‘હેલ્લારો’ ફિલ્મને રૂ.2 કરોડ આપવા બદલ મુખ્ય પ્રધાનનો કલાકારોએ આભાર માન્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના નિર્માતા, દિગ્દર્શક લેખક અને કલાકાર કસબીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
હેલ્લારોની આ સમગ્ર ટીમે ગુજરાત સરકારે પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહનની નીતિ અન્વયે આ ફિલ્મને રૂ. બે કરોડની સબસિડી-સહાય જાહેર કરી છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ‘હેલ્લારો’ને ભારત સરકારના રાષ્ટ્રિય પુરસ્કાર અન્વયે શ્રેષ્ઠ ફિલ્મનો સુવર્ણકમળ પુરસ્કાર તેમજ ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે ૧૩ અભિનેત્રીઓને આ ફિલ્મ માટે રજ્તચંન્દ્રક સહિત કુલ ૧પ ચંન્દ્રકો ‘‘હેલ્લારો’’ને મળેલા છે. એટલું જ નહિ, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડીયામાં હેલ્લારોને સ્થાન મળ્યું છે.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સૌ કલાકાર કસબીઓએ ફિલ્મને મળેલા એવોર્ડસ-ચંન્દ્રક પ્રસ્તુત કર્યા હતા.
ગુજરાતી ફિલ્મોમાં ‘‘જરા હટકે’’ એવી આ ‘‘હેલ્લારો’’ ફિલ્મના નિર્માતા અભિષેકે ગુજરાત સરકારે ખાસ કરીને કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિરે કચ્છ પ્રદેશમાં આ ફિલ્મના શૂટીંગ માટે આપેલા સહયોગની સરાહના કરી હતી.
તેમણે જણાવ્યું કે, હિન્દી અને પાશ્ચાત્ય ફિલ્મોની ભરમાર વચ્ચે આ ગુજરાતી ફિલ્મ હેલ્લારોએ યુવા પેઢીને ગુજરાત અને કચ્છની વિરાસત-સંસ્કૃતિ પ્રત્યે પ્રેરિત કરી પ્રાદેશિક ફિલ્મોનું આગવું સ્થાન વિશ્વભરમાં પ્રસ્થાપિત કર્યુ છે.
જ્યાં જ્યાં આ ફિલ્મ રિલીઝ થઇ છે તે વિદેશોમાં વસતા ગુજરાતીઓ સહિત વિદેશી નાગરિકો પણ અંગ્રેજી સબટાઇટલ સાથેની આ ફિલ્મની પ્રસ્તુતિ રસપૂર્વક નિહાળે છે અને તેને અત્યંત ઉમળકાથી આવકારી છે.
રાજ્ય સરકારે ગુજરાતી ફિલ્મો માટેની નવી પ્રોત્સાહક નીતિ દ્વારા અને નિર્માતા-દિગ્દર્શકોને ગુણવત્તાયુકત ગુજરાતી ફિલ્મોના નિર્માણ માટે આકર્ષિત કર્યા છે તે માટે પણ તેમણે મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો વિશેષ આભાર પ્રગટ કર્યો હતો.