[:gj]આદિવાસીઓ શા માટે નહેર બંધ કરી દેવા તૈયાર થયા, વાંચો નર્માદાની અંદરની વાત [:]

[:gj]નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહત્વનું છે કે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)ના અધ્યક્ષ દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવાએ નર્મદા ડેમની મુખ્ય કેનાલ બંધ કરી સમગ્ર ગુજરાતમાં પાણી બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહેશ વસાવાએ નર્મદા જિલ્લામાં પાણીના પ્રશ્નોને નિવાસી અધિક કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

જણાવી દઈએ કે, મહેશ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે, નર્મદાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી દૂર નહીં કરાય તો આગામી 13 તારીખથી આંદોલન કરવામાં આવશે. સાથે સાથે 13 તારીખે નર્મદાની મુખ્ય કેનાલના દરવાજા બંધ કરીને સમગ્ર ગુજરાતમાં જતું પાણી અટકાવી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે પાણીની સમસ્યા વકરી રહી છે. આજે ગામડાઓમાં મહિલાઓને કિલોમીટરો સુધી પાણી લેવા માટે જવું પડે છે. તો સાથે સાથે મુંગા પશુઓ પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ આવેલો છે. આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર કચ્છમાં અને ઉદ્યોગોને આપવામાં આવે છે એ કેવી રીતે ચાલે.

નર્મદાની મુખ્ય કેનાલ પંચમહાલ જીલ્લાના ટુવા ગામ પાસેથી પસાર થાય છે અને ત્યાંથી પાણી ચોરીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. નર્મદાની મુખ્ય કેનાલમાંનું પંક્ચર કરી પાઈપ લગાવીને પાણીનું લીફટીંગ કરીને પાણી ચોરી પાણી ચોરો દ્વારા કરવામાં આવતું હતું. લીફ્ટ કરેલા આ પાણીને કેનાલની બાજુમાં જ બનવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં એકઠું કરવામાં આવતું હતું.

સરદાર સરોવર નર્મદા યોજના – જયનારાયણ વ્યાસ
ગુજરાતની નર્મદા યોજના એટલે ૪૫૫ ફૂટ ઊંચો નવાગામ (કેવડીયા) ખાતેનો બંધ, ૯૦ લાખ એકર ફીટ પાણી અને ૧૪૫૦ મેગાવોટ જળવિદ્યુતમાંથી ૨૩૨ મેગાવોટ (૧૬ ટકા) ભાગ

નર્મદા નદી ઉપર ગુજરાતમાં નવાગામ ખાતે બંધાનાર બંધની ઊંચાઈ ૪૫૫ ફૂટ રાખવાનું નક્કી થયું. આટલી ઊંચાઈએ ગુજરાતને સિંચાઇ માટે જરૂરી એવો ૪૭.૨ લાખ એકર ફૂટ પાણીનો જીવંત સંગ્રહ પ્રાપ્ત થતો હતો. આમ થાય તો ગુજરાતને ફાળવાયેલ ૯૦ લાખ એકર ફૂટ પાણીમાં ૪૨.૮ લાખ એકર ફૂટની ઘટ રહે. આ ઘટ પુરવા માટે નર્મદાસાગર દ્વારા જે ૧૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન થનાર છે તે માટે છોડાતું જરૂરી પાણી ઓમકારેશ્વર અને મહેશ્વર બંધના સરોવરમાં થઈને નવાગામ બંધના સરોવરમાં નિશ્ચિત આવે અને એ રીતે ગુજરાતને પડતી ૪૨.૮ લાખ એકર ફૂટની ઘટ ભરપાઈ થઈ જાય. આમ હવે ચિત્ર સ્પષ્ટ બન્યું હશે કે મધ્યપ્રદેશમાં પુનાસા / નર્મદાસાગર / ઇન્દિરાસાગર (૮૬૦ ફૂટ) માત્ર વીજળી માટે, ત્યારબાદ ઓમકારેશ્વર (૬૬૦ ફૂટ) અને ત્યારબાદ મહેશ્વર (૫૩૪ ફૂટ) અને છેલ્લે કેવડીયા પાસે નવાગામ (૪૫૫ ફૂટ) એ રીતે ગુજરાતના પાણીની જરૂરિયાત માટે આ ચારેય બંધ ઇન્ટરલીન્ક એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે. આ કારણથી મધ્યપ્રદેશે નિયમિત નિયંત્રિત રીતે ફાળવેલો કુલ ૯૦ લાખ એકર ફૂટ પાણીનો જથ્થો પૂરો થઈ જાય. અગાઉ પણ આપણે ચર્ચી ગયા કે જો મધ્યપ્રદેશમાંથી Regulated Release એટલે કે નિયંત્રિત પાણી છોડવાની પ્રક્રિયા અમલમાં ન આવે તો ગુજરાતને ફાળવેલો ૯૦ લાખ એકર ફૂટ પાણીનો જથ્થો મેળવવા માટે નવાગામ બંધની સાથોસાથ નર્મદાસાગર (પુનાસા ૮૬૦ ફૂટ) બંધ બંધાય તો જ સમગ્ર નર્મદા યોજના નિર્ધારિત રીતે કામ આપી શકે.

નર્મદા બેઝિનનો કુલ સ્ત્રાવ વિસ્તાર ૯૭,૪૧૦ ચો.કિમી., જે પૈકી સરદાર સરોવર સુધીનો સ્ત્રાવ વિસ્તાર ૮૮,૦૦૦ ચો.કિમી., જેનો ૯૭.૫૦ ટકા વિસ્તાર મધ્યપ્રદેશમાં, ૧.૭૫ ટકા મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ફક્ત ૦.૬૮ ટકા વિસ્તાર આવેલ છે.

અત્યાર સુધી આપણે નર્મદા ઘાટીમાંથી મળનાર કુલ પાણી અને એની વહેંચણી સંબંધી વાત કરી. હવે પછીની ચર્ચા ગુજરાત જેને નર્મદા યોજના તરીકે જાણે છે તે કેવડીયા-નવાગામ ખાતેનો ૪૫૫ ફૂટ ઊંચો બંધ અને એનું સરોવર એટલે કે સરદાર સરોવર દ્વારા સંચિત થનાર જલરાશિ અને તેના ઉપયોગ માટેની જરૂરી વ્યવસ્થા અંગે ચર્ચા કરીશું.

ગુજરાતે નવાગામ જળાશયનું નામાભિધાન (સરદાર સરોવર) કર્યું અને ત્યારથી એ આ નામે જ ઓળખાય છે. સરદાર સરોવર (નર્મદા) નિગમ દ્વારા ‘Sardar Sarovar (Narmada) Project : Gujarat’s Lifeline’ શિર્ષક હેઠળ ૨૪ જુલાઇ ૨૦૧૮ના રોજ ૧૫મા નાણાંપંચને રજૂ કરવામાં આવેલ વિગતોમાંથી સરદાર સરોવર યોજનાને લગતી ભૌતિક માહિતી નીચે મુજબ છે.

(૧) સમગ્ર નદીમાં ૨૮ MAF પાણી ઉપલબ્ધ થાય, તો જ ગુજરાતને ૯ MAF પાણી મળી શકે અને ૨૮ MAF પાણી મેળવવામાં સરદાર સરોવર ડેમ છલોછલ ભરેલો હોય તો પણ તેનો ફાળો ૧૭ ટકા જેટલો જ રહે છે. આમ ૮૩ ટકા મદાર મધ્યપ્રદેશનાં વિવિધ મોટા-મધ્યમ નાના બંધોમાં પાણીના સંગ્રહ ઉપર અને બિનચોમાસુ ૮ મહિના દરમ્યાન મળતા રહેતા નદી કે ઝરણાનાં પ્રવાહ ઉપર આધાર રહે.

(૨) નર્મદા નદીની અમરકંટકથી માંડી સાગરને મળે ત્યાં સુધીની કુલ લંબાઈ : ૧૩૧૨ કિમી
ગુજરાતમાં – ૧૬૧ કિમી
મધ્યપ્રદેશમાં – ૧૦૭૭ કિમી
મહારાષ્ટ્ર – બાકીની

(૩) નર્મદાને મળતી કુલ નાની મોટી નદીઓ : ૪૧
૨૨ ડાબા કિનારે
૧૯ જમણા કિનારે

(૪) પાણીની કુલ વહેંચણી : મધ્યપ્રદેશ ૬૫.૧૮ ટકા (૧૮.૨૫ MAF)
ગુજરાત ૩૨.૧૪ ટકા (૯ MAF)
રાજસ્થાન ૧.૭૯ ટકા (૦.૫ MAF)
મહારાષ્ટ્ર ૦.૮૯ ટકા (૦.૨૫ MAF)

(૫) કુલ કેનાલ હેડ પાવર હાઉસ ૨૫૦ MW અને રિવરબેડ પાવર હાઉસ ૧૨૦૦ MW એમ ૧૪૫૦ MWની વહેંચણી
મધ્યપ્રદેશ ૫૭ ટકા (૮૨૬.૫૦ MW)
મહારાષ્ટ્ર ૨૭ ટકા (૩૯૧.૫૦ MW)
ગુજરાત ૧૬ ટકા (૨૩૨ MW)

(૬) બંધની કુલ ઊંચાઈ : ૪૫૫ ફૂટ (૧૩૮.૬૮ મીટર)
(અ) ૪૦૦ ફૂટ કોંક્રીટ બંધ (૧૨૧.૯૨ મીટર)
(બ) ૫૫ ફૂટ દરવાજા (૧૭.૨૪ મીટર)

(૭) ઊંડામાં ઊંડા પાયાથી બંધની મહત્તમ ઊંચાઈ ૧૬૩ મીટર
ભારતના મોટા બંધોમાં ઊંચાઈની દ્રષ્ટિએ સરદાર સરોવર બંધ ત્રીજા નંબરે આવે છે. સૌથી ઊંચો ભાખરા (૨૨૬ મીટર), બીજા ક્રમે ઉત્તરપ્રદેશનો લખવાર (૧૯૨ મીટર) અને ત્રીજા ક્રમે સરદાર સરોવર.

(૮) મુખ્ય કોંક્રીટ બંધની લંબાઈ : ૧૨૧૦ મીટર
બંધમાં કોંક્રીટનો જથ્થો : ૬૮ લાખ ઘનમીટર
બંધમાં વપરાયેલ કોંક્રીટના જથ્થાની દ્રષ્ટિએ સરદાર સરોવર બંધ વિશ્વમાં અમેરીકાના ગ્રાન્ડ કાઉલે બંધ (૮૦ લાખ ઘનમીટર)ની સરખામણીમાં બીજા ક્રમે આવે છે.

(૯) જળનો કુલ સંગ્રહ : ૭૭ લાખ એકર ફૂટ
જળનો જીવંત સંગ્રહ : ૪૭.૨ લાખ એકર ફૂટ
પૂર્ણ જળસંગ્રહ માટે બંધની ઊંચાઈ : ૧૩૮.૬૮ મીટર – ૪૫૫ ફૂટ
પૂર્ણ જળ સ્તર : ૧૪૦.૨૧ મીટર (૪૬૦ ફૂટ)
છલતીની ક્ષમતા : ૮૭૦૦૦ ક્યુમેક્સ (૩૦.૭૦ લાખ ક્યુસેક)

છલતીની ક્ષમતામાં નવાગામ બંધ વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. પહેલો ચીનનો ગજેનબા બંધ (૧.૩૦ લાખ ક્યુમેક્સ) અને બીજા બ્રાઝિલનો ટુકુરી બંધ (૧ લાખ ક્યુમેક્સ). સરદાર સરોવર બંધની લગભગ સાથોસાથ બંધાયેલ ચીનના થ્રી ગોર્ઝીસ બંધની છલતીની ક્ષમતા ૪૧ લાખ ક્યુસેક છે. એટલે સરદાર સરોવર હવે ચોથા નંબરે ગણાય.

(૧૦) બંધ પર ચ્યુટ સ્પિલવે માટે ૬૦ ફૂટ પહોળા અને ૬૦ ફૂટ ઊંચા, ૭ રેડિયલ ગેટ્સ અને ૬૦ ફૂટ પહોળા અને ૫૫ ફૂટ ઊંચા ૨૩ રેડિઅલ ગેટ્સ છે.

(૧૧) બંધના તળાવડાની લંબાઈ-પહોળાઈ : લંબાઈ ૨૧૪ કિમી
સરેરાશ પહોળાઈ ૧.૬ કિમી

(૧૨) કેનાલ આઉટલેટ લેવલ : ૩૦૦ ફૂટ
નર્મદા બંધની મુખ્ય કેનાલ ૩૦૦ ફૂટેથી નીકળે છે અને તેની લંબાઈ ૪૫૮ કિમી છે. આ કેનાલની ઊંડાઈ ૭.૬ મીટર અને બેડવીથ ૭૩.૧ મીટર છે. દર સેકન્ડે ૪૦૦૦૦ ક્યુબીક ફીટની વહનશક્તિ ધરાવતી આ કેનાલ વિશ્વની સૌથી મોટી લાઇન્ડ કેનાલ છે જેના ઉપર સાયફન, એક્વેડક્ટ તેમજ રેગ્યુલેટર અને બ્રિજ જેવા ૬૩૩ સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યા છે.
ગુજરાતની સરહદ બાદ આ મુખ્ય કેનાલની રાજસ્થાનમાં લંબાઈ ૭૪ કિમી છે.
આ કેનાલ પ્રતિવર્ષ ૧૧.૭ અબજ ઘનમીટર પાણીનું વહન કરે છે.

(૧૩) કુલ ૩૮ શાખા નહેરો પૈકીની સૌથી મોટી શાખા નહેર – સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ – ગામ કરણનગર તા. કડી પાસેથી નીકળે છે અને ૧૦૪ કિમી દૂર સુરેન્દ્રનગર તાલુકાના ખમીસણા ગામ સુધી પાણી પહોંચાડે છે.

(૧૪) એશિયાના સૌથી મોટા પાંચ પમ્પિંગ સ્ટેશન – ઢાંકી, લખતર, બાલા, રાજપર અને દૂધરેજ થકી કુલ ૭૧ મીટર જેટલી ઊંચાઈએ પાણીનું પમ્પિંગ કરવું પડે છે ત્યારે આ પાણી રાજકોટ સૂચિ પહોંચે છે.

(૧૫) સૌથી લાંબી શાખા નહેર – કચ્છ શાખા નહેર – કાંકરેજ તાલુકાના સલીમગઢ ગામેથી નીકળી ૩૫૭ કિમી દૂર માંડવી તાલુકાના મોડકૂબા ગામ સુધી પહોંચે છે.

(૧૬) મહી નદી ઉપર એક્વેડક્ટ એટલે કે બોક્ષમાંથી પાણી પસાર કરી બીજું બાજુ લવાય છે જે વિશ્વનું સૌથી મોટું એક્વેડક્ટ છે.

(૧૭) કચ્છ શાખા નહેર પર વિશ્વનું સૌથી લાંબુ ૨૫૫૦ મીટરનું કેનાલ સાયફન બાંધવામાં આવ્યું છે. નર્મદા મેઇન કેનાલ સાબરમતી નીચેથી સાયફન દ્વારા પાણી વહન કરે છે.

હાલ પૂરતી આટલી વિગતો પર્યાપ્ત છે. આગળ જતાં અત્યાર સુધી જે કામગીરી થઈ છે તેની ચર્ચાની ખૂટતી કડીઓ જોડી લઈશું.

(૧૮) યોજના વિરોધીઓ બીજો એક મુદ્દો નર્મદા ડેમના આયુષ્ય વિશે ચગાવતા હતા. તેમનું કહેવું એવું હતું કે ૬૦ વરસમાં તો આ બંધ પુરાઈ જશે અને નકામો થઈ જશે. જમા પદ્ધતિ, ત્રિકોણમિતી પદ્ધતિ, બાદબાકી પદ્ધતિ એમ ત્રણ ઉપલબ્ધ પદ્ધતિઓ થકી સરદાર સરોવરનું આયુષ્ય ગણતાં સૌથી ઓછી બાદબાકી પદ્ધતિથી ૨૩૩ વર્ષ, ત્યારબાદ જમા પદ્ધતિથી ૩૨૯ વર્ષ અને ત્રિકોણમિતી પદ્ધતિથી ૩૩૭ વર્ષ આવે. નર્મદા જળ વિવાદ પંચે આમ ત્રણેય પદ્ધતિથી બંધના આયુષ્યની ચકાસણી કરી. એ ૨૩૩થી ૩૩૭ વર્ષ સુધીની હોઇ શકે તેવી ગણતરી મૂકી બંધના આયુષ્ય વિશે જે કાગારોળ ચાલતી હતી તેનો છેદ ઉડાડયો છે.

(૧૯) આ ઉપરાંત નર્મદા બંધના બાંધકામ સમયે કોંક્રીટીંગ માટે જે કેબલ વે તૈયાર કરવામાં આવ્યો હતો તેની એક છેડાથી બીજા છેડા સુધીની લંબાઈ લગભગ ૧૩૦૦ મીટર જેટલી હતી. ઘણા લાંબા સમય સુધી આ કેબલ વે વિશ્વનો લાંબામાં લાંબો કેબલ વે રહ્યો. એકાદ દાયકા પૂર્વે જ ચીને આ રેકોર્ડ તોડીને માત્ર એકાદ મીટર વધુ લંબાઈનો કેબલ વે કર્યો છે.

નર્મદા યોજનામાં ગુજરાતને ૯૦ લાખ એકર ફીટ પાણી મળ્યું છે. આ પાણી ત્રણ ઉપયોગ માટે છે.
૧. ખેતી – ૮૦ લાખ એકર ફીટ
૨. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારને પીવાના પાણી માટે – ૮ લાખ એકર ફીટ
૩. ઉદ્યોગો માટે – ૨ લાખ એકર ફીટ

આ પાણીનો ઉપયોગ, વહેંચણી તેમજ અન્ય બાબતો સાથે જોડાયેલ વિગતો પણ એટલી જ રસપ્રદ છે જે જોઈશું હવે પછી.[:]