[:gj]સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પાણી પહોંચાડતા નાવડા પમ્પિંગ સ્ટેશન શરૂ થતાં દસ દિવસ લાગશે [:]

[:gj]અમદાવાદ: નર્મદાના પાણી પાઈપલાઇન દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાને પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નાવડા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જવાથી બંધ પડ્યો છે. તેને શરૂ થવામાં અંદાજે હજુ દસેક દિવસનો સમય લાગશે તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.

અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક આવેલ નાવડા ગામે પાણી પુરવઠા વિભાગ સંચાલિત પમ્પિંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પિંગ સ્ટેશન મારફત સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારોને પાઈપલાઇન દ્વારા નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

નાવડા પમ્પિંગ સ્ટેશન દ્વારા નર્મદાની પાઈપલાઇન મારફત ભાવનગર, વલભીપુર, શિહોર, બોટાદ, અમરેલી સહિતના શહેરો ઉપરાંત ગઢડા, ઉમરાળા, ઢસા, બાબરા, લાઠી જેવા ૨૦૦થી વધુ ગામોનો પૂરું પાડવામાં આવે છે.

પરંતુ ગત સપ્તાહમાં પડેલા ભારે વરસાદના કારણે નાવડા પમ્પિંગ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા હતા. જેના લીધે ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ૨૦૦થી વધુ ગામોનો પાણી પુરવઠો ખોરવાય ગયો છે.

આ અંગે પાણી પુરવઠા વિભાગના સૂત્રો દ્વારા જણાવાયું હતું કે, નાવડા પમ્પિંગ સ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી જવાના કારણે પમ્પિંગ સ્ટેશનને ભારે નુકશાન થયું છે. આ પમ્પિંગ સ્ટેશનને પુન: કાર્યરત થવામાં આશરે આઠથી દસ દિવસ જેટલો સમય લાગી શકે છે. જેથી ભાવનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ભાવનગર, બોટાદ, શિહોર, વલભીપુર, ગઢડા, લાઠી, બાબરા, ઉમરાળા સહિતના મુખ્ય શહેરો સહિત ૨૦૦થી વધુ નાના મોટા ગામોને પાણી પુરવઠો ફરીથી શરૂ થવામાં વિલંબ થાય તેમ છે.

 

 [:]