[:gj]વર્ષે દહાડે 20 હજારથી વધારે આરસી બુક અને લાઈસન્સ પરત આવે છે[:]

[:gj]અમદાવાદ, તા. 07

શહેરમાં રોજેરોજ વાહનોની સંખ્યા વધી રહી છે. વધતી વાહનોની સંખ્યાને કારણે શહેરના આરટીઓમાં પણ ઘણીવાર અવ્યવસ્થાનો માહોલ સર્જાઈ જાય છે. આવા સંજોગોમાં રોજેરોજ નોંધાતાં વાહનો અને વાહનચાલકોના લાઈસન્સમાં ભારે ધસારો રહે છે. શહેરના આરટીઓમાં દર મહિને ટુ અને ફોર-વ્હીલરની મોટી સંખ્યામાં નોંધણી થતી હોય છે. ત્યારે નોંધાયેલાં વાહનોની આરસી બુક અને લાઈસન્સ આરટીઓ દ્વારા ટપાલ મારફતે વાહનમાલિકને મોકલવામાં આવે છે, પરંતુ ઘણા એવા વાહનમાલિકો પણ છે કે જેમની આરસી બુક અને લાઈસન્સ આરટીઓ પરત આવ્યાં છે. આરટીઓમાં અંદાજે 40 હજાર જેટલાં આરસી બુક અને લાઈસન્સ પરત આવીને પડી રહ્યાં છે. આરટીઓના અધિકારી કહે છે હાલમાં દસ હજાર જેટલાં આરસી બુક અને લાઈસન્સ હજુ પડી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લોકોની જીવનશૈલી ધીમેધીમે સુધરવા માંડી છે. લોકોને સરળતાથી બેન્કોનું ધિરાણ પણ મળી રહેતું હોવાના કારણે ટુ અને ફોર-વ્હીલરની ખરીદી કરતા હોય છે. સામાન્ય સંજોગોમાં શહેરના આરટીઓમાં આવા અંદાજે 12થી 15 હજાર વાહનોનું રજિસ્ટ્રેશન થાય છે, જ્યારે લગભગ 7 હજાર જેટલાં લાઈસન્સ ઈશ્યૂ કરવામાં આવે છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા વાહનમાલિકોને આરસી બુક અને વાહનચાલકને લાઈસન્સ ટપાલ દ્વારા તેમને ઘેરબેઠાં પહોંચતા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં વાહનોની નોંધણી થતી હોવાની તેમજ લાઈસન્સ ઈશ્યૂ થતાં હોવાના કારણે રોજેરોજ તેને ડિસ્પેચ કરવામાં આવે છે. આમ દરમહિને અંદાજે 17થી 18 હજાર જેટલી આરસી બુક અને લાઈસન્સ ડિસ્પેચ થાય છે, પરંતુ તેમાંથી ઘણી આરસી બુક અને લાઈસન્સ આરટીઓમાં પરત આવે છે.

આરટીઓમાં થયો ભરાવો

જનસત્તા પાસેની માહિતી પ્રમાણે શહેરના આરટીઓમાં અંદાજે 40 હજાર જેટલાં આરસી બુક અને લાઈસન્સ પરત આવીને પડી રહ્યાં છે, પરંતુ શહેર આરટીઓ એસ.પી. મુનિયા કહે છે કે, આટલી મોટી સંખ્યામાં ભરાવો નથી થયો. તેઓ કહે છે કે, કુલ ડિસ્પેચ થયેલી આરસી બુકના દરમહિને અંદાજે 2 હજાર અને જે લાઈસન્સ ઈશ્યૂ થાય છે તેમાંથી અંદાજે 400 જેટલી જ પરત આવે છે. આમ વર્ષે દહાડે અંદાજે 20 હજાર જેટલાં આરસી બુક અને લાઈસન્સ પરત આવે છે. હાલમાં અંદાજે 10 જેટલી આરસી બુક અને લાઈસન્સ આરટીઓ પાસે પડતર છે.

આરસી બુક અને લાઈસન્સ કેમ પરત આવે છે?

દર મહિને નોંધાતાં વાહનોની આરસી બુક અને ઈશ્યૂ થતાં લાઈસન્સ પરત આવવા અંગેનું કારણ આપતાં મુનિયા કહે છે કે, જ્યારે વાહનનું રજિસ્ટ્રેશન થાય અને લાઈસન્સ તૈયાર થયા પછી જ્યારે તે ડિસ્પેચ થાય ત્યારે વાહનમાલિક બહારગામ ગયા હોય અથવા તો તેમનું ઘર બંધ હોય એવી સ્થિતિમાં હોય ત્યારે તે પરત આવે છે અને જ્યારે વાહનમાલિક કે ચાલક આવે ત્યારે આરટીઓમાં રૂબરૂ આવીને તે લઈ જાય છે.[:]