[:gj]વૈશ્વિક મંદી વચ્ચે સુરતના રત્નકલાકારનું નૂર ઊડી ગયું, દિવાળીની ચમક નહીં આવે[:]

[:gj]અમદાવાદ,તા.08

અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલું ટ્રેડ વોર છેક સૂરત પહોંચ્યું છે અને સૂરતની મુરત બગાડાવની ચેષ્ટા કરી છે. કાપડ અને  હિરા ઉદ્યોગને કારણે સતત ચળકતુ સૂરત હાલ ઝંખવાઇ ગયું છે. સતત ઘટતી જતી પોલીસ કરેલા હિરાની માંગને કારણે હિરા ઉદ્યોગનો ઝગમગાટ ઝાંખો પડી ગયો છે. જેની સીધી અસર રત્નકલાકારો ઉપર પડી છે.

મંથર ગતિએ ચાલતા હિરાના કારખાના

સતત ધમધમતા રહેતાં હિરાના કારખાના આજે મંથરગતિએ ચાલે છે. તેમાંય મંદીના મારને કારણે છેલ્લા ચાર મહિનામાં ઘણા કારખાનાને આટોપી લેવામાં આવ્યાં છે. હિરા ઉદ્યોગ સાતે સંકળાયેલા લોકોએ કહ્યું હતુંકે સતત ખોટમાં ચાલી રહેલાં અને ઉઠમણુ થઇ ગયું હોય તેવા કેટલાંક કારખાનાના શટર પડી ગયાં હતાં. જ્યારે હજુ પણ પોતાની જાતના દમ ઉપર ચાલનારા કારખાનાની સંખ્યા પણ ઓછી નથી.

કારીગરોને સાચવવા ખોટ ખાઈને પણ કારખાના ચલાવાય છે

સુરત ડાયમંડ એસોસિએસનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાએ કહ્યું હતુંકે મંદીની અસર વર્તાઇ રહી છે. પરંતુ હજુ એટલી બધી નથી પણ ઉદ્યોગ ખોડંગાતો ચાલ્યાં કરે છે. પોતાના કારીગરોને સાચવવા માટે કારખાનાદારો ઉદ્યોગ કાર્યરત રાખી રહ્યાં છે.તેમણે તો એક ડગલું આગળ વધીને કહ્યું હતુંકે કારીગરોને સાચવવા અને તેમને કોઇ તકલીફ ન થાય તે જોઇને માનવીય સંવેદનના ધોરણે પણ ખોટ વેઠીને પણ કેટલાય કારખાના ચાલી રહ્યાં છે. જોકે રત્નકલાકારોને દિવાળી બોનસમાં જે મોંઘીદાટ અને જીવનજરૂરી વસ્તુઓની ભેટ બોનસ સ્વરૂપે મળતી હતી તેની આશા આવતા વર્ષે રાખવાની રહેતી નથી,

મંદીના માહોલમાં રત્નકલાકારોને દીવાળી બોનસ નહી

દેશભરમાં ચર્ચા  જગાવનારી હરિકૃષ્ણા એક્સોપોર્ટે પણ આ વર્ષે દિવાળી બોનસ આપવાનું માડી વાળ્યું છે. એક સમય એવો હતો કે હરિકૃષ્ણા એક્સપોર્ટે પોતાના કારીગરોને ફ્લેટ અને કાર દિવાળી બોનસમાં આપી હતી. આ મુદ્દે બાબુભાઇએ કહ્યું હતુંકે જ્યારે વૈશ્વિક મંદી હોય અને કારખાના પણ બંધ થવાના વાંકે ચાલતા હોય તો દિવાળી બોનસની રત્નકલાકારો આશા ન રાખે તે સ્વાભાવિક છે. હિરા ઉદ્યોગકારો પણ કારીગરોને સાચવવા જ તેમનુ કામકાજ ચાલુ રાખી રહ્યાં છે.

જો ટ્રેડ વોર પર પૂર્ણવિરામ તો મંદી પર પૂર્ણવિરામ

બીજીતરફ હાલમાં જ મળેલી જી-7 દેશોની સમિટમાં અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોર પર પૂર્ણવિરામ મૂકવાની અન્ય દેશોના વડાઓએ અપીલ કરી હતી. જેને પગલે હવે આ ટ્રેડ પૂર્ણ થાય તેવી સ્થિતિ સર્જાય તો હિરાની માંગમાં વધારો થવાની સંભાવના વધી જાય તેમ છે  અને માટે જ હિરા ઉદ્યોગકારો અને કારીગરોને નવી આશા બંધાઇ છે. જો કે મંદીના લાંબા ચાલી રહેલા સમયગાળા વચ્ચે આ આશા પુરી થવાના એંઘાણ નજીકના જણાતા નથી.

 [:]