[:gj]શંકરને હટાવતાં ભાજપમાં સંકટ : રાજીનામા આપવા શંખેશ્વરના કાર્યકરોના પાટણમાં ધાડા [:]

[:gj]પાટણ, તા.૧૮

જિલ્લા પંચાયતના સદસ્ય શંકરભાઈ કટારીયાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવાતાં શંખેશ્વર પંથકના ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકયો છે. ગતરોજ નારાજ કાર્યકરોના ધાડાં જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે સભ્યપદેથી રાજીનામા આપવા માટે ઉમટ્યા હતા અને આગામી રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારે પડશે તેવી કેટલાક યુવકોએ ચીમકી ઉચ્ચારી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે પક્ષે બેઠક કરવાની તક આપતાં રાજીનામાં મુલતવી રખાયાં હતાં. નારાજ કાર્યકરોએ માત્ર એક વ્યક્તિ(કે.સી.પટેલ)ના ઈશારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેવો રોષ ઠાલવ્યો હતો જો બેઠકની તક ન આપી હોત તો ગામેગામ કે.સી. પટેલના પૂતળાનું દહન કરવાનું પ્લાનીંગ હતું તેમ જણાવ્યું હતું.

પાટણ જિલ્લા પંચાયતમાં સતત છેલ્લા ચાર ટર્મથી ચૂટાઈ આવતા શંકરભાઈ કટારીયા સમર્થક અજમલવઢેર સહિતના આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલને રાજીનામાંપત્ર સુપરત કરી તેમાં સખત શબ્દોમાં લખ્યું હતું કે, નિષ્ઠાવાન અને પક્ષના વફાદાર વ્યક્તિને સતત અન્યાય થયો છે. છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયતની બેઠકોમાં અસંતોષ બહાર આવવા છતાં પક્ષ દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી. આજ સુધી જિલ્લા પંચાયતનું બજેટ પણ મંજૂર થયું નથી છતાં કોઈના ઉપર પગલા લેવાયા નથી. આરોગ્ય સમિતિની મીટીંગ નોન કોરમ થવા છતાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ ગણી નથી. જ્યારે બાંધકામ સમિતિના ચેરમેન સામે ભ્રષ્ટાચારના મામલે સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત લવાતાં નિષ્ઠાવાન અને પક્ષને વફાદાર કાર્યકર્તાને એક વ્યક્તિના ઇશારે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હોઇ નારાજ થઈ પક્ષના સભ્ય પદેથી રાજીનામા ધરી દીધા હતા. જોકે બાદમાં નારાજ થયેલાઓને મનાવી લેવા ભાજપના મયંક નાયક, મોહન પટેલ, રમેશ સિંધવ, ભાવેશ પટેલે વગેરેએ આ મુદ્દે બેઠકની ખાત્રી આપતાં રાજીનામાં અટકયાં હતાં.

ઉત્તર ગુજરાત નાડોદા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ અજમલ વઢેરે પત્રકારોને જણાવ્યું હતું કે, શંકરભાઈ કટારિયાની ઉપસ્થિતિમાં આગામી 20 અથવા 21 ઓગસ્ટે ભાજપના આગેવાનો સાથે બેઠક થશે તેમાં હકારાત્મક નિર્ણય કોઈ પણ શરત વગર લેવાશે તો ઠીક છે નહીં તો આના કરતા પણ વધારે જન સંખ્યા સાથે ભાજપના મુખ્ય કાર્યાલય કમલમાં પહોંચીશું.

પક્ષ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલે કહ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્તમાં બે સભ્યો ભાજપના છે. એક શંકરભાઈ અને બીજા સાંકાજી ઠાકોર છે. તેમને પણ નોટિસ આપવામાં આવી છે. તેઓ ખુલાસો નહીં કરે તો તેમને પણ સસ્પેન્ડ કરાશે.[:]