[:gj]ભાજપના નેતા સી કે પટેલના પુતળા કેમ સળગાવવામાં આવી રહ્યાં છે  ?[:]

[:gj]એન.આઈ.આર. સી કે પટેલના હોમ ટાઉન હિંમતનગરમાં તેમના પૂતળા દહન કરવામાં આવી રહ્યાં છે. પાટીદાર સમાજમાં સી કે પટેલ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમણે હાર્દિક પટેલ સામે વિવાદાસ્પદ નિવેદન કરવા પાટીદાર સમાજ તેમની સામે આવીને ઊભો છે. તેઓ મધ્યસ્થી કરવા માટે ભાજપ તરફથી વાત કરતાં અને હાર્દિક પટેલની ટીકા કરતાં આ હાલત થઈ છે. અનેક ગામોમાં તેમની સામે વિરોધ વ્યક્ત કરતા જાહેરમાં દેખાવો કરાયા હતા. મહિલાઓએ થાળી અને વાટકા વગાડ્યા હતા. સાંજે સૂતકના કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. સમગ્ર હિંમતનગર જિલ્લામાં તેમની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હિંમતનગર શહેર ઉપરાંત પ્રાંતિજ અને ઈડરમાં પણ તેમની સામે વિરોધ થયો છે. તેમને લોકો કહી રહ્યાં છે કે તેઓ પાટીદાર તરીકે નહીં પણ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યાં છે. અરવલ્લી જિલ્લામાં તો સીકે પટેલના પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું. દિલ્હી અને ગાંધીનગર જે કહે છે એટલું જ તે કરે છે. તેમને જો પાટીદારો માટે હમદર્દી હોય તો ભાજપમાંથી રાજીનામું આપીને પાસ સાથે બેસવું જોઈએ અને પછી સરકાર સાથે મધ્યસ્થી કરવી જોઈએ.

હિંમતનગરના પાટીદાર અગ્રણી ઉત્સવ પટેલ, કલ્પેશ પટેલ, રોહીત પટેલ અને ઈડરના પાસના અગ્રણી શૈલેષ પટેલે જાહેર કર્યું હતું કે, સી કે પટેલ સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી કરવા માંગે છે પરંતુ તેમને ખરેખર હમદર્દી હોય તો કેમ તે અત્યાર સુધી હાર્દિકને મળવા ગયા નથી. તેમને પાટીદાર સમાજ કરતાં ભાજપ વધારે વહાલો લાગે છે. તે સરકારી ભાષા બોલી રહ્યાં છે. તેમણે એવા ભાષા વાપરીને પાટીદાર સમાજની લાગણી દુભાવી છે. હિંમતનગરના બેરણા, ગઢોડા, હડીયોલ, દલપુર, સુરજપુરા સહિતના ગામો તથા ઈડરના અને પ્રાંતિજના ગામોમાં થાળી વેલણ વગાડવામાં આવ્યા હતા. કેટલાંક ગામોમાં સી કે પટેલનો વિરોધ વ્યક્ત કરી પુતળા દહન કરાયા હતા.

તો ભાજપ છોડીશું

હિંમતનગરના ખાંભીસર ગામના પાટીદારો માધવસિંહ સોલંકીના કારણે પહેલેથી જ ભાજપ સાથે છે. આ ગામમાંથી 300 જેટલાં પ્રતિનિધિઓએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે તમે ઉકેલ લાવો નહીંતર અમારે ભાજપનો ત્યાગ કરવો પડશે. પાટણથી ઊંઝા સુધીની પદયાત્રામાં સી કે પટેલ સામે સૂત્રો બોલાવવામાં આવ્યા હતા.

ચંદુભાઈએ શું વિવાદ ઊભો કર્યો

સી કે પટેલ (ચંદુ પટેલ)એ હાર્દિકની માગણી માટે સરકાર વચ્ચેના મધ્યસ્થી બનવાની જાતે જ વાત કરી હતી. તેમણે કહ્યું કે,  જો હાર્દિક પટેલ તમામ પાટીદાર સંસ્થાને લેખીતમાં રજૂઆત કરે તો આ શક્ય બની શકશે. તેમણે કહ્યું કે હાર્દિક પહેલા અન્ન ગ્રહણ કરે, સાથે હાર્દિક લેખીતમાં તમામ પાટીદાર સંસ્થાને સરકાર સાથે સંવાદ કરવા માટેની અરજ કરે તો તેઓ તૈયાર છે. આમ આ વિવાદથી લોકો ભડકી ઉઠ્યા છે. સૌરભ પટેલે જ્યારે હાથ ઊંચા કરી દીધા ત્યાર બાદ તુરંત સી કે પટેલ ભાજપના કહેવાથી મધ્યસ્થી બનવા સામેથી ઓફર કરીને વિવાદ ઊભો કર્યો છે. તેઓ સરકાર પર દબાણ કરવાના બદલે હાર્દિક પર દબાણ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, જો હાર્દિક પ્રેસ નોટ બહાર પાડશે તો ધાર્મિક સંસ્થાઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. સરકાર સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ શું સ્ટેન્ડ લેવું તે નક્કી કરવામાં આવશે. સરકાર સાથેની બેઠકમાં અમે પડતર મુદ્દાઓની ચર્ચા કરીશું. સમાજની ધાર્મિક સંસ્થાઓ સરકાર સાથે વાતચીતમાં પડવા માગતી નથી. સરકાર, હાર્દિક અને પાટીદાર આગેવાનો વચ્ચે કોમ્યુનિકેશનનો અભાવ છે.

સી કે પાસે કોઈ ન ગયું

સી કે પટેલે તમામ પાટીદાર એવી 6 સંસ્થાઓને બેઠક કરવા માટે અમદાવાદ સોલા ખાતે બોલાવ્યા હતા. પણ એક પણ સંસ્થા તેમની આ બેઠકમાં આવી ન હતી. આ બેઠકમાં નીચેની 6 સંસ્થાઓના 4-4 પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા, પરંતુ કોઈ કારણસર તેઓ હાજર રહી શક્યા ન હતા. 1. સીદસર ધામ, ઉમિયા માતાજી મંદિર, 2. ઊંઝા ઉમિયા માતા સંસ્થાન, 3. ખોડલધામ, કાગવડ રાજકોટ, 4. સુરત સમસ્ત પાટીદાર સમાજ, 5. સરદાર ધામ, અમદાવાદ, 6. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ (ભાજપ પ્રેરિત સંસ્થા) હતી. ત્યાર બાદ સરકાર સાથે ચર્ચા કરવા માટે પાટીદાર આગેવાનો ગયા હતા. લાલજી પટેલે પણ નિવેદન આપતા કહ્યું કે જો હાર્દિક તેના તરફથી મંજૂરી આપે તો અમે તમામ સંસ્થા આ માટે તૈયાર છીએ. વિશ્વ ઉમિયા ફાઉંડેશનનો પ્રોજેક્ટ જાહેર કર્યો ત્યારે તેમણે માત્ર પોતાના ભાજપ પક્ષના જ નેતાઓને આમંત્રણ આપ્યું હતું. બીજા કોઈ પક્ષના નેતાઓને બોલાવ્યા ન હતા ત્યારે પણ તેમની સામે પાટીદાર સમાજમાંથી ભારે વિરોધ થયો હતો.

સી.કે પટેલ ભાજપના દલાલ – પાસ

પાસના નેતા મનોજ પનારાએ ભાજપ સહિત સી. કે. પટેલ પર પ્રહારો કર્યા હતા. સી.કે.પટેલ સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ – પાસના  કોઈ પણ પ્રતિનિધિ સાથે રૂબરૂ કે ટેલિફોનિક કોઈ પણ પ્રકારની વાતચીત થઈ નથી. જે લોકોએ તેમની સાથે વાતચીત કરી છે તે લોકો પાસના પ્રતિનિધિઓ નથી. સી.કે.પટેલ ભાજપના એજન્ટ બનીને દેવામાફી તેમજ પાટીદારને આંદોલન મુદ્દે વિલનની ભૂમિકા નિભાવી રહ્યા હોવાની અમને આશંકા છે. હાર્દિકને મળેલા પ્રતિસાદ પર ઠંડુ પાણી રેડવાના પ્રયાસ થઈ રહ્યો છે. ખરેખર સરકાર સાથે વાતચીત થઈ હોય તો તેઓ આજ સાંજ સુધી આવીને હાર્દિક સાથે વાતચીત કરે. સરકાર બોલાવશે તો અમે સામેથી પણ જઈશુ. ભૂતકાળમાં પણ સરકારે બોલાવ્યા છે ત્યારે અમે ગયા છીએ. હવે લોલીપોપ આપવાની કે મેલી મુરાદ નહીં ચાલે. અમે છેતરાશું નહીં.

કોણ છે સી કે – ચંદુ પટેલ

એક સમયે સૌથી ધનવાન નેતા, NRI વ્યાપારી ચંદુ. કે. પટેલ (સીકે પટેલ) તેઓ દરેક રાજકીય પક્ષને મોટું ફંડ આપતા આવ્યા છે. તેઓ રાજકીય મહત્વકાંક્ષા ધરાવે છે. અમદાવાદ અને ગાંધીનગર આસપાસ તેમની અબજો રૂપિયાની સી કે પટેલ ફાર્મ નામની અનેક જમીનો આવેલી છે. મલ્ટી મિલિયોનેર સીકે પટેલની અમેરિકામાં મોટાપાયે પ્રોપર્ટી છે, જેમાં દાના પોઈન્ટના હિલ્ટન હોટલ રિસોર્ટ તેમજ કેલિફોર્નિયામાં ગુજરાતી સમાજના કમ્યુનીટી હોલનો પણ સમાવેશ થાય છે. તેઓ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન – અમેરિકન એસોસીએશનના પ્રમુખ રહ્યાં હતા. હાલમાં અમદાવાદમાં ભાજપ પ્રેરિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંયોજક સીકે પટેલ NRI ગુજરાતી તરીકે ઓળખાય છે. તેમનો બંગલો સાબરમતી રિવરફ્રંટ પર શાહીબાગ જેવા અતિ વૈભવી વિસ્તારમાં રાજસ્થાની કલા આધારિત બનેલો છે.

સી કે કોંગ્રેસમાં હતા અને ભાજપમાં પક્ષપલટો કર્યો

ચિમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી સાથે બિન નિવાસી ભારતીય તરીકે, હોટેલીર તથા વેપારી તરીકે અને પછી રાજકીય વ્યક્તિ તરીકે 2007 સુધી કોંગ્રાસના તમામ ટોચના નેતાઓ સાથે સંબંધ રહ્યા હતા. કોંગ્રેસમાં હિંમતનગરથી 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 8700 મતોથી હારી ગયા હતા. કોંગ્રેસમાં જીતી શકાશે નહીં એવું લાગતાં તેઓ મોદીની મદદ લઈને 22 ઓક્ટોબર 2008થી પક્ષપલટો કરીને તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ પુરૂસોત્તમ રૂપાલાની હાજરીમાં મોડાસા ખાતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

સાબરકાંઠાની હિંમતનગર વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેઓ ગુજરાતના તમામ 1700 ઉમેદવારોમાં સૌથી ધનિક ઉમેદવાર ચૂંટણી પંચે જાહેર કર્યા હતા. તેમની સંપત્તિ જે તે સમયે રૂ.221 કરોડ રૂપિયા જેટલી નોંધાઈ હતી. NRI હોવાના કારણે તેમણે ચૂંટણીમાં સ્લોગન રાખ્યું હતું ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’.

ભાજપ તરફી પાટીદાર સંસ્થાનો ઉપયોગ શરૂ કર્યો

ગુજરાતની વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીના છેલ્લાં દિવસોમાં પોતે કહે તેમ કરે એવા પાટીદાર લોકોને બોલાવીને તેમની હાજરીમાં સી કે પટેલે પત્રકાર પરિષદ બોલાવીને હાર્દિક પટેલ પર કોંગ્રેસ સાથે સાંઠગાંઠના આક્ષેપો કર્યા હતા. તેમણે શું કરવું તે દિલ્હીથી રોજ સૂચનાઓ આપવામાં આવતી હતી. આજે પણ તેઓ ભાજપમાં છે. વિદેશમાં ભાજપના નેતાઓના કાર્યક્રમો ગઠવવામાં મદદ કરે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદએ પ્રાઇવેટ ટ્રસ્ટ છે. જે ભાજપના લોકોએ જ દિલ્હીની સૂચનાથી બનાવ્યું છે. આ ટ્રસ્ટ સાથે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને કોઈ લેવા દેવા નથી એવી સ્પષ્ટતા ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ સ્વ. વિક્રમભાઈ ધનજીભાઈ પટેલ (દાદા) તરફથી કરવામાં આવી હતી. તેનો સીધો મતલબ એ થયો કે ઉમિયા સંસ્થાઓ તેમની સાથે નથી.

ભાજપમાંથી લોકસભા લડશે

હિંમતનગરમાં તેઓ ભાજપમાંથી લોકસભાની ટિકિટ મેળવવા માદે દાવેદારી કરવાના છે. તે સમયે જ તેઓ વિવાદમાં ફસાયા છે. 2007ની વિધાનસભાની હિંમતનગર બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને હાર્યા હતા અને પછી ભાજપમાં ટિકિટ મેળવવા માટે પક્ષપલટો કર્યો હતો. ત્યાં પણ ચૂંટણી હાર્યા છે.  હવે તેઓ લોસભાની બેઠક પર ચૂંટણી લડવાના છે. ગઈ વિધાનસભા માટે ટિકિટ માંગી હતી પણ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી.

હર્દિક પટેલે સી કે પટેલને પડકાર્યા

1 નવેમ્બર 2017માં પાટીદાર અનામત આંદોલનકારીઓ ફર્જી છે એવું નિવેદન કરનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સભ્ય અને ભાજપના નેતા સી.કે.પટેલ, આર.પી.પટેલે કરતાં તેની વિરુદ્ધમાં રોષ ફાટી નિકળ્યો હતો. આ સંદર્ભે હાર્દિક પટેલે કહ્યું હતું કે ચૂંટણી સમયે આવા તો અનેક લોકો હજુ આવવાના છે. તેના તરફ બહુ ધ્યાન રાખવું ન જોઈએ. સમાજનો તમામ વર્ગ આ આંદોલનની સાથે છે. આપના જેવા કેટલાક NRI વ્યક્તિગત લાભાર્થીઓ (ધંધાકીય) લોકો વર્તમાન સરકારની વાહવાહી કરવામાંથી નવરા નથી પડતા. ભાજપમાંથી ચૂંટણી લડી ચૂકેલા સી. કે. પટેલ અગાઉ ખરાબ રીતે ચૂંટણી હાર્યા હતા. અબજો પતિ સી. કે. પટેલને અનામતની જરૂર નથી. પણ ગરીબ પાટીદારોને જરુ છે. બીજું આપને એવું લાગે કે સમાજ તમારી સાથે છે તો તમારી વ્યક્તિગત પ્રતિષ્ઠાથી એક જાહેરસભા બોલાવો (સંસ્થા કે પક્ષના નામે નહીં) એટલે દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, એવું હાર્દિક પટેલે તે સમયે કહ્યું હતું.

પાટીદાર વોટ બેંક કબજે કરવા ભાજપની કુટનીતિ

ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. તેથી એક હજાર કરોડના ખર્ચના પ્રોજેક્ટ સાથે વિશ્વ ઉમિયા ફઉંડેશન ઊભું કર્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ કે જ્ઞાતિ પ્રમાણે મતો મેળવવા તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર કબજો જમાવવા અને જ્ઞાતિ આધારિત નવી સંસ્થાઓ ઊભી કરવાની રાજકીય નીતિ બનાવી છે. જેમાં અગાઉ અનેક જ્ઞાતિઓ સાથે આ રીતે મતોનું ધ્રુવીકરણ કર્યા બાદ હવે ઓપરેશન પાટીદાર હાથ ધર્યું છે. પહેલાં અમદાવાદ અને હવે ઊંઝા તથા સીદસરમાં આ રીતે ભાજપે પોતાની કડવા પાટીદાર મત બેંક ઊભી કરવા માટે રાજનીતિ બનાવતાં સમાજના લોકોમાં આ બાબત ટીકા પાત્ર બની છે. ભાજપ એવું માનવા લાગ્યો છે કે, હાર્દિક પટેલ ફરી એક વખત ગુજરાતમાં ભાજપને ભારે પડી રહ્યો છે, ત્યારે તેનું પ્રભુત્વ ઘટાડવા અને પાટીદારોની સંસ્થાઓ પર કબજો જમાવવા આ પ્રયાસ છે. ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા ભાજપ સાથે સારી રીતે જોડાયેલા છે. ભાજપના આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પણ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. સરકારના કાબુમાં હોય એવા અધિકારીઓ પણ સીદસર મંદિરના ટ્રસ્ટી છે. આમ ઊંઝા, સીદસર અને વિશ્વ ઉમિયા ફાઉંડેશન પર હવે ભાજપનો સંપૂર્ણ કબજો આવી ગયો છે. સીદસર મંદિરમાં મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન પુજા કરવા માટે હમણાં જ ગયા હતા. તો વળી ઊંઝામાં રૂ.8.5 કરોડના ખર્ચે ઉમિયાધામનું ખાતમુહૂર્ત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજકોટની કાગવડ સંસ્થા પર ભાજપના સાંસદ અને ભાજપ સરકારના પ્રધાનની પકડ છે. તે પણ સરકારને મદદ કરતી આવી છે. આમ પાટીદારોની ધાર્મિક સંસ્થાઓ હવે ધાર્મિક રહી નથી. તે રાજકીય બની ગઈ છે. અને ભાજપે તેમના પર કબજો જમાવી દીધો છે. જે હવે મત બેંક તરીકે ઉપયોગ શરૂ કર્યો છે. લોકો એવું કહી રહ્યાં છે કે ભાજપે આ સંસ્થાઓનો ઉપયોગ જ કર્યો છે પણ મદદ શું કરી? પાટીદાર યુવાનો બેકાર છે, અનેક જેલમાં છે તેમને શું મદદ કરી? આ પ્રશ્નનો જવાબ ભાજપના એક પણ પાટીદાર નેતાઓ આપી શકતા નથી.

તેથી તો સી કે પટેલના પૂતળાઓનું દહન થઈ રહ્યું છે. ધાર્મિક સંસ્થાઓ જ્યારે રાજકારણીઓન હાથમાં આવે ત્યારે તે રાજકીય અખાડો બની જતી હોય છે. તેમણે રાજકારણથી દૂર રહેવું જોઈએ એવું સમાજનો મોટો વર્ગ માની રહ્યો છે.[:]