[:gj]”વિચારની વસાહતો” નામનું ઓડિયો પુસ્તક ભદ્રાયુ વછરાજાનીએ બહાર પાડ્યું [:]

[:gj]સાંભળો આ પુસ્તક “વિચારની વસાહતો”

જો શબ્દો-વિચારોને વાવેતર ગણવામાં આવે તો જગત અને જીવન એ મબલખ પાક લણવાની સાધના બની જાય છે. માણસનું અંતિમઅને નિરપેક્ષ મૂલ્ય તેની બધી સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ ગુમાવી દે પછી તેની પાસે જે વધે છે તેન આધારે અંકાય છે.

જન્મયા છીએ તો જીવીશું, જીવીશું તો જીવંત રહેવા મથીશું. જીવંત રહેવા હરીશું, ફરીશું, ખાઈશું, વાંચીશું, નાચીશું, કૂદીશું, બાંધીશુ, છોડીશું, બકબક કરીશું, મૌન ધરીશું, જતું કરીશું, ગાંઠે વળગાડીશું, જણીશું, ઉધામા કરીશું, ડહાપણ છાંટીશું, અહમ કરીશું, હસીશું, રડીશું, ઊઠીશું અને છેલ્લે…છેલ્લે પથારીમાં પડીશું… કાયમી મૌન ધરીશું. આવ્યા તેનો આનંદ અને જતા રહ્યા તેનો પરમ આનંદ !!

પુષ્કળ વાંચવું, અસીમ વિહરવું, નિજાનંદમાં મસ્તીથી જીવવું મારો જીવનમાર્ગ છે. મળે તેને મળવું, કહે તેને સાંભળવું, પૂછે તેને કહેવું, સંગાથ કરે તેની સાથે ચાલવું મને ગમે છે. હાથવગું જે હોય તે હૈયાવગું લાગે તો વાંચવું – ફરી ફરીને વાંચવું – માર્કર મારીને તેને સંગ્રહવું – ઉચિતલાગે તેનું ત્યાં ટાંચણ કરવું… આમ ચાલે છે મારી વિચારયાત્રા. કોઈ જમવાનું ન આપે તો ચાલે, પણ કોઈ વાંચવા-લખવાનું ઝૂંટવી લે તો જીવવું ભારેપડે તેવો સ્વભાવ બંધાઈ ગયો છે. ઉત્તમ, ઉત્કૃષ્ટ વિચાર ધૂપસળીનો ભાઈ થાય છે એટલે તે પણ સુવાસની જેમ ફેલાતો જ રહે છે. આ સુવાસવિશ્રાંતિનું સ્થાનક છે.

જે વાંચ્યું, જે નોંધ્યું, જે ક્યાંકથી ટાંચયું તેને સંકલિત કરી એક વિચારપીઠીકા સાથે મૂક્યું. બસ, એમાંથી સર્જાયેલ નાનો સંગ્રહ તે : વિચારની વસાહતો. ક્યાંક પ્રાણ ભાળ્યો, ક્યાંક ચેતના પ્રમાણી, ક્યાંક ચમકારો જોયો અને તેમાંથી સર્જી આ વિચારની વસાહતો. અહીં જે છે તે મારુંસર્જન છે એવો મારો દાવો નથી. જોઈ પણ ન શકે, કારણ આ વિચારની વસાહતો છે, અહીં વિચારો દૂર-સુદૂરથી આવીને વસ્યા છે. હા, એ શ્વસતાવિચારોને વસાહતમાં મેં આવકાર્યા છે અને વ્હાલથી ઊંચકી અહીં પ્રસ્થાપ્યા છે. મને એવું થાય છે કે આ વિચારોની વસાહતો જેવી જ માનવીયવસાહતો વધુ ને વધુ નિર્માણ પામે અને ધીમે ધીમે સમગ્ર પૃથ્વી માત્ર ને માત્ર વિચારની ધરી પર ફરવા લાગે.

કાન દઈને નહીં, હૈયું દઈને સાંભળીએ
ખુલ્લી આંખે નહીં, આંખ બંધ કરીને માણીએ
સાંભળીએ ત્યારે સ્થિર પણ પછીથી નાચી ઊઠીએ…
“વિચારોની વસાહતો” માં થોડું શ્વસી જવા ને કાયમ વસી જવા આમંત્રણ છે…
‘વિચારની વસાહતો’ માં સર્વેનું સ્વાગત આ પ્રાર્થનાથી કરું છું.
ભદ્રાયુ વછરાજાની
Mo : 9898920333
Email : bhadrayu2@gmail.com[:]