વિકાસ જ્વેલર્સના 3 કિલો સોનાની અમદાવાદના નિકોલમાં દીલધડક લૂંટ

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિર પાસેથી 31 જાન્યુઆરી 2020એ સીજી રોડ પર આવેલા વિકાસ ગોલ્ડના વેપારી નિકોલ સોનાના વેપાર માટે આવ્યા હતા ત્યારે લૂંટારાઓએ અંદાજે રૂ.1.20 કરોડની કિંમતના ત્રણ કિલો સોનાની ધોળા દિવસે બપોર બાદ લૂંટ ચલાવી હતી.

નિકોલ પોલીસ સહિત શહેર પોલીસે લૂંટારાઓને પકડવા નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોનું ચેકીંગ કરી લૂંટારાઓને પકડી પાડવાના પ્રયાસો તેજ કર્યા છે. પોલીસે ઘટનાના સીસીટીવી ફુટેજ સહિતની કડીઓ અને પુરાવાના આધારે પણ સમગ્ર પ્રકરણમાં તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે આજે બપોર બાદ ધોળે દિવસે લૂટારૂઓએ એક જ્વેલર્સને લૂંટી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્વેલર્સ વેપારી સોનું ભરેલી બેગ લઈ નિકોલ ગામ બહાર આવેલા ખોડીયાર માતાના મંદિર નજીકની પસાર થઈ રહ્યા હતા તે સમયે લૂંટારૂ ટોળકીએ તેમને આંતરી હાથમાં રહેલી બેગ છીનવી રફૂચક્કર થઈ ગયા છે.

સોનું ભરેલી બેગમાંથી ત્રણ કિલો સોનું લૂંટાયુ હોવાથી પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ મામલે વેપારીએ પોલીસને જણાવ્યા અનુસાર, પોતાની કારમાં સોનું ભરેલી બેગ લઈ અહીં એક વેપારીને જ્વેલરીની ડિઝાઈન બતાવવા આવ્યા હતા.

ગાડીની ડેકી ખોલી બેગ કાઢી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ચીલ ઝડપે તેમના હાથમાં બેગ છીનવી લીધી અને ભાગી ગયા હતા.