[:gj]એસીબીએ કંડલા બંદરે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ વિશે બંદર અને વાહન વ્યવહાર નિગમને પત્ર લખ્યો[:]

[:gj]કંડલા.તા.15

રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદી હુમલા સામે કંડલા પોર્ટમાં ચાંપતા પગલાં ભરાઈ રહ્યા હોવાના સમાચારો વચ્ચે કોણ જાણતું હશે કે કંડલા બંદરે પોલમપોલ ચાલે છે? આ ધડાકો બીજા કોઈએ નહીં પણ એસીબી એ કર્યો છે. એસીબીએ કંડલા બંદરે ચાલતા ગેરકાયદેસર ગોરખધંધાઓ વિશે રાજયના બંદર અને વાહન વ્યવહાર વિભાગને પત્ર લખ્યો છે. જે અંતર્ગત રાજયના બંદર અને વાહન વ્યવહાર વિભાગના ઉપ સચિવ કે.બી. ધોળકીયાએ કંડલા પોર્ટના ચેરમેન અને કંડલા પોર્ટ ઉપર બાજ નજર રાખતી સુરક્ષા એજન્સીઓ સીઆઈએસએફ તેમ જ કસ્ટમના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને એસીબીના મદદનીશ ઇન્ચાર્જ ડાયરેકટરનો પત્ર પાઠવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ સામે પગલાં ભરવા તાકીદ કરી છે. એસીબીના મદદનીશ ડાયરેકટર બી.એન. ચાવડાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેમને કંડલા પોર્ટ ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અને તેની સાથે સંકળાયેલા ત્રણ ઇસમોના નામ અંગેનો નનામો પત્ર મળ્યો છે. આ પત્રમાં જણાવ્યાનુસાર કંડલા પોર્ટ ઉપર લાંગરતા વિદેશી જહાજોના કેપ્ટન અને ક્રૂ મેમ્બરોને ગેરકાનૂની રીતે ભારતીય મોબાઈલ કંપનીઓના સીમ કાર્ડ તેમ જ મોબાઈલ ફોન વેચાણ કરાય છે. આ જહાજો માંથી વિદેશી દારૂ અને સિગારેટનો જથ્થો પડાવીને બંદર બહાર લઈ વેંચી મારવામાં આવે છે. આ પત્રમાં ગેરકાનૂની કામ કરતા વ્યકિતઓના ફોટાઓ તેમ જ તેમને પોર્ટની સુરક્ષા એજન્સીઓનો સહયોગ હોવાનો આક્ષેપ કરાયો છે. આ ટોળકી ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધો કાયદેસર રીતે ચલાવે છે. રાજયના બંદર વિભાગના ઉપ સચિવ શ્રી ધોળકીયાએ પોર્ટ ચેરમેન, સીઆઈએસસેફ અને કસ્ટમ અધિકારીઓને જે પત્ર લખ્યો છે, તેમાં એસીબીના પત્રને ટાંકીને ત્રણ ખાનગી વ્યકિતઓ ઇસ્માઇલ આમદ મેમણ, અલ્તાફ મેમણ અને સુલતાન મેમણના નામ પણ અપાયા છે. કંડલા બંદરે પાકિસ્તાન, ઇરાક, ઈરાન, સહિતના તમામ દેશોના જહાજો આવે છે. વિદેશી જહાજોના ક્રૂ મેમ્બરો જો સ્થાનિક મોબાઈલ સીમકાર્ડનો ગેરઉપયોગ કરે તો? અગાઉ પણ ભારતમાં પ્રતિબંધિત સેટેલાઇટ ફોનના ઉપયોગનો મુદ્દો ચર્ચામાં રહી ચુકયો છે. તો, ભૂતકાળમાં કંડલા પોર્ટ ઉપરથી બોગસ સીમ કાર્ડ, વિદેશી દારૂ અને સિગારેટનો જથ્થો ઝડપાઇ ચુકયા છે. તો, શંકાસ્પદ ક્રૂ મેમ્બરોની પૂછપરછ પણ થઈ ચૂકી છે. દરિયાઈ રસ્તે અત્યારે જે રીતે ભારતમાં ડ્રગ્સ દ્યુસાડવાનું રેકેટ ઝડપાઇ રહ્યું છે અને દરિયાઈ રસ્તે જ આતંકવાદી હુમલાનું જોખમ હોવાનું ચર્ચામાં છે ત્યારે કંડલા જેવા દેશના સૌથી મોટા મહાબંદર ઉપર કડકાઈભરી સુરક્ષા વ્યવસ્થા રાષ્ટ્ર હિતમાં જરૂરી છે.[:]