[:gj]56.01 કરોડના બોગસ બિલિંગકાંડમાં આરોપીના આગોતરા જામીન નામંજૂર[:]

[:gj]

મહેસાણા, તા.૧૭ 

જીએસટીમાં અલગ અલગ ફર્મના નામે માલના ખરીદ વેચાણ કર્યા વિના રૂ. 56.01 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરી રૂ. 5 કરોડથી વધુની કરચોરીમાં અમદાવાદના બિમલ મહેતાએ ધરપકડથી બચવા મહેસાણા કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.

સંયુક્ત રાજ્યવેરા કમિશનર મહેસાણા વિભાગ દ્વારા બોગસ વ્યવહારો મામલે ત્રણ ફર્મના વિવિધ સ્થળ તપાસ, નિવેદનોમાં શેણલ એન્ટરપ્રાઇઝ અમદાવાદ ઓઢવ સ્થિત ધંધાના સ્થળે કોઇપણ વ્યક્તિ ધંધો કરતા ન હોવાનું ધ્યાને આવ્યું હતું. ડીસા ખાતે શીતલ એન્ટરપ્રાઇઝના સ્થળે તપાસમાં ધંધાનું સ્થળ બંધ જોવા મળ્યું હતું. શેણલ એન્ટરપ્રાઇઝના બેંક એકાઉન્ટમાં બિમલ યોગેશચંદ્ર મહેતા મેનેજર તરીકે તેમજ એચપી એન્ટરપ્રાઇઝમાં જોઇન્ટમાં નામ દર્શાવેલું છે.

બિમલ મહેતાએ જગદીશ સુરેશભાઇ દાતણિયા સાથેના મેળાપીપણાથી જીએસટી એક્ટની જોગવાઇ વિરુદ્ધ વર્તન કરી ખરેખર માલના ખરીદ વેચાણ કે ભૌતિક હેરફેર કર્યા વિના ઇનવોઇસ ઇશ્યુ કર્યાનું જણાતાં તંત્રએ જુલાઇમાં બે વખત સમન્સ પાઠવ્યા છતાં બિમલ મહેતા ઇન્કવાયરીમાં હાજર થયા નહતા. રૂ. 56.01 કરોડના બોગસ બિલિંગના વ્યવહારો કરી સરકારને નુકસાન પહોંચાડ્યું છે. જીએસટીમાં મોટી કરચોરીમાં તંત્રને ધરપકડની સત્તા હોય છે. જોકે મહેસાણા અડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બિમલ મહેતાએ આગોતરા જામીન અરજી કરી હતી. સરકારી વકીલ ભરત જી. પટેલે 5 કરોડથી વધુની કરચોરી બિન જામીનપાત્ર ગુનો હોઇ તેમની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી.

કરોડોનો ચુકવવાપાત્ર વેરો બાકી

બિલિંગમાં મે.શેણલ એન્ટરપ્રાઇઝમાં રૂ.16.15 કરોડ, શિતલ એન્ટરપ્રાઇઝમાં રૂ.12.81 કરોડ, એચપી એન્ટરપ્રાઇઝમાં રૂ.9.82 કરોડ અને મે.ગજાનન એન્ટરપ્રાઇઝમાં રૂ. 9.25 કરોડનું ટર્નઓવર દર્શાવાયું છે. જેમાં રૂ.7.98 કરોડ ચુકવવાપાત્ર વેરો ભર્યો નથી. કોઇપણ માલની ખરીદી કર્યા વગર માત્ર ખરીદ-વેચાણના વ્યવહારો દર્શાવી બોગસ ઇનવોઇસની જ આપ-લે થઇ હોવાનું સહાયક રાજ્યવેરા કમિશનર કડીની તપાસમાં ધ્યાને આવ્યું હોઇ વધુ તપાસ ચાલુ છે.

 [:]