[:gj] વી.એસ. હોસ્પિટલના 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થતાં ફરિયાદ[:]

[:gj]અમદાવાદ, ગુરુવાર

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલમાં વી.એસ. હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ તબક્કે જ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો ડેટા ગુમ થઈ હતાં ઉહાપોહ મચ્યો છે. આ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થવા અંગે મેયર સિવાય મ્યુનિ. કમિશનર અને સુપ્રિન્ડેન્ડેન્ટને ફરિયાદ કરાઈ છે, પરંતુ સમગ્ર મામલાને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે.

2010ના વર્ષમાં વી.એસ. હોસ્પિટલ બોર્ડ દ્વારા મંજૂરી લેવાયા બાદ 575 મલ્ટિપર્પઝ વર્કર્સ લેવામાં આવ્યા હતા. જે અંગે અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠનના સિટી ચેરમેન પંકજ સોલંકીના જણાવ્યા મુજબ, આ મલ્ટિપર્પઝ વર્કર્સની નિમણૂક બાદ તેમના કાર્ડ, એટેન્ડન્સ શીટ અને પગાર સ્લીપ પણ તૈયાર કરાઈ હતી, ઉપરાંત આ મલ્ટિપર્પઝ વર્કર્સને તબક્કાવાર કાયમી પણ કરવાના હતા. જો કે કોઈ કારણોસર 575 જેટલા મલ્ટિપર્પઝ વર્કર્સમાંથી માત્ર 212 કામદારને કાયમી તરીકે લેવામાં આવ્યા હતા, બાકીના કર્મચારીઓમાંથી કેટલાક મલ્ટિપર્પઝ વર્કર્સને તબક્કાવાર છૂટા કરીને અન્યાય કરાયો હતો.

આ અન્યાયનો સામનો કરી રહેલા 212 મલ્ટિપર્પઝ વર્કર્સના હાજરીપત્રકમાં ચેડાં કરાયા હોવાનું જણાયું હતું, જે અંગે જે-તે સમયે વી.એસ. હોસ્પિટલના ઉચ્ચ અધિકારીને મૌખિક રજૂઆત કરાઈ હતી. જો કે આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. છેવટે આ અંગે 198 કર્મચારીની યાદી તૈયાર કરીને વી.એસ. હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ ત્યારે વી.એસ. હોસ્પિટલે 198 મલ્ટિપર્પઝ વર્કર્સ પૈકી 105 કર્મચારીઓનો રેકોર્ડ જ મળતો ન હોવાનો જવાબ અપાયો હતો. આમ કર્મચારીઓના રેકોર્ડ ન મળવા ખરેખર શંકા ઉપજાવે તેવું છે.

આમ વી.એસ હોસ્પિટલ બોર્ડ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીજોઈને કર્મચારીઓના ભવિષ્ય સાથે ચેડાં કરાયાં હોવાનું લાગી રહ્યું છે, જેથી મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરાઈ છે.[:]