[:gj]શહેરનું ક્રિકેટનું સરદાર પટેલ સ્ટેડિયમ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું[:]

[:gj]અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારોની સાથે પશ્ચિમના વિસ્તારો માટે પણ શનિવારની વહેલી સવારે વરસાદ આફત બનીને આવ્યો હતો. શહેરના ઈન્કમટેક્સ પાસે આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ વરસાદી પાણી ભરાતા સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયું હતું. ઉપરાંત શહેરમાં રૂપિયા ૭૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાતા સ્ટાફે વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સવારે સરખેજ, વેજલપુર, જીવરાજપાર્ક, પાલડી, વાસણા, નવરંગપુરા, સેટેલાઈટ, આંબાવાડી, મેમનગર, નારણપુરા, સુરધારા સર્કલ, સોલા, ડ્રાઈવઈન રોડ, વાડજ, અખબારનગર, સોલા સાયન્સ સિટી સહિતના અનેક વિસ્તારોને સવારે પડેલા વરસાદે ધમરોળી નાંખ્યા હતા. જેને પરિણામે ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે બે કલાકમાં પડેલા વરસાદને લઈને સ્ટેડિયમમાં પાણી ફરી વળતા તે સ્ટેડિયમ નહિ પરંતુ સ્વિમિંગ પૂલ હોય એમ લાગતું હતું. આ તરફ શહેરના એલિસબ્રિજમાં નવી બનાવવામાં આવેલી એસવીપી હોસ્પિટલના પંદરમા માળે વરસાદી પાણી ભરાતા સ્ટાફને વરસાદી પાણી ઉલેચવાની ફરજ પડી હતી. દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

પશ્ચિમમાં ક્યાંશું પરિસ્થતિ?

– પશ્ચિમના સરખેજ, વેજલપુર, જીવરાજ પાર્ક ફ્લાયઓવર નીચે આવેલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા.
– પાલડી, વાસણા, આંબાવાડી, સેટેલાઈટ, મેમનગર, એઈસી અને નારણપુરામાં પણ પાણી.
– વાડજ, અખબારનગર, સોલા સાયન્સસિટીમાં વરસાદી પાણી ફરી વળ્યા.
– એસ.જી. હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, માનસી સર્કલ, શિવરંજની વિસ્તારોમાં પાણી ભરાયા.

ચાર અંડરપાસ બંધ કરાયા હતા

શહેરમાં શનિવારે સવારે પડેલા ભારે વરસાદને પગલે શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ અંડરપાસ મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા બંધ કરાયા હતા. વરસાદી પાણી ઉલેચાયા બાદ આ અંડરપાસ ફરી શરૂ કરાયા હતા.

જમાલપુરઆંબેડકરબ્રિજના પોપડા ઉખડ્યાં

શહેરમાં જમાલપુર ફ્લાય ઓવરબ્રિજ અને આંબેડકર બ્રિજ ઉપર માસ્ટિક ટેકનોલોજીથી કામગીરી કરવામાં આવી હતી. છતાં ભારે વરસાદને પગલે આ બન્ને બ્રિજ પર પોપડા ઉખડી પડતાં તંત્રની પોલ ખૂલી ગઈ હતી.

ચાંગોદરબ્રિજ નીચે પાણી ભરાયા

શહેરને અડીને આવેલા ચાંગોદર બ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મિઠાખળીમાં વિશાળ ભૂવો પડયો

મિઠાખળી છ રસ્તા પાસે આવેલા કૃષ્ણ સેન્ટર પાસે આવેલા પાર્કિંગમાં વિશાળકાય ભૂવો પડતાં તંત્ર દ્વારા બેરીકેટસ મૂકવામાં આવ્યા હતા.[:]