સમીના કોડધા નજીકનો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો

હારિજ, તા.૧૬

સમી તાલુકાના કોડધા નજીક કચ્છના નાના રણમાં પાટણ વન વિભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 1996-97માં બનાવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ડેમને ઊંડો કરવાનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે એક કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ડેમમાં 9600 ચોરસ ઘનમીટર કરતાં વધુ પાણી સંગ્રહ થયું છે.

વન વિભાગના ફોરેસ્ટર વિજયસિંહ વાઘેલાએ કહ્યું કે, ડેમ(તળાવ) ઊંડો કરાતાં પાણીસંગ્રહની ક્ષમતા વધી છે. જેના કારણે આગામી ચોમાસા સુધી ઘુડખર અને નીલગાય જેવા સ્થાનિક વન્ય પ્રાણીઓને પીવા માટે પૂરતું પાણી મળી રહેશે. સાથે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશીપક્ષીઓ આવતાં પક્ષીવિદો સાથે પ્રવાસીઓનો ધસારો પણ વધશે. ઉલ્લેખનીય છે કે, વાડીલાલ ડેમ સાઈટ ખાતે દરેક શિયાળા દરમિયાન ફ્લેમિંગો, કોમાં, પેન, ડૂબકી, સારસ, ઉલ્ટી ચાંચ, ટીટોન્ડી, ભગતડું, ગજપાંઉ, ચમચો, માજી કાળીયો, ઢંગની, કાળો કોશી અને વગડાઉ બટટોવટ્ટો અને ઢાંક જેવા પક્ષીઓ જોવા મળે છે. અહીંયા ઘુડખર સિવાય ઝરખ, રાણી બિલાડીઓ, સાબર સિંગા જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. તો વનસ્પતિમાં ઊંટ મરોડ, ભોંય મરોડ, પીલૂ, દેશી બાવળ, સુબાબુલ જેવી રણીય વનસ્પતિ જોવા મળે છે.

વાડીલાલ ડેમ પાટણ જિલ્લાનું એકમાત્ર ઇકો ટુરિઝમ સ્પોટ છે. જ્યાં વરસાદી પાણીના સંચય દ્વારા રણવિસ્તારને ફળદ્રુપ બનાવી વિવિધ વનસંપદાના ઉછેર સાથે વિસ્તારને હર્યો ભર્યો બનાવાયો છે. વાડીલાલ ડેમમાં નૌકાવિહાર અને શિયાળામાં હજારો યાયાવર પક્ષીઓની આવન જાવન વચ્ચે ડેમસાઇટ પ્રકૃતિવિદો અને વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહીં પ્રવાસીઓ માટે ટેન્ટ, વોચટાવર પણ છે. ડેમસાઇટની સાથે અહીં રણદર્શન અને ઘુડખર સહિતના વન્યજીવો પણ જોવા મળે છે.