[:gj]મોદી અમેરિકામાં, ભારતમાં યુદ્ધ વિમાનોના એન્જિનનું ઉત્પાદન કરવાનો સોદો[:]

[:gj]ભારતના મોદીએ કહ્યું, અમેરિકા સાથે અભૂતપૂર્વ વિશ્વાસ છે

વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાત પહેલાં WSJને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો કરવાનું આહ્વાન કર્યું

નવી દિલ્હી — ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધો પહેલાં કરતા વધુ મજબૂત અને ઊંડા છે કારણ કે ભૌગોલિક રાજકીય ઉથલપાથલની ક્ષણે વૈશ્વિક મંચ પર ભારત જે મુકામને પોતાના યોગ્ય સ્થાન તરીકે જુએ છે તે મેળવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

મોદીએ હોદ્દો સંભાળ્યાના નવ વર્ષ પછી વોશિંગ્ટનની તેમની પ્રથમ સત્તાવાર રાજદ્વારી મુલાકાત પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારતના નેતાઓ વચ્ચે “અભૂતપૂર્વ વિશ્વાસ” છે. તેમણે બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રમાં વધી રહેલા સહકારને “અમારી ભાગીદારીનો મહત્વનો આધારસ્તંભ” ગણાવ્યો હતો, જે તેમના કહેવા પ્રમાણે વેપાર, ટેકનોલોજી અને ઉર્જા સુધી વિસ્તરણ પામેલો છે.

વોશિંગ્ટનમાં આ અઠવાડિયે, મોદી અદ્યતન હળવા યુદ્ધ વિમાનો (લાઇટ કોમ્બેટ વિમાનો)ને તાકાત પૂરી પાડવા માટે ભારતમાં જ જેટ-ફાઇટરના એન્જિનનું ઉત્પાદન કરવાનો સોદો પૂર્ણ કરે તેવી અપેક્ષા છે તેમજ હિન્દ મહાસાગર અને હિમાલયમાં ચીન સાથેની તેની વિવાદિત સરહદની નજીક સર્વેલન્સમાં વધારો કરવા માટે ઉચ્ચ ઊંચાઇવાળા સશસ્ત્ર પ્રિડેટર ડ્રોન ખરીદવા માટે યુ.એસ. સાથે અબજો ડૉલરનો કરાર કરે તેવી અપેક્ષા છે.

પશ્ચિમના દેશો મોસ્કો સાથેના સંબંધોમાં તેમની સામે પડ્યા છે અને ચીન સામે પણ આવી જ સ્થિતિ જેમ જેમ વધી રહી છે, તેમ નવી દિલ્હીને ફાયદો થવાનો છે. બેઇજિંગ સામે વ્યૂહાત્મક રીતે ભારતનું વજન વધશે તેવી આશા સાથે વોશિંગ્ટને ભારત સાથેના સંબંધોમાં નીકટતા વધારી છે. રશિયાનું યુક્રેન સામે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે નવી દિલ્હી દ્વારા મોસ્કો પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે મોટાપાયે કરવામાં આવેલી ઓઇલની ખરીદીથી મોસ્કોને આર્થિક સહાય મળવાની હોવા છતાં યુ.એસ. સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે આગળ વધ્યું છે.

મોદી ઘણાં સંબોધનો આપે છે પરંતુ પત્રકાર પરિષદો અને ઇન્ટરવ્યુમાં બહુ ઓછા જોવા મળે છે, તેમણે નવી દિલ્હી ખાતે હાર્દસમા વિસ્તારમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાને લગભગ એક કલાક સુધી વૉલ સ્ટ્રીટ જર્નલ સાથે કરેલી વાતચીત દરમિયાન ભારતની વિદેશ નીતિ, વધુ આધુનિક અને ટકાઉક્ષમ અર્થતંત્રનું નિર્માણ કરવા માટેના ભારતના પ્રયાસો અને બીજા સંખ્યાબંધ વિષયો પર ચર્ચા કરી હતી.

એકંદરે મોદીનો સંદેશો એવો હતો કે, વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાથી માંડીને વૈશ્વિક અર્થતંત્રમાં તેના યોગદાન સુધીના વ્યાપમાં હવે દેશનો સમય આવ્યો છે. તેમણે વિકાસશીલ દેશોની લાંબા સમયથી ઉપેક્ષિત આકાંક્ષાઓનો અવાજ ઉઠાવવા માટે નવી દિલ્હી સમર્થ હોવાનું કહીને ગ્લોબલ સાઉથના સહજ અગ્રણી તરીકે તેને દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

પીળો ઝભ્ભો અને આછા કથ્થઇ રંગની કોટી પહેરેલા મોદીએ જણાવ્યું હતું કે, “ભારત વધુ ઊંચી, ઘેરી અને વ્યાપક પ્રોફાઇલ અને ભૂમિકા માટે પાત્ર છે.” તેમના નિવાસસ્થાના પ્રાંગણમાં બહાર બગીચામાં મોર ટહૂકા કરી રહ્યાં હતાં.

72 વર્ષીય નેતાએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વધુને વધુ બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા માટે અનુકૂલન સાધવા અને આબોહવા પરિવર્તનથી માંડીને દેવામાં ઘટાડાના પરિણામો સુધીની બાબતોમાં વિશ્વના ઓછા સમૃદ્ધ દેશો અને તેમની પ્રાથમિકતાઓના વધુ વ્યાપક પ્રતિનિધિ બનવા માટે તેમને આહ્વાન કર્યું હતું.

શીતયુદ્ધના શરૂઆતના વર્ષોમાં ભારતના નેતા જવાહરલાલ નેહરુની બિનસંરેખિત દૂરંદેશીથી વિપરીત, મોદીની વિદેશ નીતિ બહુવિધ સંરેખણ પૈકી એક છે, જે એકબીજા સાથે સંઘર્ષમાં જોડાયેલા હોય તેમના સહિત, સંખ્યાબંધ વૈશ્વિક શક્તિઓ સાથે ભાગીદારીમાં ભારતના હિતોને એવી રીતે આગળ વધારવા માંગે છે.
મોદી, ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રીઓ પૈકી એક છે. તેઓ અને તેમના ભારતીય જનતા પક્ષે 2014 અને 2019માં યોજાયેલી દેશવ્યાપી ચૂંટણીમાં નોંધનીય માર્જિન સાથે વિજય મેળવ્યો હતો. આવતા વર્ષે રાષ્ટ્રીય ચૂંટણી આવી રહી છે ત્યારે, મોદીને માન્યતાનું રેટિંગ ઊંચું જોવા મળી રહ્યું છે.

રાજકીય વિરોધીઓ અને માનવાધિકારના હિમાયતીઓએ પ્રેસ પરના નિયંત્રણો અને ભારત દ્વારા પ્રશાસિત કાશ્મીરના વિશેષ દરજ્જાને દૂર કરવા અને મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રદેશને દેશમાં એકીકૃત કરવા જેવા મુદ્દાઓને ટાંકીને આક્ષેપ કર્યો છે કે, મોદીનો પક્ષ, કે જેના મૂળ હિન્દુત્વ સાથે જોડાયેલા છે, તે ધાર્મિક ધ્રૂવીકરણને આગળ ધપાવે છે અને લોકશાહીને પાછળ ધકેલે છે.

મોદીએ કહ્યું હતું કે, ભારત તેની વિવિધતાને માત્ર સહન નથી કરતું પરંતુ તેની ઉજવણી પણ કરે છે.

તેમણે આપેલા નિવેદનમાં કહ્યું હતુ કે, “હજારો વર્ષથી, ભારત એવી ભૂમિ રહ્યું છે જ્યાં તમામ ધર્મો અને માન્યતાઓના લોકોને શાંતિપૂર્ણ અને સમૃદ્ધિ સાથે રહેવાની સ્વતંત્રતા મળી છે.” તેમણે કહ્યું હતું કે, “તમને દુનિયાના દરેક ધર્મના લોકો ભારતમાં સૂમેળપૂર્વક રહેતા જોવા મળશે.”

આર્થિક મોરચે, દેશમાંથી અમલદારશાહીને દૂર કરવા, નિયમો હળવા કરવા તેમજ વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણનો માર્ગ મોકળો કરવા બદલ ચારેબાજુથી મોદીએ પ્રશંસા મેળવી છે. દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ભારતે ચીનને પાછળ ધકેલી દીધું છે. તેનાથી આગળની વાત એ છે કે, તેની વસ્તી યુવાન છે, જે નોંધપાત્ર વસ્તી વિષયક લાભાંશનું વચન આપે છે.

સરકાર દ્વારા શિક્ષણ અને માળખાકીય સુવિધાઓના વિકાસમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં રોકાણ કરવામાં આવ્યું છે અને ભૌગોલિક રાજકીય તણાવના યુગમાં દેશે વિનિર્માણ અને પુરવઠા શૃંખલામાં વૈવિધ્યીકરણ લાવવા માંગતી બહુરાષ્ટ્રીય કંપનીઓનું ધ્યાન ખેંચ્યું છે.

દક્ષિણી ભારતમાં નોધપાત્ર પ્રમાણમાં નવું રોકાણ કરી રહેલી કંપનીઓમાંથી એક એપલ પણ છે તેમજ કર્ણાટક અને તેલંગાણમાં ફોક્સકોન ટેકનલોજી ગ્રુપ તેમની નવી સુવિધાઓ ઉભી કરવાનું આયોજન કરી રહ્યું છે જ્યારે તમિલનાડુમાં આઇફોનનું ઉત્પાદન વધારવા માટે પણ આયોજન ચાલી રહ્યું છે.

મોદીએ કહ્યું હતું “હું સ્પષ્ટ કરવા માંગુ છુ કે ભારત કોઇ દેશનું સ્થાન લઇ લેતું હોય તેવી રીતે અમે તેને નથી જોતા. અમે આ પ્રક્રિયાને ભારત વિશ્વમાં તેનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી રહ્યું હોય તેવી રીતે જોઇ રહ્યા છીએ.” તેમણે કહ્યું હતું કે, “આજનું વિશ્વ પહેલાં કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલું અને પારસ્પરિક રીતે નિર્ભર છે. સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા માટે, પુરવઠા શૃંખલાઓમાં વધુ વિવિધતા હોવી જરૂરી છે.”

ભારત અને યુ.એસ. વચ્ચે એક સામ્ય વાત એ છે કે, તાજેતરના વર્ષોમાં ચીન સાથેના સંબંધો વધુને વધુ અરુચિભર્યા બન્યા છે, તેમાં સૈન્ય અને આર્થિક હરીફાઇ વધુ ઘેરી થઇ છે. બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલ્યા આવતા વિવાદને કારણે બંને દેશોને અલગ પાડતી 2,000 માઇલની સરહદ, જેને વાસ્તવિક નિયંત્રણ રેખા તરીકે ઓળખવામાં આવે છે, તેની આસપાસમાં વધી રહેલા તણાવના કારણે બેઇજિંગ સાથે વધી રહેલા તણાવના કારણે, ભારત માટે, તે પડકાર તેના ઘરઆંગણે છે. હિમાલયમાં 2020માં બંને વચ્ચે થયેલી ઘાતક અથડામણ પછી બંને દેશો આ ક્ષેત્રમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યા છે અને વધુ સૈનિકો તૈનાત કરી રહ્યા છે.

ભારતીય અધિકારીઓએ સરહદ સંબંધિત કરારોના ઉલ્લંઘન બદલ ચીનને દોષી ઠેરવ્યું છે અને વિવાદને વધુ વ્યાપક સંઘર્ષમાં જતો અટકાવવાના ઉદ્દેશ સાથે બંને દેશો વચ્ચે 2020થી અત્યાર સુધીમાં 18 વખત સૈન્ય વાટાઘાટો કરવામાં આવી છે.

મોદીએ જણાવ્યું હતું કે, “ચીન સાથે સામાન્ય દ્વિપક્ષીય સંબંધો માટે, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ જરૂરી છે.” તેમણે કહ્યું કે, કે “અમે મૂળરૂપે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરવામાં, કાયદાના શાસનનું પાલન કરવામાં અને મતભેદો તેમજ વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં માનીએ છીએ. સાથે સાથે, ભારત તેના સાર્વભૌમત્વ અને ગૌરવનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને પ્રતિબદ્ધ છે.”

ચીનના સંરક્ષણ મંત્રાલયે સ્ટેટ કાઉન્સિલ ઇન્ફોર્મેશન ઓફિસ દ્વારા મોકલવામાં આવેલી વિનંતી પર ટિપ્પણી માટે કોઇ જવાબ ન્હોતો આપ્યો.

વોશિંગ્ટન સાથે સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવામાં, ભારત સરકારે શીત યુદ્ધના સમયથી રહેલા યુ.એસ. વિશેના ઊંડા સંશયને દૂર કરવો પડ્યો છે, જેની શરૂઆત 1965માં વોશિંગ્ટન દ્વારા ભારતને શસ્ત્રો પૂરો પાડવાનો ઇનકાર કર્યા પછી નવી દિલ્હી મોસ્કો સાથે વધુ ગાઢ જોડાણ બન્યું હતું ત્યારથી થઇ હતી. તેના બદલે અમેરિકાએ ભારતના પાડોશી અને હરીફ દેશ પાકિસ્તાનને લશ્કરી સમર્થન આપ્યું હતું.

ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક જોડાણોના કારણે તાજેતરના વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બન્યા છે. બંને દેશો વચ્ચેનો વેપાર 2022માં 191 બિલિયન ડૉલરના વિક્રમી સ્તર પર પહોંચ્યો હતો, જેના કારણે અમેરિકા, ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ બન્યો છે. અમેરિકા, ભારતનો ત્રીજો સૌથી મોટો પ્રત્યક્ષ વિદેશી રોકાણનો સ્રોત છે અને ભારતમાંથી કરવામાં આવતા રોકાણ માટેના ટોચના પાંચ સ્થળોમાંનું એક છે.

સાથે સાથે, ભારતે રશિયા સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા છે, જે હજુ પણ શસ્ત્રો, દારૂગોળો, ટેન્ક, જેટ ફાઇટર અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ્સ સહિત દેશનો લગભગ 50% સૈન્ય પુરવઠો પૂરો પાડે છે. વોશિંગ્ટને હથિયારો માટે મોસ્કો પરની ભારતની નિર્ભરતા ઓછી કરવા માટે ભારત પર દબાણ કર્યું છે અને યુ.એસ.માં કેટલાક લોકોએ યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણ સામે વધુ આકરું વલણ ન લેવા બદલ મોદી સરકારની ટીકા કરી છે. ભારતે આ આક્રમણને વખોડતા સંયુક્ત રાષ્ટ્રના મતથી અંતર જાળવી રાખ્યું છે.

મોદીએ રશિયા પર તેમના વલણ અંગે થઇ રહેલી ટીકાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “મને નથી લાગતું કે યુ.એસ.માં આ પ્રકારની ધારણા વ્યાપક છે.” તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે ભારતની સ્થિતિથી સમગ્ર વિશ્વ સારી રીતે વાકેફ છે અને સારી રીતે સમજાય તેવી છે. વિશ્વને સંપૂર્ણ ભરોસો છે કે ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા શાંતિ છે.”

મોદીએ કહ્યું હતું કે જ્યારે યુક્રેન સંઘર્ષની વાત આવે ત્યારે, “કેટલાક લોકો કહે છે કે અમે તટસ્થ છીએ. પણ આપણે તટસ્થ નથી. અમે શાંતિના પક્ષમાં છીએ.” તેમણે કહ્યું હતું કે, “તમામ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોના સાર્વભૌમત્વનું સન્માન કરવું જોઈએ.” મોદીએ કહ્યું હતું કે, વિવાદોનો ઉકેલ યુદ્ધ દ્વારા નહીં પરંતુ “મુત્સદ્દીગીરી અને સંવાદ” દ્વારા લાવવો જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી સાથે ઘણી વખત વાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તેમણે તાજેતરમાં મે મહિનામાં જાપાનમાં ગ્રુપ ઓફ સેવન શિખર મંત્રણા વખતે ઝેલેન્સકી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ભારત, પોતાનાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરશે અને સંઘર્ષનો અંત લાવવા તેમજ કાયમી ધોરણે શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના તમામ સાચા પ્રયાસોને સમર્થન આપે છે.”

મોદીએ આતંકવાદ, પ્રોક્સી યુદ્ધો અને વિસ્તરણવાદ જેવી વિશ્વની ઘણી સમસ્યાઓને શીત યુદ્ધ દરમિયાન અનુકૂલન સાધવામાં વૈશ્વિક સંસ્થાઓને મળેલી નિષ્ફળતા સાથે જોડતા કહ્યું હતું કે, ખાલી રહેલા અવકાશમાં નાના અને પ્રાદેશિક જૂથો ઉભરી આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓએ પરિવર્તન લાવવું જોઇએ.

તેમણે કહ્યું હતું કે, “મુખ્ય સંસ્થાઓના સભ્યો પર એક નજર કરી જુઓ – શું તેઓ ખરેખર લોકશાહી મૂલ્યોને વાચા આપી રહ્યાં છે?” તેમણે ઉમેર્યું હતું કે, “આફ્રિકા જેવી જગ્યા – શું તેમનો અવાજ ઉઠાવવામાં આવે છે? ભારત આટલો વિશાળ વસ્તી સમુદાય ધરાવે છે અને વૈશ્વિક અર્થતંત્રમાં તે એક ઉજળું સ્થાન ધરાવે છે, પરંતુ શું તેની ઉપસ્થિતિ છે?”

વિશ્વભરમાં શાંતિ જાળવવાની કામગીરી માટે સૈનિકોના યોગદાનકર્તા તરીકે ભારતની ભૂમિકા તરફ ઈશારો કરીને તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રહેવાની ભારતની ઇચ્છાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે “પરિષદના વર્તમાન સભ્યપદનું મૂલ્યાંકન થવું જોઈએ અને દુનિયાને પૂછવું જોઈએ કે શું તેઓ ઇચ્છે છે કે ભારત ત્યાં હોય.”

મોદીએ ઘણીવાર તેમના પોતાના અને તેમના દેશના ઉદય વચ્ચે સમાનતાઓ પર ધ્યાન દોર્યું છે. ભારતને આઝાદી મળ્યાના ત્રણ વર્ષ પછી પશ્ચિમી રાજ્ય ગુજરાતના એક નાનકડા નગરમાં જન્મેલા મોદીએ, બાળપણમાં તેમના પરિવારની માલિકીની ચાની દુકાનમાં કામ કર્યું હોવાનો સમય યાદ કર્યો હતો.

તેમણે હિન્દુ રાષ્ટ્રવાદના હેતુ સાથે ગાઢ રીતે સંકળાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા RSS સાથે જોડાયા પછી રાજનીતિમાં આગળ વધવાનું શરૂ કર્યું હતું. સંગઠનમાં તેમના કામના કારણે અને બાદમાં ભારતીય જનતા પક્ષે ભાજપના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું આ બાબતે ધ્યાન દોર્યું હોવાથી તેમને 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો અવસર મળ્યો હતો.

એક રાજનેતા તરીકે, મોદીના સમર્થકો અને વિરોધીઓ બંનેમાં તેમના પ્રત્યે તીવ્ર લાગણીઓ પ્રગટી છે, પરંતુ એક વાત નિર્વિવાદત છે કે, તેઓ ચાની દુકાનમાં કામ કરીને પ્રગતિના શિખરો સુધી પહોંચ્યા છે.

2002માં ગુજરાતમાં થયેલા રમખાણોમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે મુસ્લિમો હતા તે પછી મોદીને એકવાર યુ.એસ.માં પ્રવેશવા માટે વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. 2012માં, ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા નિમણૂક કરવામાં આવેલી તપાસ પેનલે કહ્યું હતું કે, તેમને મોદી દ્વારા કોઈ ખોટું કામ કરવામાં આવ્યું હોવાના પુરાવા મળ્યા નથી. અમેરિકાએ કહ્યું હતું કે, તેઓ 2014માં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા પછી તેમને મુલાકાત માટે વિઝા આપશે.

તે વર્ષે તેમણે મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે 18,000થી વધુ લોકોની ઉત્સાહભરી જનમેદનીને હિન્દી ભાષામાં ભાષણ આપ્યું હતું, અને આ લોકો તેમના નામનું વારંવાર ઉચ્ચારણ કરીને તેમને સમર્થન કરી રહ્યા હતા. ત્યારપછીના વર્ષોમાં, 2016માં કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન અને 2019માં હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની “હાઉડી, મોદી” રેલી સહિત, અમેરિકામાં તેઓ વધુ વખત જોવા મળ્યા હતા. તેઓ આ અઠવાડિયે અમેરિકામાં “સત્તાવાર રાજદ્વારી મુલાકાત” માટે પાછા આવી રહ્યા છે.

ભારતમાં પણ એવી લાગણી છે કે વૈશ્વિક મંચ પર દેશનો સમય આવી ગયો છે. ભારતની સમગ્ર રાજધાનીમાં, ગ્રુપ ઓફ 20 (G-20)ને પ્રોત્સાહન આપતા પ્રતીકો પર મોદીની છબી દેખાય છે, જેમાં કેટલાકમાં ભારતે તેની અધ્યક્ષતા માટે પસંદ કરેલું સૂત્ર “એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય” પણ જોવા મળે છે.

મોદીએ જણાવ્યું હતું કે, “હું સ્વતંત્ર ભારતમાં જન્મેલો પ્રથમ પ્રધાનમંત્રી છું, અને તેથી જ મારી વિચાર પ્રક્રિયા, મારું વર્તન, હું જે કહું છું અને કરું છું તે મારા દેશના લક્ષણો અને પરંપરાઓથી પ્રેરિત અને પ્રભાવિત છે. તેમાંથી હું મારી શક્તિ મેળવું છું.”

તેમણે કહ્યું હતું કે, “મારો દેશ અને મારી જાત, અમે જેવા છીએ તેવા જ હું દુનિયા સમક્ષ તેને રજૂ કરું છુ.”[:]