[:gj]સત્તાના દૂરુપયોગથી પાણીના ટેન્કર મંગાવનારા કોર્પોરેટરને રૂ.31,400 ભરવા આદેશ[:]

[:gj]મહેસાણા, તા.૧૭

મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર હિરેન મકવાણાએ સત્તાનો દૂરુપયોગ કરી નાણાં ચૂકવ્યા વિના બે વર્ષમાં 157 ટેન્કર પાણી મગાવી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ દોષિત ઠેરવી એક મહિનામાં રૂ.31,400 ભરપાઇ કરવાનો હુકમ પ્રાદેશિક કમિશ્નર દ્વારા કરાયો છે. તેમજ દોષિત કર્મચારી વિરુદ્ધ નિયમોનુસાર પગલાં લેવા ચીફ ઓફિસરને આદેશ કરાયો છે.

નગરપાલિકાના વોટરવકર્સ ગેરેજ શાખા દ્વારા પીવાના પાણીમાં રૂ.200 અને કોમર્શિયલમાં રૂ.350 ચાર્જથી ટેન્કર અપાય છે. જેમાં મહેસાણાના ભરતકુમાર જોશીએ સત્તાનો દૂરુપયોગ કરી કોર્પોરેટર હીરેન મકવાણાએ નાણાં ભર્યા વિના એપ્રિલ 2016થી માર્ચ 2018માં અલગ અલગ જગ્યાએ પાણીના 157 ટેન્કર મગાવી પાલિકાને આર્થિક નુકસાન કર્યું હોવાની રજૂઆત કરી હતી. જે મામલો ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નર કચેરીએ પહોંચ્યો હતો. જેમાં અગાઉની પરંપરા મુજબ સભ્યોના શાખામાં લેન્ડલાઇન ફોન પર જે-તે સ્થળે પાણીના ટેન્કર મોકલી આપતાં હોવાનું ગેરેજશાખા ઇન્ચાર્જે તપાસમાં જણાવ્યું હતું.

હિરેન મકવાણા સહિતના નિવેદનો, સુનાવણીના અંતે પ્રાદેશિક કમિશનર ગાંધીનગર વિશાલ ગુપ્તાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 70ની સત્તાની રૂએ સદસ્ય હિરેન મકવાણાને દોષિત ઠેરવી પાલિકાને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ રૂ.31,400 દિન-30માં પાલિકામાં ભરવાનો હુકમ કર્યો હતો. વધુમાં દોષિત કર્મચારી વિરુદ્ધ નિયમોનુસાર પગલાં લઇ જાણ કરવા ચીફ ઓફિસરને આદેશ કર્યો છે. જોકે, આ હુકમથી સદસ્યને વાંધો હોય તો તેની સામે 30 દિવસમાં સક્ષમ અધિકારી સમક્ષ અપીલ કરી શકશે.

કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં આગામી સવા વર્ષ પ્રમુખ તરીકે હિરેન મકવાણાનું અગાઉ પાર્ટી આગેવાનો દ્વારા કમિટમેન્ટ થયું હતું. ત્યાં પ્રમુખ, કમિટિઓમાં ગોઠવણની હિલચાલ હજુ શરૂ થઇ છે, ત્યાં પાલિકા પ્રમુખના દાવેદાર હિરેન મકવાણા પાણી ટેન્કર વિવાદમાં દોષિત ઠરતાં પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

દરમિયાનમાં કોર્પોરેટર હિરેન મકવાણાએ કહ્યું હતું કે, પાણીના ટેન્કર મગાવવામાં અમારી ક્યાંય સહી નથી, અધિકારીઓએ ખોટો ઓર્ડર કરેલો છે તેની સામે અપીલ કરી પડકારીશું. રાજકીય ષડયંત્રથી ખોટી ફરિયાદ ઊભી કરાઇ છે.[:]