[:gj]હેલ્મેટનું વેચાણ માત્ર 15થી 20 ટકા જ વધ્યું!![:]

[:gj]બહુ ઓછા લોકો એવા હતા જેમની પાસે હેલમેટ જ નહોતી. અને આ જ કારણે માત્ર 15થી 20 ટકા જ હેલમેટનું વેચાણ વધ્યું

 મોટાભાગના વાહનચાલકો પાસે અગાઉથી હેલમેટ હતી જ પણ પહેરતા નહોતા

ગાંધીનગર

રાજ્ય સરકાર દ્વારા 16મી ઓક્ટોબર 2019થી કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વાહનવ્યવહારના નવા નિયમોની કડક અમલવારી શરૂ કરી હતી. જેમાં ટૂ વ્હિલર ચાલકો માટે હેલમેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જોકે, આ નિયમનો રાજ્યભરમાં ઠેર ઠેર ઉગ્ર વિરોધ થતો હોવાના કારણે રાજ્ય સરકારે આજે શહેરી વિસ્તારોમાં હેલમેટને લઈને નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં હેલમેટ પહેરવું હવે ફરજિયાત નહિ હોય અને આ નિર્ણયનો અમલ આજથી જ કરવામાં આવશે એવું પણ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે લીધો નિર્ણય

કેન્દ્રીય વાહનવ્યવહાર વિભાગ દ્વારા ત્રણ મહિના પહેલા સમગ્ર દેશમાં નવા નિયમો લાગુ કરવાના આદેશ બાદ વિવિધ રાજ્યોમાં તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ નવા નિયમો પ્રમાણે દંડની રકમ વધુ હોવાના કારણે ગુજરાત સરકારે આ નિયમોમાં સુધારા કરીને દંડની રકમ ઓછી કરીને અમલવારી કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ નિયમનું પાલન કરવા બે વખત મુદત વધારી હતી અને છેવટે 16મી ઓક્ટોબર 2019થી તેની કડક અમલવારી શરૂ કરવામાં આવી હતી. આ નિયમોનો અમલ થતાં જ સમગ્ર રાજ્યમાં વાહનચાલકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. અને તેમાં પણ ખાસ કરીને દ્વીચક્રી વાહનો ચલાવનારને ફરજિયા હેલમેટ પહેરવાનો નિયમ લાગુ કરાતાં લોકો વિરોધ કરી રહ્યા હતા. પરંતુ રાજ્ય સરકારે તેમાં કોઈ બાંધછોડ નહિ કરવાનું નક્કી કરીને ટ્રાફિક પોલીસ તેમ જ આરટીઓને તેનો કડક અમલ કરવાની સૂચના આપી હતી. પરંતુ લોકવિરોધને જોતાં રાજ્ય સરકારને પોતાનો આ નિર્ણય રોલબેક કરવાની ફરજ પડી છે અને તેમાં સુધારો કરીને એવી જાહેરાત કરાઈ છે કે, શહેરી વિસ્તારોમાં આજથી હેલમેટ પહેરવી ફરજિયાત નથી. આમ આ પ્રકારનો નિર્ણય કરીને રાજ્યના શહેરી વિસ્તારોના દ્વીચક્રી વાહનચાલકોને મોટી રાહત આપી છે.

હેલમેટના વેચાણમાં 15થી 20 ટકા ઉછાળો આવ્યો હતો

વાહનવ્યવહારના નવા નિયમો અમલી કરાયા બાદ રાજ્યમાં હેલમેટના વેચાણમાં માત્ર 15થી 20 ટકાનો જ ઉછાળો આવ્યો હોવાનું હેલમેટ વિક્રેતાઓનું કહેવું છે. અમદાવાદના હાઉસ ઓફ હેલમેટના માલિક યોગીનાથ જયસ્વાલના કહેવા પ્રમાણે દ્વીચક્રી વાહનચાલકો માટે સરકારે જે નિયમ કર્યો હતો તેમાં હેલમેટ વગર વાહન ચલાવનાર ચાલકને રૂ. 500નો દંડ થશે. આટલો મોટો દંડ હોવાના કારણે લોકોમાં એક ફફડાટ ફેલાયો હતો અને તેના ભાગરૂપે હેલમેટની ખરીદી શરૂ થઈ હતી. પરંતુ નવો કાયદો અમલી બન્યા પહેલાં જે વેચાણ હતું તેના માત્રને માત્ર 15થી 20 ટકાનો જ ઉછાળો આવ્યો હોવાનું જયસ્વાલ કહે છે. આ અંગેનું કારણે પૂછતાં તેમણે જણાવ્યું કે, હેલમેટ પહેરવી ફરજિયાત તો હતી, પરંતુ લોકો પહેરતા નહોતા. એટલે મોટાભાગના વાહનચાલકો પાસે અગાઉથી હેલમેટ હતી જ પણ પહેરતા નહોતા. પણ 16મી ઓક્ટોબરથી જે કાયદો અમલી બન્યો અને કડક અમલવારી શરૂ થઈ તેના કારણે તેઓ પોતાની પાસેની હેલમેટ કાઢીને પહેરતા હતા. જ્યારે બહુ ઓછા લોકો એવા હતા જેમની પાસે હેલમેટ જ નહોતી. અને આ જ કારણે માત્ર 15થી 20 ટકાનું જ હેલમેટનું વેચાણ વધ્યું છે.

હેલમેટની કિંમત

હેલમેટની કિંમત અંગે જયસ્વાલ કહે છે કે, આઈએસઆઈ માર્કાની હેલમેટ ફરજિયાત હોવાના કારણે તેની કિંમત ચીલાચાલુ હેલમેટ કરતાં વધારે હોય છે. આ હેલમેટની કિંમત રૂ. 500થી લઈને રૂ. 3000 સુધીની હોવાથી દરેકને પોષાય છે. અને જે વેચાણ થયું છે તેમાં લગભગ 500થી લઈને રૂ. 1500 સુધીની હેલમેટનું વેચાણ વધારે થયું હોવાનું જયસ્વાલે કહ્યું હતું.

 [:]