[:gj]હડકાયા કૂતરાએ એક જ દિવસમાં 16ને બચકાં ભર્યાં, એકના હાથનો અંગુઠો છૂટ્ટો પડ્યો[:]

[:gj]મહેસાણા, તા.૨૦

મહેસાણા નજીક પાલાવાસણા ગામમાં રવિવારે હડકાયા કૂતરાએ 16 વ્યક્તિઓને બચકાં ભરવાની ઘટનાએ ભયનો માહોલ સર્જયો છે. સરપંચે માઇક પર સાવચેતી રાખવા સૂચન કરી કૂતરાને પકડવા ખાસ યુવાનોની ટીમ બનાવી છે. પાલાવાસણામાં કૂતરાંએ બચકું ભરતાં હાથનો અંગુઠો છુટ્ટો પડ્યો હતો.

પાલાવાસણામાં રવિવારે બપોર બાદ બહાર નીકળતાં વ્યક્તિઓને પાછળથી બચકું ભરીને ભાગી જતાં હડકાયા કૂતરાએ ભય સાથે હંગામો મચાવ્યો હતો. ભોગ બનેલા ઇજાગ્રસ્તોને જોતાં ગામજનો કૂતરાના ડરથી ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. ગામના ગણપતિ મંદિરના મુખ્ય ચોક વિસ્તારમાં રાહદારીઓ જ નહીં વાહન ચાલકોને પણ શિકાર બનાવતા આ કૂતરાને પકડવા ખાસ ટીમ બનાવી છે. સરપંચ આશાબેન(મટીબેન) પટેલે કહ્યું કે, હડકાયા કૂતરાએ ગામના 16 વ્યક્તિઓને દાંત બેસાડ્યા છે. રાત્રે ખેતરોમાં ભાગી જતું કૂતરુ દિવસ દરમિયાન ગમે ત્યાંથી પાછળ આવીને બચકું ભરે છે. છેલ્લે પાલાવાસણા અને હેડુવા વચ્ચે જોવા મળ્યું છે.

ઘરે જઇ રહેલા યુવાનના ગાલે બચકું ભર્યુ

ઊંઝાના મક્તુપુરના વિષ્ણુજી દશરથજી ઠાકોર સોમવારે બપોરે ફેબ્રીકેશનના કારખાનામાં કામ કરીને ઘરે જમવા જવા નીકળ્યા હતા, તે દરમિયાન લઘુશંકા માટે ઉભેલા વિષ્ણુજીના ડાબા પગ પર કૂતરાએ બચકું ભરતાં તેમણે પ્રતિકાર કર્યો હતો. વિફરેલા કૂતરાએ ગાલને બચકું ભરતાં જ યુવાને તેનું જડબુ ખેંચીને દૂર કરવા પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે લોકો દોડી જતાં તે બચી ગયો હતો અને સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાયો હતો.

કૂ઼તરાના દાંતનો શિકાર બનેલા ઇજાગ્રસ્તોમાં

જીલ પ્રવિણભાઇ નાયી, મંજુલાબેન વિજયભાઇ પટેલ, ભગવાનજી વિષ્ણુજી ઠાકોર, મહેન્દ્રજી બાબુજી ઠાકોર, નાવ્યા વિષ્ણુભાઇ વણકર, સૌરભ પ્રહલાદજી ઠાકોર, સવાજી ધુળાજી ઠાકોર, જયચંદભાઇ દેવજીભાઇ તુરી, હર્ષદજી ચંદુજી ઠાકોર, કાજલ શૈલેષજી ઠાકોર, ખોડાજી કરશનજી ઠાકોર, જ્યોત્સનાબેન ભીખાભાઇ, આયુષ બકાભાઇ ઠાકોર, ભરત લક્ષ્મણભાઇ દેસાઇ, સોહનલાલ ડી પ્રજાપતિ, લાલાજી ચેહરાજી ઠાકોર, દર્શન રસીકભાઇ રાવળ, અજીતભાઇ એસ નાયકનો સમાવેશ થાય છે.[:]