[:gj]લંડનના હીરલ શાહે શરૂ કરેલા ઈ-વિદ્યાલયને મદદ કરતાં સુરેશ જાની [:]

[:gj]શ્રી સુરેશ જાની- એક મળવા જેવા માણસ ….. પી.કે.દાવડા

સુરેશભાઈનો જ્ન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩ માં અમદાવાદમાં થયો હતો. એમના પિતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રૂપિયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા’ પણ દૂર આવેલી એંજીનીઅરીંગ કોલેજમાં જવા સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા . નોટબુક્સ, પુસ્તકો વગેરે શાળામાંથી અથવા જ્ઞાતિ ટ્રસ્ટમાંથી મફત મળતા. એક સમય એવો હતો કે એ વખતે એમને મળતી ૧૦૦/-રૂ ની પોસ્ટ મેટ્રિક્યુલેશન સ્કોલરશીપ ઘરમાં ગાડાના પૈડા જેવી હતી.

સુરેશભાઈ એમના પિતા વિશે કહે છે, “બાપુજી સાવ સામાન્ય સ્થિતિના પણ દિલના અમીર. લોકો એમને ધરમનો કાંટો ગણતા. અનેક લોકો એમની સલાહ લેવા આવતા​.એમણે અનેક લોકોને એમના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી હતી. એમની ધાર્મિકતા એ જમાનાના માણસો કરતાં બહુ અલગ હતી. એમણે કદી અમને મંદિર જવાનો કે ચીલાચાલુ પૂજાનો આગ્રહ રાખ્યો ન હતો. તેઓ શ્રી. અરવિંદની ફિલસુફી સાથે આત્મસાત થયા હતા; અને રેલ્વેની નોકરીને કારણે મળતા ફ્રી પાસને લીધે અમને બે વખત પોન્ડિચેરી લઈ ગયા હતા.” એમના માતા વિશે તેઓ કહે છે, “મા ચાર જ ચોપડી ભણેલા, પણ વાંચનના શોખીન. ક.મા.મુન્શી; ર.વ.દેસાઈ , ધૂમકેતુ ના મોટા ભાગના પુસ્તકો વાંચેલા. અનેક ગીતો, ભજનો, સ્તોત્રો , ગીતાના અધ્યાયો મોંઢે કડકડાટ. ઘરના કામના ઢસરડા અને પાચ સંતાનોના ઉછેરની જવાબદારી પણ ક્યારે પણ ફરિયાદ ન કરેલી. એ પેઢીની ખાનદાની અલગ હતી.”

અભ્યાસમાં સુરેશભાઈ ખૂબ જ હોશિયાર હતા, હંમેશાં બહુ જ ઊંચા માર્કસ મેળવી પાસ થતા. મેથ્સ અને સાયન્સમાં એમને એટલો રસ હતો કે એ હંમેશાં પોતાની કક્ષા કરતાં ખૂબ જ આગળ રહેતા. દસમા ધોરણમા બનેલો એક પ્રસંગ સુરેશભાઈના શબ્દોમાં જ કહું તો “દસમાં ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા. મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શિક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે? સાહેબે કહ્યું,” જો, ભાઈ! ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો. તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શિક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.

દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળા, અમદાવાદ, માંથી એસ.એસ.સી. પાસ કરી સુરેશભાઇએ બે વર્ષ માટે ગુજરાત કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન એમને ફીઝીક્સ અને મેથ્સમાં એટલો રસ પડ્યો કે એમણે વૈજ્ઞાનિક બનવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો, પણ કુટુંબના આગ્રહને વશ થઈ એમણે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એંજીનીરીંગમાં ત્રણ વર્ષનો બી.ઈ.(મિકેનીકલ) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ વધારે અભ્યાસ કરી બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)ની ડિગ્રી પણ મેળવી લીધી. જો સુરેશભાઈનું મનનું ધાર્યું થાત તો ભારતને એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક મળત.

૧૯૬૫ માં અમદાવાદ ઈલેક્ટ્રીસીટી કંપનીમાં આસીસ્ટંટ એંજીનીઅર તરીકે નોકરીની શરૂઆત કરી અને છેક ૨૦૦૦ માં સાબરમતી પાવર સ્ટેશનના જનરલ મેનેજર તરીકે નિવૃતિ લીધી. નોકરી દરમ્યાન એમણે પાવર એંજીનીઅરીંગના વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, ત્રણ પાવર સ્ટેશનોના બાંધકામમાં સક્રીય કામગીરી બજાવી. બે વર્ષ માટે વીજ ચોરી પકડવાનું કામ પણ કર્યું. બે વર્ષ માટે ઝોનલ મેનેજરનું ખૂબ જ જવાબદારીવાળું કામ પણ સંભાળ્યું, ૨૦૦૦ની સાલમાં નિવૃત થયા ત્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા.

નોકરી દરમ્યાન સુરેશભાઈ પરિસ્થિતિનો તાગ કાઢી એમા ઉત્પાદકતા વધારવા હંમેશાં Time and Motion Studies અને Inventory control નો ઉપયોગ કરતા. માત્ર પોતાના ઉપરી અધિકારીયો જ નહિં પણ પોતાના હાથ નીચેના માણસો પાસેથી નવું નવું શીખવા ઉત્સુક રહેતા. કોઈપણ મુસ્કેલીનો તેઓ કાયમી ઈલાજ કાઢવા પ્રયત્નશીલ રહેતા.

ઉદ્યોગોમાં અકસ્માતોને સંપૂર્ણપણે નિવારી શકાતા નથી. એમના હાથ નીચેના કામોમાં જ્યારે પણ અક્સ્માતમાં કોઈ કામદારને ઈજા થતી, ત્યારે સુરેશભાઈ માનસિક રીતે ખૂબ જ વિક્ષુબ્ધ થતા.

નિવૃતિબાદ સુરેશભાઇ શેષ જીવન પસાર કરવા અમેરિકા આવી ગયા. અમેરિકા આવીને જેમ દુલા ભાયા કાગને ઇચ્છા થઈ (કરને બાળક કાગડા) તેમ સુરેશભાઈની પણ ફરીથી બાળક બની જઈ, આનંદમાં શેષ જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું,

“બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.

સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. ”

પબ્લીક લાયબ્રેરીમાંથી બાળકોના વિભાગમાંથી પુસ્તકો મેળવી વાંચવાના શરૂ કરી દીધા. Origami માં પણ એમણે પુષ્કળ હાથ અજમાવ્યો. શાળામાં હતા ત્યારથી જ સાહિત્યમાં રસ તો હતો જ, પણ નિવૃતિમાં આ તેમણે પ્રવૃતિ બની ગઈ. નિબંધ, લેખ, કવિતા, ટુંકી વાર્તા અને નવલકથા, આમ સાહિત્યના બધા પ્રકારોમાં એમણે હાથ અજમાવ્યો. ૨૦૦૬ માં બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાની સુવિધા થઈ જતાં સુરેશભાઈને મોકળું મેદાન મળી ગયું. એમણે ૨૦૦૬ માં જ સાત બ્લોગ્સમાં લખવાની શરૂઆત કરી દીધી, આમાંના ઘણા બ્લોગ્સ તો એમણે જ શરૂ કરેલા. બ્લોગ્સની બાબતમાં તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે જે કોઈ મિત્રને પોતાનો બ્લોગ શરૂ કરવો હોય તેને પુરજોશથી મદદ કરવામાં લાગી જતા. એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મિત્રોને પણ શિખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદા ના હુલામણા નામે ઓળખાય છે.

એમના છેલ્લા આઠ-દશ વર્ષના કાર્યોને આ નાનકડા લેખમાં સમાવી લેવાનું શક્ય નથી, પણ માત્ર ન ભૂલાય એવા થોડા કાર્યોનો ઉલ્લેખ કરવો હોય તો એમના બ્લોગ, “ગુજરાતી પ્રતિભા પરિચય” નો ઉલ્લેખ કરવો જ પડે. આ બ્લોગમાં એમણે ૫૪૫ જેટલા ગુજરાતી મહાનુભવોનો પરિચય કરાવ્યો છે. એમના બીજા એક જાણીતા બ્લોગ્સનું નામ છે સૂર સાધના’ જે ત્રણ જૂના બ્લોગ –‘અંતરની વાણી’, ‘કાવ્યસુર’ અને ‘ગદ્યસુર’ નો સમન્વય છે. એમણે લખેલી ૬ ઈ-બુકમાથી એમના હ્રદયની ખૂબ જ નજીક ઈબુકનું નામ છે – “બની આઝાદ”. આ પુસ્તકમાં એમણે સ્વાનુભવ આધારિત જીવનની ફીલોસોફી વણી લીધી છે.

હાલમાં સુરેશભાઈ વધારે આંતરમુખ થઈ, થોડા ગંભીર વિષયોના વિચારોમાં વ્યસ્ત છે, છતાં પણ લંડનથી બહેન હીરલ શાહે શરૂ કરેલી ઈ-વિદ્યાલયને પગભેર કરવામાં સક્રીય મદદ કરે છે, અને કોમપ્યુટર માટે નવા સોફટવેર બનાવવા અને મોજુદા સોફટવેર્સ પર હાથ અજમાવવાનું કાર્ય તો ચાલુ જ છે.

એમની સલાહ છે,

ભૂતકાળ વાગોળવામાં કે ભવિષ્યની ચિંતા કરવામાં સમય ન ગાળતા.

Live this moment powerfully.

-પી. કે. દાવડા[:]