[:gj]સંતાનોના ભાવિનું આયોજન આજથી જ કરી શકાય[:]

[:gj]અમદાવાદ,તા:20
પોતાનું બાળક ભણીગણીને સરસ આવક કરતું થાય અને સરસ રીતે સેટલ થાય તે દરેક માતાપિતાની આંતરિક ઇચ્છા હોય છે. પોતાનું આ સપનું સાકાર કરવા માટે માતા પિતા મહત્તમ ભોગ આપવા તૈયાર થઈ જાય છે. પરંતુ તેને માટે અત્યંત ચોકસાઈ પૂર્વક અમલમાં મૂકેલું નાણાંકીય આયોજન જરૂરી છે. તેમ કરીને જ તમારા સંતાનના શિક્ષણ માટેના કે પછી અન્ય ખર્ચાઓનું આયોજન કરી શકાશે. બાળકના ભાવિ ખર્ચાઓમાંશિક્ષણના, પ્રવાસના, આહારવિહારના ખર્ચાઓનો સમાવેશ થાય છે. આ ખર્ચાઓ એક સામટા આવશે નહિ. તબક્કાવાર ખર્ચ કરવાના આવશે. જોકે આકસ્મિક ખર્ચાઓ પણ આવી પડતા હોવાની હકીકતને રોકાણકારોએ ભૂલવી જ ન જોઈએ. આ તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરવું જોઈએ. તેમ કરવાથી જ્યારે જ્યારે તમને રોકડની જરૂર પડે ત્યારે ત્યારે તમે તેને મેનેજ કરી શકો છો. તમે ઇન્વેસ્ટમેન્ટના આયોજન કરો તે પહેલા કે પછી તેમાંથી ઉપાડ જ ન કરો તો તમારા આયોજન સુપેરે પાર પડશે.

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રાથમિક શિક્ષણના ફીના અને અન્ય ખર્ચમાં 10થી 12 ટકાના દરે વધારો થતો જોવા મળે છે. આ સંજોગોમાં તમારા ઇન્વેસ્ટમેન્ટના આયોજન પણ તે જ પ્રમાણે કરવામાં આવે તે જરૂરી છે. આ સંજોગોમાં વર્ષે 14થી 15 ટકાનું વળતર લાંબા સમયગાળા સુધી આપતા શેર્સમાં રોકાણ કરી શકાય છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ આ પ્રકારનો જ એક શેર ગણવામાં આવે છે. આગામી પાંચ વર્ષમાં તેના ભાવ રૂા.4000ના મથાળાને આંબી જાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પણ આ પ્રકારનું એક ઇન્વેસ્ટમેન્ટ છે. બજાર તેજીનું હોય કે મંદીનું હોય કેટલાક શેર્સનું પરફોર્મન્સ કાયમ સરખું જ આવતું હોય છે. આ પ્રકારના શેર્સ ફંડામેન્ટલ્સ એટલે કે બિઝનેસના ગણિતોને ધોરણે મજબૂત કામકાજ કરતી કંપનીના હોવાથી બજારની તમામ સ્થિતિમાં તેનું પરફોર્મન્સ એક ધારું સારુ જ રહે છે.

સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં દર મહિને નિશ્ચિત તારીખે જ નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવતું હોવાથી અને તેમાં અગાઉથી નિશ્ચિત કરેલા મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકાણ કરવામાં આવતું હોવાથી બજારમાં યોગ્ય સમયે જ રોકાણ કરવાના ગણિતનો તેમાં સવાલ આવતો નથી. તેમાં મ્યુચ્યુઅલ ફંડના યુનિટના ભાવ પ્રમાણે દર મહિને તેમને યુનિટની ફાળવણી કરવામાં આવે છે. તેમાં નેટ એસેટ વેલ્યુ ઓછી થાય તો વધુ યુનિટ મળે છે અને નેટએસેટવેલ્યુ ઊંચી જાય તો ઓછા યુનિટ મળે છે.તેનાથી અવરેજ ખરીદ કિંમત નીચી આવતી જાય છે.

પંદર વર્ષના રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો સરેરાશ મ્યુચ્યુઅલ ફંડમાં 12.9 ટકા રિટર્ન મળતું હોવાનું જોવા મળે છે. આ સંજોગોમાં શિક્ષણ માટે વર્તમાન સમયે કરવા પડનારા ખર્ચને આધારે આગામી વરસોમાં વધનારા ખર્ચનું આયોજન કરીને માતા પિતા અત્યારથી જ રોકાણ કરી શકે છે. તેમ કરીને રોકાણ કરવાનું આયોજન અમલમાં મૂકી શકે છે.

માતાપિતા એકવાર ઇન્વેસ્ટમેન્ટનું આયોજન કરી લે ત્યારબાદ તેમને એક સવાલ મૂંઝવે છે કે જુદાં જુદાં શેર્સમાં રોકાણ કરતાં ઇક્વિટી ફંડમાં રોકાણ કરવું કે પછી બાળક માટેના ફંડમાં ઇન્વેસ્ટ કરવું. સામાન્ય રીતે બન્ને પ્લાનમાં મળતું વળતર લગભગ સરખું જ હોવાનું જોવા મળ્યું છે. અલબત્ત વ્યક્તિગત પોર્ટફોલિયોમાં અલગ અલગ સ્કીમ હોવાથી તેમના પરફોર્મન્સ અલગ અલગ રહેતા હોવાનું જોવા મળે છે. ચિલ્ડ્રન્સ ફંડના ઇન્વેસ્ટમેન્ટને એવી રીતે ગોઠવવામાં આવેલું છે કે તેમાંથી સમય કરતાં વહેલા પૈસાનો ઉપાડ કરી શકાતો નથી. તેથી ઇન્વેસ્ટર્સ અને પેરેન્ટ્સે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં શિસ્તનું પાલન કરવાની ફરજ પડે છે. ઇક્વિટી ડાયવર્સિફાઈડ ફંડમાં રોકાણ કરીને પણ ભવિષ્યના ખર્ચાઓના આયોજનો પાર પાડી જ શકાય છે. છોકરાં નાના હોય ત્યારથી જ રોકાણનો આરંભ કરી દેવામાં આવે તો તેનો ફાયદો ઘણો વધારે મળે છે. રૂા. 25 લાખનું ફંડ એકઠું કરવા માટે મહિને રૂા.4000નું રોકાણ કરવામાં આવે તે જરૂરી છે. આ રોકાણ 12 ટકાના દરે વધતું રહે તો રોકાણકાર તેના ટાર્ગેટને પહોંચી વળી શકે છે. આ રોકાણના આયોજનનો અમલ કરવામાં બે વર્ષનો વિલંબ કરવામાં આવે તો તેને પરિણામે રોકાણકારના માસિક રોકાણના પ્રમાણમાં 30થી 32 ટકાનો એટલે કે 1200થી 1400નો વધારો કરવાની ફરજ પડે છે. આ સંજોગોમાં મહિને રૂા.5000નું રોકાણ આ ફંડમાં કરનારાઓને 18 વર્ષનું બાળક થાય ત્યારે કેટલી રકમ મળી શકે તેનો અંદાજ અહીં આપવામાં આવ્યો છે.

તમને વર્ષે 10 ટકાનું વાર્ષિક વળતર મેળવવાની ઇચ્છા હોય તો તમને તમારું બાળક એક વર્ષથી નાનું હોય ત્યારે જ રૂા.5000નું માસિક રોકાણ કરવાનું ચાલુ કરી દો તો તમારા લાભમાં રહેશે. આ રોકાણ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કરવાનું રહેશે. બાળક ત્રણ વર્ષનું થઈ ગયું હોય તો માસિક રૂા.6250, પાંચ વર્ષનું થયું હોય તો માસિક રૂા.8000, સાત વર્ષનું થયુ હોય તો માસિક રૂા. 10,700, 10 વર્ષનું થઈ ગયું હોય તો મહિને 17,300 અને 12 વર્ષનું થઈ ગયું હોય તો વર્ષે રૂા. 25,600નું રોકા કરવાની ફરજ પડે છે. આ રોકાણ કરે તો બાળક 18 વર્ષનું થાય ત્યારે તેના ખર્ચાને પહોંચી શકાય તેટલું ભડોળ એકત્રિત કરવામાં સફળતા મળી શકે છે. તેનાથી વધુ વળતર મેળવવાની અપેક્ષા રાખીને જોખમી રોકાણોમાં જવાની જરૂર નથી.
[:]