[:gj]GJ-1 કે 27-નધણિયાતું તંત્ર : અંધેર નગરી અને ગંડુ રાજા [:]

[:gj]
અમદાવાદ,16

અમદાવાદના આરટીઓ ઈસ્ટ અને વેસ્ટ, ભ્રષ્ટાચારમાં એટલા બધા ગળાડૂબ છે કે હવે લોકોની તકલીફો પણ તેમને નથી દેખાતી. ધનાઢ્ય લોકો પૈસાના જોરે જે કામ એક જ વારમાં એક કલાકથી પણ ઓછા સમયમાં કરાવી લે છે, તે જ કામ માટે સામાન્ય પ્રજાએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે અને ત્યાર બાદ પણ કામ તો નથી જ થતું. અધિકારીઓ જો કે આ બાબતને સ્વીકારવા પણ સહમત નથી.

લાઈસન્સ અને આરસી બુક

ઈસ્ટ અને વેસ્ટ અમદાવાદના આરટીઓ દ્વારા ઈશ્યૂ કરવામાં આવતાં લાઈસન્સની સંખ્યામાં વધારો ચોક્કસ થઈ રહ્યો છે, પણ તે લાઈસન્સ લોકો સુધી પહોંચતાં નથી. અમદાવાદ વેસ્ટ આરટીઓ કે જે સુભાષબ્રિજના છેડે આવેલું છે તેના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, હવે એવું લાગે છે કે આરટીઓમાં અધિકારીઓને લોકોના કામ કરવામાં રસ છે જ નહીં. અહીં છેલ્લા 10 દિવસથી ડેટા ટ્રાન્સફર નહીં થઈ શક્યો હોવાના કારણે 15 હજારથી વધારે લાઈસન્સ પ્રિન્ટ પણ નથી થઈ શક્યાં.

આવી જ સ્થિતિ વસ્ત્રાલ ખાતે આવેલા અમદાવાદ ઈસ્ટ આરટીઓની છે, જ્યાં જૂન મહિનાથી લોકો લાઈસન્સ લેવા માટે ધક્કા ખાય છે, જેમને કોઈ જવાબ પણ સાચો નથી આપતા. બલવંત ઠાકોરે જૂન મહિનામાં લાઈસન્સ માટે અરજી કરી હતી અને અત્યાર સુધીમાં ચાર વાર ધક્કા ખાઈ ચૂક્યા છે, પરંતુ હજુ તેમને લાઈસન્સ મળ્યું નથી. બલવંત ઠાકોર એક ટ્રેક્ટર ચલાવવાની નોકરી કરે છે ચલાવે છે, જ્યાંથી સ્માર્ટ કાર્ડ ન હોવાથી તેમને નોકરી પરથી દૂર કરવામાં આવ્યા છે. ઠાકોર પરિવાર તેમના પર જ નિર્ભર છે. આવી જ સ્થિતિ મગનભાઈ મકવાણાની પણ છે તેઓ ઓગસ્ટ મહિનાથી લાઈસન્સ માટે ધક્કા ખાય છે અને પાછા જાય છે.

અધિકારીઓની સ્પષ્ટ ‘ના’

અમદાવાદ વેસ્ટના આરટીઓ એસ.ટી. મુનિયાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમારા ત્યાં લાઈસન્સ કે આરસી બુક ઈશ્યૂ કરવામાં કોઈ ભરાવો થયો નથી. જો કે જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાને લાઈસન્સ ઈશ્યૂ થયાં અને કેટલા બાકી ત્યારે તેમણે કહ્યું કે એવું કઈ ટેલી કર્યું નથી.

બેન કહે છે, ‘હા’

અમદાવાદ ઈસ્ટના એઆરટીઓ એન.ડી. પંચાલ છે. તેણીએ જનસત્તા સાથે વાત કરતાં જણાવ્યું કે, હુ સ્વીકારું છું કે ડેટા એપ્રૂવલમાં વિલંબ થયો હોવાના કારણે લાઈસન્સ ઈશ્યૂ કરવામાં મોડું થયું છે, પરંતુ અમે તેનો નિકાલ કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ.

લોકો ગરમીમાં બંધ, અધિકારીઓ એસીમાં

વસ્ત્રાલમાં લાઈસન્સ બ્રાન્ચમાં ઓછામાં ઓછા 100 લોકોને ઓફિસમાં લઈને દરવાજા અંદરથી બંધ કરી દેવામાં આવે છે અને કલાકો સુધી ખોલવામાં આવતા નથી. સીલિંગ એસી તો છે પણ ચાલતાં નથી, જ્યારે અધિકારીઓની કેબિનમાં એસી ફુલ ચાલતાં હોય છે. જ્યારે જનસત્તા એઆરટીઓ પંચાલને આ અંગે પૂછવા ગયું તો પ્રથમ તેમણે સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પછી કહ્યું કે, હું તપાસ કરાવી લઈશ.

અધિકારીને કોઈ ગાઠતું નથી, સાચું કહેતું પણ નથી

એઆરટીઓ જ્યારે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે અધિકારીઓને બોલાવ્યા તો તેમણે ત્રણ-ત્રણ વાર બેલ માર્યો પણ કોઈ ઓફિસ આસિસ્ટન્ટ દેખાયો નહીં. અંતમાં તેમણે અન્યને કહીને અધિકારીને બોલાવવા પડ્યા. જે અધિકારીઓ આવ્યા તેમને જ્યારે લાઈસન્સિંગ બ્રાન્ચ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ઉચ્ચ અધિકારીને કંઈક બીજો જ જવાબ આપ્યો. પ્રશ્ન હતો, ‘લોકોને લાઈસન્સિંગ બ્રાન્ચમાં માર્ગદર્શન માટે કોઈ છે કે નહીં?’ તો અધિકારીએ કહ્યું ‘છે’. જ્યારે જનસત્તાએ સ્થળ તપાસ કરી તો ત્યાં દરવાજા બંધ હતા, જેનો ફોટો પણ અમારી પાસે છે.

એક જ લાઈનમાં સ્ત્રીઓ અને પુરુષો, કારણ સ્ટાફ નથી

વસ્ત્રાલ આરટીઓમાં સ્ત્રીઓ અને પુરુષો માટે કોઈ અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં નથી આવી. અહીંયા બધા માટે એક જ લાઈન છે, કારણ કે સ્ટાફ જ નથી. મંગળવારે જનસત્તા સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી આરટીઓ ઓફિસમાં રહ્યું, અને બધા તમાશા જોયા પણ લોકોને મદદ કરવાની કોઈ અધિકારીની સહેજ પણ ભાવના હોય તેવું ક્યાંય વર્તાયું નથી.[:]