[:gj]મોટર વ્હિકલ નિયમો મુજબ ગુજરાત સરકારના ૨.૫ કરોડ વાહનો ગેરકાયદેસર[:]

[:gj]અમિત કાઉપર

ગાંધીનગર,તા.25

વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના ૨.૫ કરોડથી વધુના વાહનો ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્ષોથી ગેરકાયદે વાહનો ચલાવી રહ્યાં છે.

કોઈ લખાણ લખી ન શકાય

૧૯૮૯ના રૂલ્સ મુજબ કોઈપણ વાહન ઉપર (ખાનગી ટ્રાન્સપોર્ટના વાહનોના ખાસ કિસ્સાઓ સિવાય) વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સીવાય કોઇપણ લખાણ રાખી શકાય નહીં. આમ છતાં દરેક સરકારી વાહનો પર બિનઅધિકૃત રીતે ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ એ પ્રકારના લખાણ જોવા મળે છે. ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ સરકારના જે ૨.૫૬ કરોડ વાહનો રસ્તા પર ફરી રહ્યા છે તે તમામ વાહનો નિયમોની વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે ફરી રહ્યા છે.

અધિકારીને દંડ કોણ કરશે

જે રીતે મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯નુ સખ્તાઈથી સામાન્ય માણસ સામે અમલ કરવામાં આવી રહ્યો છે તે રીતે સરકાર પોતે ભૂલ કબૂલીને જે તે અધિકારીને દંડ કરે એવી લોકોની માંગણી છે. પહેલા તો પોતે વધારે ચોક્કસાઈ અને સખ્તાઈથી નિયમો પાળવા પડે, પરંતુ પાળતી નથી.

વાહનવ્યવહાર કમિશ્નર રાજેશ માંજુ મૌન

વર્ષોથી થતાં આ નિયમોનાં ભંગ બદલ સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ અને વાહનો સામે શું કાર્યવાહી કરવામાં આવી, શું આવી ગુન્હાહિત પ્રવૃત્તિઓ સરકારના ધ્યાને નથી આવતી, કોઈ નિયમનો ભંગ નથી દેખાઈ રહ્યો તેવાં પ્રશ્નો જ્યારે રાજ્યના વાહન કમિશ્નર રાજેશ માંજુને “જનસત્તા” દ્વારા પુછવામાં આવ્યા ત્યારે તેઓ અસ્વસ્થ થતાં માત્ર એટલું બોલ્યા કે અમે તપાસ કરાવીશું. પરંતુ તમારી નજર સામે જે નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે નથી દેખાતો ત્યારે તેઓ નિરુત્તર રહ્યા હતા. ટ્રાફિકના આ નિયમ ભંગ બદલ અને અન્ય નિયમોનાં ભંગ બદલ કેટલા સરકારી વાહનોને જપ્ત કરવામાં આવ્યા? કેટલા વાહનો અને તેના માલિકો સામે શું પગલાં ભરવામાં આવ્યા તે પ્રશ્નના જવાબમાં તેમણે એમ જણાવ્યું કે એ તો અત્યારે અમે નહીં આપી શકીએ પણ થોડો સમય લાગશે.

ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ નિયમ ૧૨૫

ગુજરાત મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯નો નિયમ ૧૨૫ સ્પષ્ટ જણાશે છે કે વાહન ઉપર વાહનના રજીસ્ટ્રેશન નંબર (નંબર પ્લેટ) સીવાય કોઇપણ લખાણ લખી શકાય નહીં. આ કાયદો કેન્દ્ર સરકારના મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ ઉપર જ રચવામાં આવ્યો છે. જનસત્તા દ્વારા એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી અને સરકારમાંથી ખાતરી કરવામાં આવી હતી કે આ જોગવાઇઓમાં કોઈ સુધારો તો કરવામાં આવ્યો નથી.

વિધાનસભામાં નનૈયો

૩૧મી માર્ચ ૨૦૧૬ના રોજ જામનગર ગ્રામ્યના તે વખતે કોંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા વાહન વ્યવહાર મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે નવા સચિવાલયમાં તેમજ જુના સચિવાલય (ડો. જીવરાજ મહેતા ભવન) સંકુલોમાં ગેરકાયદેસર રીતે લખાયેલા ‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ શબ્દ વાળા કેટલાં સરકારી વાહનો છેલ્લા બે વર્ષમાં સરકારના ધ્યાને આવ્યાં છે? તેમજ આ વાહનો કયા કયા વિભાગના છે અને નિયમોનાં ભંગ બદલ જવાબદારો સામે શું પગલાં લેવામાં આવ્યાં છે? તેમજ ઉક્ત લખાણો દૂર કરવામાં આવ્યાં છે કે નહીં. જેના જવાબમાં તે વખતના વાહન વ્યવહાર મંત્રી અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આવું કોઈ વાહન સરકારના ધ્યાને આવ્યું નથી અને આથી પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

હોદ્દો દર્શાવતા અધિકારીઓ

ઘણા સરકારી અધિકારીઓ પોતાની (સરકારે આપેલી અને ખાનગી) ગાડી પર ડીઈઓ, ટીડીઓ , ફલાણાં કમિટીના ચેરપર્સન વગેરે પોતાના હોદ્દા દર્શાવીને જે પ્રજાના નાણાં વડે તેમનો પગાર થઈ રહ્યો છે તે જ સરકારી કાયદાનો ભંગ કરીને પ્રજા ઉપર રોફ જમાવી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનુંસાર આવા હોદ્દા વાહનો ઉપર દર્શાવી શકાય નહીં.

પ્રજાને રૂ.5 હજાર કરોડનો દંડ

રાજય સરકારે આરટીઓ કચેરીઓને 5100 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક આપવામા આવ્યો હતો. ગયા વર્ષે સરકારે 4500 કરોડનો લક્ષ્યંક આપ્યો હતો. તેમાં ટ્રાફિકનો દંડ જ નહીં ચેકપોસ્ટ અને અન્ય ટેક્સ પૈકી લાઇસન્સ ફી તેજમ રજિસ્ટ્રેશન ફીનો પણ સમાવેશ થાય છે.

પ્રજા પરેશાન

કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯મા સુધારો કરીને દંડની રકમમાં અનેકગણો વધારો કર્યો છે જેનાથી આમ આદમીની કમર ભાંગી ગઈ છે. આકરા દંડની જોગવાઈ સામે લાચારી અનુભવતા નાગરિકો અત્યારે પારાવાર મુશ્કેલીઓ વેઠવા છતાં પણ આ નિયમોનાં અમલ માટે સજાગ થઈને આરટીઓ કચેરી આગળ કતારોમાં પોતાના કિંમતી સમય અને નાણાં ખર્ચી રહ્યા છે. પ્રજામાં આક્રોશ સાથે સવાલ એ ઉભો થયો છે કે વર્ષોથી થતાં આ નિયમોનાં ભંગ સામે શું કાર્યવાહી થશે. ટ્રાફિકના નિયમોની બધીજ જોગવાઈઓનો અમલ થઇ રહ્યો છે, જેવા અતિ ગંભીર પ્રશ્નો પ્રજાને સતાવી રહ્યા છે ત્યારે ભાજપની સંવેદનશીલ સરકાર શું આ બાબતે કોઈ કાર્યવાહી કરશે તે યક્ષ પ્રશ્ન છે.

 [:]