રાધનપુરમાં ચૂંટણી હારી જતાં ભાજપમાં બગાવત કરવાના મૂડમાં

અમદાવાદ, તા. 01

અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે ભાજપ સામે બગાવત કરવા માટે બેઠક બોલાવી હતી.  અલ્પેશ ઠાકોરના કેટલાંક નજીકના લોકોએ હવે અલ્પેશ ઠાકોરને સલાહ આપી છે કે ભાજપ મતદારોનું આભાર સંમેલન ગોઠવીને અલ્પેશને વધુ એક ફટકો આપી રહ્યા છે. માટે હવે અલ્પેશને જો રાજકીય કારર્કીદી સાથે સમાજનું ભલુ કરવું હોય તો ભાજપ સરકાર સામે પડવું પડશે.  જેથી હવે અલ્પેશ ઠાકોરે પણ આગામી દિવસોમાં નવા જુની કરી તેવા સ્પષ્ટ એંધાણ આપી દીધા છે. જેમાં હાર માટે ભાજપે તૈયાર કરેલા ગ્રાઉન્ડને જવાબદાર ગણાવ્યું છે. જેથી આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોર સમાજને સાથે લઇને તેની આકરી શૈલીથી કામ કરવા માટે તૈયાર થયો છે આ માટે તેણે ઠાકોર સેનાના કાર્યકરો પાસે થોડો સમય માંગ્યો છે. પણ હવે તે દારૂ, બેરોજગારી જેવા મુદ્દાઓને લઇને ભાજપ સામે કઇ રીતે બાથ ભીડે તે પણ મોટો પ્રશ્ન છે. આમ, ભાજપે અલ્પેશને કોંગ્રેસમાંથી બહાર કાઢીને ભાજપમાં પણ હરાવીને અલ્પેશ ઠાકોરને બંને બાજુથી એકલો કરી દીધો છે. તેવામાં ફરીથી સમાજને સાથે લઇને ચાલવા સિવાય અન્ય કોઇ રસ્તો પણ નથી.

ઉતરાયણ બાદ ફરી મેદાનમાં આવશે

જેથી 2020ની શરૂઆતમાં ઉતરાયણ બાદ અલ્પેશ ઠાકોર ફરીથી જન આંદોલન શરૂ કરે તેવી શક્યતાઓ છે અને આ માટે તેણે તેના કેટલાંક વફાદાર સાથીઓને સાથે રાખીને તૈયારીઓ પણ શરૂ કરી છે. જેમાં અલ્પેશ ઠાકોરને આગામી સમયમાં રણનીતિ નક્કી કરવા જણાવ્યું છે. જેમાં ફરીથી સરકારની સામે કઇ રીતે મોરચો માંડવો તે અંગે પણ એક્શન પ્લાન બનાવવામાં આવશે.

ભાજપે અલ્પેશની ગેમ કરી નાખી

જો કે ભાજપે અલ્પેશ ઠાકોરને હરાવીને તેના જોશને મોટો ફટકો પાડ્યો છે. અને ભાજપે અલ્પેશની ગેમ કરી નાખી તે વાત પણ સાચી છે. ત્યારે આગામી દિવસો હવે અલ્પેશ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાને સાથે રાખીને લડતના મંડાણ કરશે તે વાત પણ નક્કી છે. જેમાં ફરીથી દારૂને મુખ્ય મુદ્દો બનાવે તેવી શક્યતા છે.

તેવામાં અલ્પેશ ઠાકોરને ત્યાં મળેલી બેઠકમાં થયેલી ચર્ચાઓમાં એક વાત એવી પણ બહાર આવી છે કે અલ્પેશ ભાજપના નેતાઓથી પણ નારાજ છે. કારણ કે હાર બાદ અલ્પેશ ઠાકોર સાથે હારની સમીક્ષા કરવા માટે ભાજપના કોઇ સિનિયર નેતાઓ તૈયાર જ નહોતા અને હજુ સુધી કોઇ નેતાઓએ અલ્પેશ સાથે આ અંગે વાત પણ નથી કરી.  આમ અલ્પેશની નારાજગીપણ વધી રહી છે.

ભાજપની સોગઠાબાજીથી નારાજગી

તો બીજી તરફ અલ્પેશ ઠાકોરના વફાદાર ગણાતા ધવલસિંહ ઝાલાની કારમી હાર થતા અલ્પેશ ઠાકોર કરતા ભાજપની સોગઠા બાજીથી નારાજ છે.  હવે તે પણ ભાજપની ચાલ સમજી ગયા છે. ત્યારે બાયડમાં તેમની શાખ ધોવાઇ ગઇ છે. તો સ્થાનિક સ્તરે હવે હાર બાદ તેમની ઉપેક્ષા થવા લાગી છે. ધવલસિંહ ઝાલાના ટેકેદારો પણ  ઓછા થઇ ગયા છે તો સ્થાનિક ભાજપમાં તેમની કોઇ ગણના જ કરવામાં નથી આવી રહી. ત્યારે અલ્પેશ ઠાકોર સાથે રહીને  આગળ વધવુ કે તેમની રીતે ફરીથી સ્થાનિક રાજકારણમાં શરૂઆત કરવી તે અંગે ધવલસિંહ ઝાલા વિચારી રહ્યા છે. અને હાર બાદ અલ્પેશ ઠાકોર સાથે સંપર્ક પણ ઓછો થઇ ગયો છે.