[:gj]સર્વરમાં ફિંગર પ્રિંન્ટ એરર આવતાં 5 દિવસથી સસ્તા અનાજનું વિતરણ ઠપ, ગ્રાહકો હેરાન[:]

[:gj]હિમતનગર, તા.૧૯
સાબરકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા પાંચ દિવસથી ઓનલાઇન સર્વરમાં સતત એરર આવતા લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાનુ વિતરણ ઠપ્પ થઇ ગયુ છે. ઓનલાઇન સોફ્ટવેર ફીંગર પ્રીન્ટ એરર બતાવી રહ્યુ છે, ગાંધીનગર જાણ કરવા છતાં એરર દૂર થઇ શકી નથી. તહેવાર ટાણે જ ગરીબ લાભાર્થીઓ મળવા પાત્ર અનાજના જથ્થાથી વંચિત રહેતા ભારે હાલાકી સર્જાઇ છે અને કાર્ડ ધારકો તથા સંચાલકોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે.

જિલ્લામાં 518 પંડિત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાનોના માધ્યમથી 1.91 લાખ લાભાર્થીઓને અનાજનુ વિતરણ કરાય છે. છેલ્લા 5 દિવસથી ઓનલાઇન આધાર સોફ્ટવેરમાં ખામી સર્જાતા અનાજ લેવા આવતા લાભાર્થીઓને ધક્કા ખાવા પડે છે. જે ફીંગર પ્રીન્ટના આધારે લાભાર્થીનુ પંચીંગ થાય છે, તે ફીંગર પ્રીન્ટ જ મેચ થતી નથી! એરર આવવાને કારણે લાભાર્થીઓને અનાજનો જથ્થો લીધા વિના જ પાછા ફરવુ પડી રહ્યુ છે.
કેટલીક જગ્યાએ લાભાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યુ છે. સસ્તા અનાજની દુકાનોના એસોસીએશન દ્વારા 5 દિવસથી સર્જાયેલ સમસ્યા બાબતે જિલ્લા પૂરવઠા અધિકારીને પણ રજૂઆત કરાઇ છે. નોંધનીય છે કે ફીંગર પ્રીન્ટ વગર લાભાર્થીઓને પૂરવઠો વિતરણ કરાય તો દુકાનના સ્ટોકમાંથી બાદ કરી શકાતો ન હોવાથી જથ્થાની ઘટ બતાવે છે. ગયા મહિનામાં આ કારણે 11 દૂકાનો વિરુધ્ધ કાર્યવાહી કરી હતી.

લાભાર્થી ડાહ્યાભાઇએ કહ્યું કે, 5 દિવસથી સવાર-સાંજ ધક્કા ખાઇ રહ્યા છીએ.ઘઉ, ચોખા, ખાંડ મળતા નથી, અંગૂઠો આપીએ છીએ તો અંગૂઠો મળતો નથી.દુકાનવાળાને કહીએ છીએ તો કહે છે જાઓ સાહેબને મળો. હિંમતનગર તાલુકા એસોએશિએશન પ્રમુખરાજુભાઇ જયસ્વાલે જણાવ્યું હતું કે, તાલુકામાં 125 દુકાનો છે છેલ્લા ચાર-પાંચ દિવસથી ઓનલાઇન બંધ છે એરર આવે છે ગ્રાહકને ડાયરેક્ટ આપીએ તો ઓફ લાઇનમાં એન્ટ્રી થઇ જાય છે અને જથ્થો કપાઇ જાય છે અને ટકાવારીમાં આવી જાય તો દુકાનો રદ થાય છે દિવાળીનો સમય છે, જો ગ્રાહકો પાછા જાય તો ઘર્ષણ થાય છે મોટી સમસ્યા સર્જાઇ છે રજૂઆત કરી છે પરંતુ નિકાલ આવ્યો નથી.

જિલ્લાપૂરવઠા અધિકારી વાય.એચ. ચૌધરીએ કહ્યું હતું કે, રજૂઆત મળી છે એરર આવવા અંગે, સરકારની સૂચના મુજબ અનાજનુ ઓનલાઇન વિતરણ જ કરવાનુ હોય છે, ફીંગર પ્રીન્ટને કારણે એરર આવી રહી છે એના માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે.

કલેક્ટર સાબરકાંઠા પ્રવીણા ડી. કેએ જણાવ્યું હતું કે, આખા રાજ્યનો પ્રોબ્લેમ છે. સોફ્ટવેરમાં ટેકનીકલ ઇશ્યુ આવ્યો છે ટીમ કામ કરી રહી છે અને રોજે રોજ ફોલોઅપ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં ચાલુ થઇ જશે.

[:]