[:gj]વાડિયાની 5 દીકરીઓને કરિયાવરમાં ભેંસોનું દાન[:]

[:gj]મહેસાણા, તા.૨૫

સરકારી તંત્ર જે વાડિયાને બદલી ન શક્યું ત્યાં સમજાવટ અને આત્મિયતાથી મિત્તલ પટેલ નામની દીકરીએ કામ કરી જાણ્યું. તાજેતરમાં આ ગામની પાંચ દીકરીનાં સમૂહ લગ્ન યોજાયાં ત્યારે વિચરતા સમુદાય સમર્થન મંચે આ દીકરીઓ લગ્ન પછી સ્વાવલંબી બની રહે તે માટે કરિયાવરની સાથે ધામેણાં(દુધાળી ભેંસ)નાં દાનની જાહેરાત કરી હતી. સોમવારે આ પાંચેય દીકરીઓને પોંખી ધામેણાંનું દાન કરાયું ત્યારે તેમની આંખો આંસુઓથી છલકાઇ ઊઠી હતી. આખો માહોલ ભાવુક બની ગયો હતો, જેમ લગ્નના માંડવેથી દીકરી સાસરે વળવાતાં હોય તેવો જ.

વિચરતા સમુદાય સમર્થન મંચનાં કન્વીનર મિત્તલ પટેલે જણાવ્યું હતું કે, વાડિયા ગામમાં રહેતાં સરાણિયા પરિવારોમાં એક નોખો રિવાજ છે, જે દીકરીની સગાઈ કે લગ્ન થાય તેને દેહ વ્યાપારરૂપી નર્કાગારમાં હરગીઝ ધકેલાય નહીં. એટલે અમે ગામની દીકરીઓ પરણે એ માટે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. આ વર્ષે કરેલાં પાંચ લગ્નોમાં દીકરીઓને કરિયારની સાથે તે રોજીરોટી રળી શકે તે માટે ધામેણું(ભેંસ) આપવાનું પણ કહેલું. થરાદ વિસ્તારના આગેવાન નાગજીભાઈ કહે, ‘ભેંસો તો ભાદરવા મહિનામાં સસ્તી મળે’ એટલે અમે લગ્ન વેળા અન્ય કરિયાવર સાથે ભેંસો નહોતી આપી. પણ મંડપમાં ભાદરવામાં ભેંસો આપવાની જાહેરાત કરેલી.

નાગજીભાઈ અને કાર્યકર શારદાબહેને લગ્ન કરેલી પાંચે દીકરીઓ માટે સારી ભેંસો શોધી કાઢી. સોમવારે અમે આ ભેંસ લાલ અંકલની હાજરીમાં દીકરીઓને અર્પણ કરી. આ દીકરીઓનાં લગ્નખર્ચમાં ચંદ્રકાન્તભાઈ ગોગરી, પૂ. મોરારી બાપુ તથા સરોજબહેનની મદદથી જ આ શક્ય બન્યું તેવો ભાવ અંતમાં તેમણે વ્યક્ત કર્યો હતો.[:]