તાવેજો પર ખોટી રીતે સહીઓ કરાવી લીધી હતી.

છેવટે યેનકેન પ્રકારે તેમણે સુનિલ યાદવના નાણાં ચૂકવી દીધા બાદ પણ સુનિલ યાદવે તેમનું મકાન પચાવી પાડ્યું છે. આથી તેમણે ગઈકાલે તેમના ઘેર ઝેરી દવા પીધી લીધી હતી. આ સાથે તેમણે ઉચ્ચ પોલીસ અધિકારી સહીત પોલીસ વડા સુંધી આ બાબતે ફરિયાદ કરી છે.

અલબત રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કે એસ દવે કહે છે કે, આ મહિલાએ તેનું મકાન સુનિલ યાદવને વેચ્યું હતું. પરંતુ થોડા સમય પછી મકાન ન વેચવા અંગે તેમની વચ્ચે વિવાદ હતો. જેથી આ મહિલાએ ઝેરી દવા પી લીધી છે. અમે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
[:]