[:gj]રાહુલ મોડલ ફ્લોપ થતાં કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇમ લાઇટમાં આવશે[:]

[:gj]ગાંધીનગર, તા.26

ગુજરાતમાં રાહુલ મોડલ ફ્લોપ થતાં પ્રદેશ કોંગ્રેસમાં જૂના નેતાઓ ફરી લાઇટમાં આવી શકે છે. ખાસ કરીને કેન્દ્રીય નેતા અહમદ પટેલ તેમજ ગુજરાતમાંથી ફેંકાઇ ગયેલા ત્રણ મહારથીઓ – અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમય પાછો આવી રહ્યો છે.

 સોનિયા ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે

ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસને મળેલા વિજય પછી કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી ગુજરાતના પરિણામોની સમીક્ષા કરશે. ગુજરાતમાંથી એવી ફરિયાદો ગઇ છે કે હાલના પ્રદેશ માળખાના તુમાખીભર્યા વર્તનના કારણે કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે. આવી ફરિયાદો કરનારા નેતાઓમાં પ્રદેશના જૂના સિનિયર નેતાઓના નામ સામે આવ્યા છે.

રાહુલ મોડેલ ન ચાલ્યું

ગુજરાતમાં રાહુલ ગાંધીનું યુવા મોડલ ચાલ્યું નથી. એટલું જ નહીં રાહુલ ગાંધીએ પ્રમુખ બન્યા પછી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં યુવાનોને તક આપતાં પાર્ટીના સિનિયર નેતાઓ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય બની ચૂક્યા છે. ગુજરાતમાં અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ જેવા નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં કોઇ કામ કર્યું ન હતું. ચાર પૈકી ત્રણ નેતાઓને મુખ્ય પ્રવાહથી દૂર કરી દેવામાં આવ્યા હતા.

મત આપી કોંગ્રેસને જનતાએ જગાડી

ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસે તેનો ઉત્તર ગુજરાતનો ગઢ જાળવી રાખ્યો છે જ્યારે ખેરાલુને બાદ કરતાં તમામ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવારોનો સારો દેખાવ રહ્યો છે. એવું કહેવાય છે કે મરણ પથારીએ પડેલી કોંગ્રેસને ગુજરાતની જનતાએ મત આપીને જગાડી છે. આ ચૂંટણીના કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશ નેતાઓના જીવમાં જીવ આવ્યો છે તેથી તેઓને હવે 2020માં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સિનિયર્સ વગર ઉધ્ધાર નથી

પંજાબ અને હરિયાણાના પરિણામોએ સાબિત કર્યું છે કે કોંગ્રેસનો સિનિયર નેતાઓ વિના ઉદ્ધાર નથી. એટલું જ નહીં રાજસ્થાનમાં અશોક ગેહલોત અને મધ્યપ્રદેશમાં કમલનાથ જેવા સિનિયર નેતાઓને મુખ્યમંત્રી બનાવવામાં આવતા પાર્ટીએ સત્તા ટકાવી રાખી છે. ગુજરાતમાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાની અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આક્રમક છે પરંતુ પાર્ટીના ધારાસભ્યોને ભાજપમાં જતાં અટકાવી શક્યા નથી તેથી બન્ને નેતાઓની ઘરવાપસી થાય તેવી સંભાવના છે.

અહેમદ પટેલનો સિતારો ફરી ચમકી શકે છે

કોંગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમારી પાર્ટીએ ગુજરાતના સંગઠનનો ભંગ કર્યો છે અને હવે નવું માળખું રચાશે ત્યારે તેમાં અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને નવી મહત્વની જવાબદારીઓ મળી શકે છે. રાષ્ટ્રીય કક્ષાએ અહમદ પટેલનો સિતારો ફરી ચમકે તેવી પણ સંભાવના છે.

 હાર્દિક પટેલને સારો હોદ્દો મળવાની શક્યતા

ગુજરાતમાં વિપક્ષના નેતા કદાચ બદલાય નહીં તો પણ તેમના વિકલ્પો અંગે પાર્ટીનું હાઇકમાન્ડ વિચારી રહ્યું છે જ્યારે પ્રદેશ પ્રમુખ પદે પણ સિનિયર કોંગ્રેસી નેતાની વાપસી થાય તેવું માનવા આવે છે. જો કે કોંગ્રેસના સંગઠનમાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને વધુ સારો હોદ્દો મળે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે કારણ કે તે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની જેમ ગદ્દાર નિકળ્યો નથી. ગુજરાતના ચાર ઝોન – ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રમાણે કોંગ્રેસમાં ચાર નવા પ્રદેશ પ્રમુખ આવે તો નવાઇ પામવા જેવું નહીં હોય.

 [:]