[:gj]હોમિયોપેથી અને આયુર્વેદમાં પ્રવેશની પ્રક્રિયા અટવાઈ ગઈ[:]

[:gj]અમદાવાદ, તા. 16

હોમિયોપેથી અને આયુર્વેદમાં સાત કોલેજોની મંજૂરી ન આવતાં સમગ્ર પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડી રહી છે. આ કોલેજોની મંજૂરી ન આવવાના કારણે પેરા મેડિકલ ફિઝિયોથેરાપી અને નર્સિગ પ્રક્રિયા પણ અટકી ગઈ છે. હવે પ્રવેશ સમિતિ દ્વારા આગામી તા.૨૦મી પહેલા આયુર્વેદ-હોમિયોપેથીની બાકી સાત કોલેજોની મંજૂરી ન આવે તો પણ કાર્યવાહી પૂર્ણ કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૨૧મીથી પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા આયુર્વેદની ૪ કોલેજોની મંજૂરી આપવામાં ન આવતાં હાલમાં ૨૪૦ બેઠકો આવી નથી. એવી જ રીતે હોમિયોપેથીની ૩ કોલેજોને મંજૂરી ન મળતાં ૩૦૦ બેઠકો અટકાયેલી પડી છે. આ બન્ને કોર્સમાં ઓલ ઇન્ડિયામાં થયેલા પ્રવેશ પ્રક્રિયામાં ૪૦૨ બેઠકો ખાલી પડી હતી. જે પ્રવેશ સમિતિને પરત આપી દેવામાં આવી છે. આ સિવાય મોપઅપ રાઉન્ડ પૂર્ણ થયા બાદ આયુર્વેદની બે કોલેજોની મંજૂરી મળતાં ૯૦ બેઠકો વધવાની છે. આ ઉપરાંત ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરાવ્યો છે. જેના કારણે હોમિયોપેથી અને આયુર્વેદની કુલ અંદાજે ૧૧૮૨ જેટલી ખાલી પડેલી બેઠકો માટે નવેસરથી રાઉન્ડ કરવાનું નક્કી કરાયુ છે. પરંતુ આયુર્વેદ અને હોમિયોપેથીની ૭ કોલેજોની હજુસુધી આખરી મંજૂરી આપવામાં આવી નથી. જ્યાં સુધી આ મંજૂરી ન મળે ત્યાં સુધી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ શકે તેમ નથી. હાલ પ્રવેશ સમિતિના સભ્યો આયુષ ડિપાર્ટમેન્ટની મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છે. સભ્યો કહે છે તા. ૨૦મી સુધીમાં જો કાઉન્સિલની મંજૂરી ન આવે તો સાત કોલેજોની બેઠકો પેન્ડિંગ રાખીને બાકીની બેઠકો માટે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. આ કાર્યવાહી પૂર્ણ થાય ત્યારબાદ પેરા મેડિકલ એટલે કે ફિઝિયોથેરાપી અને નર્સિગની ખાલી બેઠકો માટે તા. ૨૧મીથી કાર્યવાહી શરૂ કરાશે.

ફિઝિયોથેરાપી પ્રવેશ સમિતિના સભ્યો કહે છે હાલમાં મેનેજમેન્ટ કવોટાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ છે જેમાં બીએસસીમાં ૧૯૮ અને ફિઝિયોથેરાપીમાં ૩૩૩ બેઠકો ખાલી પડી છે જે પ્રવેશ સમિતિના સુપ્રત કરી દેવામાં આવી છે. હજુ જીએનએમ અને એએનએમની મેનેજમેન્ટ કવોટાની પ્રક્રિયા તા.૧૮મીએ થવાની છે આ પૂર્ણ થયા બાદ ખાલી બેઠકો પ્રવેશ સમિતિને સુપ્રત કરવામાં આવશે. આ સમિતિના સભ્યો હાલમાં હોમિયોપેથી અને આયુર્વેદની પ્રક્રિયા શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે. કારણ કે સરકારી કોલેજોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ હોમિયોપેથી-આયુર્વેદમાં બેઠકો ખાલી પડે તો બેઠકો ખાલી કરતાં હોવાથી પહેલા હોમિયોપેથીની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ ફિઝિયોથેરાપીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.[:]