[:gj]સચિવાલયમાં પણ દિવાળી ફિક્કી, ગિફ્ટ નહીં માત્ર મીઠાઈને સ્થાન[:]

[:gj]ગાંધીનગર, તા. 26

ગુજરાતમાં આ વર્ષે દિવાળીના તહેવારો ફિક્કા નજરે પડી રહ્યાં છે. આર્થિક મંદીની અસર કોર્પોરેટ ક્ષેત્રમાં વધુ જોવા મળી રહી છે. સચિવાલયમાં દિવાળીના તહેવારો નિમિત્તે પ્રધાનમંડળના સભ્યો, તેમના અંગત સ્ટાફ અને સચિવોની ચેમ્બરમાં દરવર્ષે દેખાતી દિવાળીની ગિફ્ટનું સ્થાન માત્ર મીઠાઇએ લીધું છે.

દિવાળીના મીની વેકેશન પહેલાં સચિવાલયના વિભાગો અને કેબિનેટ પ્રધાનોની ચેમ્બરો કોર્પોરેટ ગિફ્ટથી છવાયેલી રહેતી હતી. મીઠાઇ, ગુલદસ્તા અને ગિફ્ટથી ધમધમતું રહેતું સચિવાલય આ વર્ષે શાંત છે. સરકારી ચેમ્બરમાં મીઠાઇના નાના પેકેટ્સ સિવાય કંઇ નજરે પડ્યું નથી. મહત્વની બાબત એવી છે કે જે કોર્પોરેટ કંપનીઓના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અને સરકાર પાસે જમીન ઉપરાંતના ઇન્સેન્ટીવ માગવામાં આવ્યા છે તેવી કંપનીઓના પ્રતિનિધિઓ સચિવાલયમાં મીઠાઇના પેકેટ્સ સાથે દેખાઇ રહ્યાં છે.

અધિકારીઓની ચેમ્બરો દિવાળીના એક સપ્તાહ પહેલાં ગિફ્ટથી છવાયેલી રહેતી હતી ત્યાં આજે માત્ર એક કે બે મીઠાઇના પેકેટ્સ નજરે પડે છે. સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે મીઠાઇ પણ સચિવાલયના તમામ વિભાગો કે સરકારી ચેમ્બરમાં જોવા મળતી નથી પરંતુ કોર્પોરેટ ક્ષેત્રની કંપનીઓના કામ જે વિભાગમાં પેન્ડીંગ હોય છે ત્યાં જોવા મળી રહ્યાં છે. એટલે કે શહેરી વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ અને ઉદ્યોગ વિભાગમાં સૌથી વધુ મીઠાઇના પેકેટ્સ આવ્યા હતા.

કેબિનેટ પ્રધાનોની ચેમ્બર અને સચિવોની ચેમ્બરમાં દિવાળી પહેલાં 70થી વધુ ગિફ્ટ આવતી હતી ત્યાં આજે માત્ર 10 જેટલી ગિફ્ટ આવી રહી છે. પહેલાં મીઠાઇના પેક્ટેસ 100થી વધુ આવતા હતાં ત્યાં આજે 20થી વધતાં નથી. રાજ્યની કોર્પોરેટ લોબીમાં સૌથી વધુ મંદીની અસર જોવા મળી છે. દિવાળીના તહેવારોમાં બીજી ચેમ્બરો કરતાં સૌથી વધુ મીઠાઇ આવતી હોય તેવા માત્ર બે ઉદ્યોગ અને મહેસૂલ વિભાગો છે. દિવાળી પહેલાના સમયમાં સૌથી ઓછા કોર્પોરેટ પ્રતિનિધિઓ સચિવાલયમાં જોવા મળ્યા છે.

સચિવાલયમાં આજથી એટલે કે શનિવારથી મીની વેકેશન શરૂ થયું છે. હવે સચિવાલય 1લી નવેમ્બરે શરૂ થશે. બીજી તરફ મંદીનો માર હોવાથી કર્મચારીઓને દિવાળીના વેકેશનની લાંબી અને ખર્ચાળ ટૂર કરી નથી. સચિવાલય એસોસિયેશનના એક હોદ્દેદારે કહ્યું હતું કે નાના અંતરની ટૂર કર્મચારીઓએ પસંદ કરી છે. કર્મચારીઓનો વહેલો પગાર થવા છતાં મોટાભાગના કર્મચારી પરિવારો પ્રવાસથી દૂર રહ્યાં છે.

 [:]