[:gj]હાર્દિક પટેલ સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તો જીતે[:]

[:gj]ગુજરાતમાં ભાજપ લોકસભામાં ૨૬ બેઠક જીતવાનું સ્વપ્ન જોઈ રહી છે, જો કે તે તો સપનું જ રહી જશે કારણકે ૨૦૧૯ કોઈ ૨૦૧૪ નું વર્ષ નથી, જે મોદી વેવના આધારે ૨૦૧૪ માં લોકોને સપના બતાવીને ભાજપ જીતેલી હવે એ જ સપના અને એ જ એન્ટી મોદી વેવ ભાજપને નડી જવાનો છે.

ત્યારે જો કે ગુજરાતમાં અમુક બેઠકો તેવી કહેવાય છે કે જ્યાં ભાજપનો આંધળો મતદાર વર્ગ છે, જેણે કદી ભાજપના કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદને જોયો હોતો નથી, નામ પણ નથી ખબર હોતું બસ ભાજપના નામે વોટ આપી આવવો છે. આવી બેઠકોમાં અમદાવાદની ગાંધીનગર લોકસભા બેઠક, અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ બેઠક, વડોદરા, નવસારી અને સુરત બેઠકનો સમાવેશ થાય છે.

ત્યારે સુરત લોકસભા બેઠક પણ ભાજપની આંધળી સમર્થક બેઠકોમાંથી જ છે. સુરતમાં વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપને નુકસાન થવાની આશા હતી પરંતુ કેશુબાપાએ કરેલો બળવો હોય કે પાટીદાર આંદોલન હોય, સુરત અંતે તો ભાજપમાં જ જઈને બેઠું છે.

વિધાનસભા ચૂંટણીમાં સુરતમાં થયેલા કડવા અનુભવ બાદ હવે કોંગ્રેસ પણ ત્યાંથી કોઈ ખાસ આશા નહીં રાખી રહી હોય. તેમજ ભાજપ પણ પોતાની નિશ્ચિત બેઠકોમાંથી સુરતને એક માને છે.

ત્યારે સુરત લોકસભા બેઠકમાં વરાછા રોડ, કતારગામ, સુરત ઉત્તર, સુરત પૂર્વ, ઓલપાડ, કરંજ, સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. હવે સુરત લોકસભામાં પાટીદાર મતો મોટી સંખ્યામાં છે અને નિર્ણાયક બનવાની ભૂમિકા છે. પાટીદાર સમાજ એકતરફી જે પક્ષને મત આપે તે પક્ષ આસાનીથી જીતી શકે છે.

છેલ્લા અનેક વર્ષોના આંકડા જોઈએ તો તેમાં કોંગ્રેસે ૨૦૦૯ ની લોકસભા ચૂંટણીમાં જ ભાજપને ટક્કર આપી હતી અને ૭૪ હજાર મતોએ હાર થઇ હતી, બાકીની ચૂંટણીઓમાં કોંગ્રેસે મોટી હારનો જ સામનો છેલ્લા ૩૦ વર્ષથી કરતું રહેવું પડ્યું છે.

હવે આ બેઠક પર કોંગ્રેસ પાસે સ્થાનિક લેવલે મોટા ગજાના કોઈ પાટીદાર નેતા નથી કે જે એકલા હાથે કોંગ્રેસને જીત અપાવી શકે, કે ના તો કોંગ્રેસ પાસે કોઈ સંગઠન છે.

બીજીતરફ ભાજપ પાસે પણ પાટીદાર સમાજમાંથી કહી શકાય તેવો કોઈ મોટો નેતા નથી, હાલમાં જે સાંસદ છે તે ઓબીસી સમાજમાંથી આવે છે. ત્યારે કોંગ્રેસ આ બેઠક પર હાલમાં તો જીતવા કરતાં ફાઈટ કોણ વધુ આપી શકે તેવા જ મુરતિયાને શોધી રહી હશે.

પરંતુ કોંગ્રેસ એક વ્યક્તિને જો સુરત લોકસભા બેઠક પર લડાવે તો તેમની જીત થઇ શકે છે અને તે પણ મજબુતીથી. તે વ્યક્તિ છે પાટીદાર અનામત આંદોલનનો પ્રણેતા હાર્દિક પટેલ. પાટીદાર અનામત આંદોલન શરુ થયું ત્યારથી જ સુરતમાં તેની સૌથી વધારે અસર જોવા મળી છે. ફક્ત ભીડ ભેગી થાય અને છુટા પડી જાય તેમ નહીં પણ હાર્દિક પટેલની ટીમનું મેનેજમેન્ટ પણ જબરદસ્ત હોય છે.

વિધાનસભા ચૂંટણીમાં પાસ અને કોંગ્રેસના વિવાદોમાં જ સમય જતો રહ્યો અને ભાજપને તેનો ફાયદો મળી ગયો પરંતુ જો હાર્દિક પટેલ સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ એકજુટ થઈને માઈક્રો મેનેજમેન્ટ સાથે મેદાનમાં ઉતરે.

બીજીતરફ કોંગ્રેસમાં પણ કોઈ વાદ વિવાદ વગર આ વિસ્તારના આગેવાનો – કોર્પોરેટરો એકજુટ જઈને ચૂંટણી પ્રચારમાં લાગી જાય.

સુરત લોકસભા બેઠકના સમીકરણ જોઈએ તો વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત ઉત્તર વિધાનસભા બેઠકમાં મોટા પ્રમાણમાં પાટીદાર મતો છે, તો ઓલપાડ વિધાનસભા બેઠકમાં મોટા વરાછાના પણ મતો આવેલા હોવાથી તેમાં પણ મોટી સંખ્યામાં પાટીદાર મતો છે.

તો સુરત પશ્ચિમમાં પાટીદાર મતો ૮ થી ૧૦ ટકા છે, તેમજ સવર્ણ સમાજના મતો વધુ છે તો લઘુમતી સમાજના ૨૨ હજાર જેટલા મતો છે. તો સુરત પૂર્વ બેઠકમાં લઘુમતી સમાજના મતો ૮૦ હજાર જેટલા છે જે એકતરફી કોંગ્રેસને મળે છે, આ ઉપરાંત મૂળ સુરતી ઘાંચી સમાજના મતો છે.

ત્યારે સમગ્ર સુરત લોકસભા બેઠકમાં પાટીદાર સમાજના મતોનું પ્રમાણ ઘણું વધારે છે. આ ઉપરાંત વરાછા, સુરત પૂર્વ અને કરંજના મતોના આધાર પર જ હાર્દિક પટેલ મોટી લીડ લઇ શકે છે.

હાર્દિક પટેલ વ્યક્તિગત લડી લેવાના મુડમાં રહેતો લડાયક નેતા છે જે યુવાનોને ઘણું પસંદ પડે છે, તો તેની ટીમ પણ ઘર ઘર સુધી અસરકારક પ્રચાર કરવા સક્ષમ છે, તો ભાષણથી લઈને મોટા આયોજનોમાં હાર્દિક પટેલ પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે. તેની નામના પણ દેશભરમાં થઇ ગઈ છે.

તો કોંગ્રેસ પણ જીતવી મુશ્કેલ લાગતી આ બેઠક પર હાર્દિક પટેલને લડાવીને દાવ અજમાવી શકે છે, તેમાં કોંગ્રેસે કઈ ગુમાવવાનું નથી. હાર્દિક પટેલ પણ આસાન બેઠકને બદલે જો આવી કોઈ બેઠકથી જીતી બતાવે તો તેનું નામ વધુ મજબુત થાય. તો તેની ઉંમર ૨૫ વર્ષની થઇ જતાં હવે તે ચૂંટણી લડવા પણ સક્ષમ થઇ ગયો છે.

આ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ સુરત લોકસભા બેઠકથી ચૂંટણી લડશે તેવું કહેવાઈ રહ્યું છે તેવામાં હાર્દિક પટેલ જો તેમની સામે ઉભો રહે તો સૌથી મજબુત ફાઈટ આપી શકે અને જીતી પણ શકવાની તાકાત ધરાવે છે.[:]