[:gj]સોનામાં ટૂંકા ગાળા માટેનું રોકાણ જોખમી, લાંબે ગાળે લાભ કરાવી શકે[:]

[:gj]સોનામાં અત્યારે ફાટફાટ તેજી જોવા મળી રહી છે. સોનું જુલાઈમાં રૂા.38300નું મથાળું જોઈ આવ્યું. અત્યારે રૂા. 37000થી 38000 (દસ ગ્રામ)ની રેન્જમાં અથડાઈ રહ્યું છે. આ ભાવ જોઈને અને સોનાના ભાવ વિશ્વબજારના ઓલ ટાઈમ હાઈ 1921 ડોલરના મથાળાને પણ આંબી જશે તેવી વહેતી થયેલી વાતોથી ઘણાં ઇન્વેસ્ટર્સ સોનામાં રોકાણ કરવા માટે લલચાયા છે. પરંતુ સોનાના બજારને સમજનારાઓનું કહેવું છે કે સોનાનું ઉત્પાદન અત્યારે વિશ્વની ડિમાન્ડ કરતાં વધુ છે. તેમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને બાદ કરતાં બીજી ડિમાન્ડ ઓછી છે. રૂા.38000ના ભાવે લેવાલી ઓછી છે. સોનીઓ ગ્રાહક આવવાની રાહ જોઈ રહ્યા છે.

આગામી દિવસોમાં સોનામાં તહેવારોમાં અને લગ્નસીઝનની કમને કરવી પડનારી ખરીદીને કારણે ભાવમાં થોડો ચમકારો જોવા મળી શકે છે. પરંતુ ટૂંકા ગાળામાં બહુ મોટો ઊછાળો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બજારમાં આવવાની સંભાવના ઓછી છે. અત્યારનો ઊછાળો પણ રહસ્યમય છે. ચીને પણ આયાત ઓછી કરવા માટે અમેરિકી ડોલર સામે યુઆનને તૂટવા દીધો છે. તેની સામે એક્સપોર્ટ કરે તો વધુ આવક થઈ શકે તે માટે યુઆનને તૂટવા દીધો છે. તેથી ચીનમાં પણ ગોલ્ડની ઇમ્પોર્ટને ડિમોટ(હતોત્સાહ) કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું તારણ પણ કાઢી શકાય છે.

ભારતની રિઝર્વ બેન્ક કે પછી અમેરિકાની ફેડરલ બેન્ક કે વિશ્વના અન્ય દેશોની મધ્યસ્થ બેન્ક રેટ કટ કરે તો ઉદ્યોગોએ લીધેલી લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડે તો આર્થિક વિકાસને વેગ મળે છે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે પણ વૈશ્વિક વિકાસદર 3.3 ટકાથી ઘટીને 3.2 ટકા થવાનો નિર્દેશ આપ્યો છે તે દર્શાવે છે કે મંદીની અસર વર્તાઈ રહી છે. તેથી ઉદ્યોગોને ટેકો કરવો જરૂરી છે. વ્યાજદર ઘટે તો ઉદ્યોગોનું વ્યાજખર્ચનું ભારણ ઓછું થાય, તેઓ વધુ ધિરાણ લે અને વધુ ઉત્પાદન કરે છે. તેનાથી રોજગારી પણ વધે છે અને ઔદ્યોગિક વિકાસ પણ થાય છે.

રેટ કટને પરિણામે બોન્ડમાં કરવામાં આવેલા રોકાણ પર મળતા વળતરમાં ઘટાડો થાય છે. રેટ કટ આવતા બેન્કમાં પૈસા મૂકનારાઓને મળતા વ્યાજના દર ઘટે છે. તેથી તેઓ બેન્ક ડિપોઝિટ્સ સિવાયના વધુ વળતર આપતા ઇન્વેસ્ટમેન્ટ તરફ વળે છે. સોનું આ જ પ્રકારનું એક ઇન્વેસ્ટમેન્ટ છે. સોનું અધરાતે-મધરાતે ગમે ત્યારે વટાવી શકાય છે. સોનામાં ઇન્વેસ્ટમેેન્ટ વધવાનું આ પણ એક કારણ છે. જોકે જણાવવામાં કે જતાવવામાં આવે છે તેટલું રોકાણ સોનામાં આવ્યું જ નથી. વધ્યું જ નથી.

હા, વિશ્વબજારમાં સોનાના ટેકા સાથેના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ – એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં આઠ મહિનામાં 7.3 ટકાનો વધારો થયો છે. સોનાના ભાવમાં જોવા મળેલો સુધારો આ રોકાણને આભારી અમુક અંશે ગણી શકાય છે. પરંતુ રિટેઈલર એટલે કે ઘર ઘરમાંથી સોનું ખરીદનારાઓની મજબૂત લેવાલી ભારતના કે વિશ્વના બજારમાં જોવા મળી રહી નથી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું કહેવું છે કે અમેરિકાની મધ્યસ્થ બેન્કે એપ્રિલ, મે, જૂન 2019માં 224.4 ટન સોનાની ખરીદી કરી છે. તેમ જ જાન્યુઆરી, ફેબ્રુઆરી 2019માં 110 ટનની આસપાસ સોનું ખરીદ્યું હતું.

ચાલુ ત્રિમાસિક ગાળામાં પણ તેની લેવાલી ચાલુ હોઈ શકે છે. તેથી સોનામાં તેજીના તણખા ઝરી રહ્યા છે. જોકે વ્યાપક લેવાલી વિના જોવા મળી રહેલો આ વધારો અમુક અંશે રહસ્યમય જણાઈ રહ્યો છે. તેના ચોક્કસ કારણો કળી શકાતા નથી. બીજી તરફ વધુ પૈસા ઓછી ચીજવસ્તુ ખરીદવા દોડે છે ત્યારે ડિમાન્ડ સપ્લાયના નિયમ પ્રમાણે બિનજરૂરી ભાવ વધારો જોવા મળે છે. જુલાઈ માસમાં ફેડરલ રિઝર્વ બેન્ક દસ વર્ષ બાદ પહેલીવાર રેટ કટ કરીને દર 2.25 ટકાથી ઘટાડી 2 ટકા કર્યો છે. તેમાં હજી વધુ ઘટાડો આવે તેવી સંભાવના જોવા મળી રહી છે. તેથી સોના તરફ ઇન્વેસ્ટર્સ વળી રહ્યા હોવાનું કહી શકાય છે.

ફોરેક્સ માર્કેટના નિષ્ણાતનું કહેવું છે કે 2018ના જુલાઈ મહિનામાં રૂા.68ની આસપાસ હતો તે વઘતે સોનાનો ભાવ રૂા. 30,000ની આસપાસ હતો. આજે રૂપિયાનો ભાવ ડોલર સામે 71.17નો છે. તેની સામે સોનાનો ભાવ 1497થી 1505 ડોલરની રેન્જમાં છે. આ તમામના સરવાળા કરીને ગણિતો માંડવામાં આવે તો માત્રમ 12 મહિનાના ગાળામાં ભારતના સોનાના રોકાણકારોને 27 ટકા વળતર છૂટ્યું છે. વિશ્વ બજારના રોકાણકારોને 23 ટકાવળતર મળ્યું છે. આ રોકાણકારોને લલચાવનારુ પરિબળ બની શકે છે. પરંતુ ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં આ પ્રકારનો વધારો જોવા મળશે નહિ. ઊંચા મથાળે ઘરમાં સોનું સંગ્રહી બેઠેલાઓની વેચવાલી આવી શકે છે. તેથી ભાવ વધતા અટકી શકે છે. લાંબા ગાળા માટે એટલે કેર્સ સોનું લઈને 15થી 20 વર્ષ માટે ભૂલી જનારાઓને ઇન્વેસ્ટર્સને તેનો લાભ મળી શકે છે.

સેફ હેવન ગણાતા સોનાના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. સોના ચાંદીના બજારમાં ઘરેણાની લેવાલી ઓછી હોવા છતાંય સોનાના ભાવ વિશ્વ બજારમાં અને ભારતના બજારમાં વધી રહ્યા છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજના દરમાં ઘટાડો કરતાં ઇન્વેસ્ટર્સને માટે સલામત અને સારુ વળતર આપતું રોકાણ સોનું જ રહ્યું છે. તેથી સોનામાં લેવાલી નીકળી છે. અત્યારે ટ્રોય ઔંસ દીઠ (31.1034 ગ્રામ) સોનાના 14977.35થી 1505.20 ડોલરની આસપાસના ભાવ બોલાઈ રહ્યા છે. પાંચથી છ વર્ષ બાદ આ મથાળે સોનાના ભાવ પહોચ્યા છે. આ ભાવ હવે વધીને 1600 ડોલરનું મથાળું બતાવી શકે છે. સોનું 2000ની સાલની આસપાસ 1921 ડોલરનું મથાળું બતાવી ચૂક્યું છે. આ સંજોગોમાં કેટલાક લોકો સોનાના ભાવ રૂા. 50000નું મથાળું આંબી જશે તેવા ગણિતો માંડતા થઈ ગયા છે.

ભારતના બજારમાં ગત મહિના દરમિયાન સોનાના દસ ગ્રામના ભાવ રૂા.38000નામથાળાને વળોટી ગયા હતા. જોકે અત્યારે ભાવ તૂટીને પાછા 37000થી 38000ની રેન્જમાં અથડાઈ રહ્યા છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર-વેપાર યુદ્ધ પણ સોનાની તેજીને ટેકો આપી રહ્યું છે. જોકે બજારને સમજનારાઓનું કહેવું છે કે સોનાના ભાવ રૂા. 50,000ને આંબી જાય તેવી આશા અપેક્ષા રાખનારાઓના ગણિત ખોટા પડવાની સંભાવના વધારે છે. વર્તમાન ભાવે પણ ઘરમાં સોનું સાચવી બેઠેલાં લોકો નફો બુક કરી લેવા બજારમાં ઉતરી આવ્યા છે. તેથી બહુ જ લાંબા ગાળા માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની માનસિકતા ધરાવનારાઓ તેમાં રોકાણ કરવાનું આયોજન કરી શકે છે.

સોનાના બજારનું ટેકનિકલ ચાર્ટને આધારે વિશ્લેષણ કરનારાઓનું પણ કહેવું છે કે સોનાના ભાવ 1500 ડોલરના મથાળાની આંબી ગયા પછી હવે 1600 સુધી જઈ શકે તેવા નિર્દેશો મળી રહ્યા છે. 2013ની સાલમાં સોનાના ભાવે 1696 ડોલરનું મથાળું બતાવ્યું હતું. સોનાના ભાવ વધવાથી વપરાશકારોની ડિમાન્ડ ઘટી જતાં ઊભા થયેલા અવકાશને પૂરવા માટે ઇન્વેસ્ટર્સની ડિમાન્ડ  વધવાની સંભાવના રહેલી છે. તેથી ડિમાન્ડ  નીકળશે અને સોનાની તેજીને પીઠ-ટેકો મળશે. અમેરિકાની મધ્યસ્થ બેન્ક બીજીવાર રેટ કટ કરે તે પછી તેનો પ્રભાવ વધી શકે છે. સોનાની ડિમાન્ડ સારી છે. વાર્ષિક ધોરણે તેમાં 8 ટકાનો સરેરાશ વધારો જોવા મળી રહ્યો છે. તેમાં મધ્યસ્થ બેન્કોની ખરીદી વધી રહી છે. ભારતમાં બિનહિસાબી આવક કરનારાઓ પણ તેમના નાણાં સીધા સોનામાં જ રોકી રહ્યા છે. આ બધાં ફેક્ટર છતાંય ટૂંકા ગાળા માટે સોનામાં રોકાણ કરવું લાભદાયી નહિ બને. લાંબે ગાળે લાભદાયી બની શકે છે, એમ બજારના નિષ્ણાતોનું કહેવું છે.[:]