[:gj]ગુજરાતમાં બાળકો શાળા છોડી રહ્યાં છે[:]

[:gj]ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેટ ઘટયો હોવાનો ખોટો પ્રચાર કરે છે. ભારત સરકારના જ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન U-DISE-ના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો ડ્રોપ આઉટ રેટ ઉચ્ચ પ્રાથમિકમાં, માધ્યમિકમાં અને ઉચ્ચ માધ્યમિકમાં રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ છે.

ગુજરાતમાં શાળા છોડી જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ ૬થી ૮માં ૨૦૧૪-૧૫માં ૫.૫ ટકા હતું, તે ૨૦૧૫-૧૬માં વધીને ૬.૪૧ ટકા રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે આ પ્રમાણ સરેરાશ ૨૦૧૪-૧૫માં ૩.૭ ટકા અને ૨૦૧૫-૧૬માં ૪.૦૩ ટકા હતું. ડ્રોપઆઉટ રેટ માધ્યમિક સ્તરે યાને ધોરણ ૯ અને ૧૦માં ૨૦૧૪-૧૫માં ૨૧.૬૧ ટકા હતો, તે ૨૦૧૫-૧૬માં વધીને ૨૫.૦૪ ટકા પહોંચ્યો છે. આ બંને વર્ષામાં ડ્રોપઆઉટ રાષ્ટ્રીય સ્તરે અનુક્રમે ૧૭.૮૬ ટકા અને ૧૭.૦૬ ટકા હતો. જ્યારે ધોરણ ૧૧ અને ૧૨ અર્થાત્ ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે રાજ્યનો ડ્રોપઆઉટ રેટ ૨૦૧૪-૧૫માં ૭.૮૩ ટકા હતો, ત્યારે અખિલ ભારત સ્તરે આ રેટ સરેરાશ માત્ર ૧.૫૪ ટકા જ હતો અને ૨૦૧૫-૧૬માં આ શિક્ષણ સ્તરે રાજ્યનો ડ્રોપઆઉટ રેટ ૭.૦૪ ટકા રહ્યો હતો.

રાજ્યસભામાં તાજેતરમાં અપાયેલા આ આંકડા પ્રમાણે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ યાને ધોરણ ૧થી ૫માં વિદ્યાર્થીઓ દ્વારા શાળા છોડી દેવાનું પ્રમાણ ૨૦૧૪-૧૫માં ૦.૭૬ ટકા હતું ત્યારે મહારાષ્ટ્ર અને તામિલનાડુમાં આ પ્રમાણ ગુજરાત કરતા ઓછું અનુક્રમે ૦.૫૫ ટકા અને ૦.૪૬ ટકા હતું. વર્ષ ૨૦૧૫-૧૬માં પણ આ બંને રાજ્યોનું પ્રમાણ ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે ગુજરાત કરતાં ઘણું ઓછું હતું.

મહારાષ્ટ્રનું પ્રમાણ ૨૦૧૫-૧૬માં ઉચ્ચ માધ્યમિકમાં માત્ર ૧.૭૯ ટકા, માધ્યમિકમાં ૧૨.૮૭ ટકા અને ઉચ્ચ માધ્યમિકમાં માત્ર ૧.૮૩ ટકા હતું. જ્યારે તામિલનાડુનું પ્રમાણ માધ્યમિકમાં ૮.૧૦ ટકા અને ઉચ્ચ માધ્યમિકમાં ૩.૪૧ ટકા હતું.

ગુજરાત જેવા વિકસિત ગણાવાતા રાજ્યના જો માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે શાળા છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ આટલું ઊંચું રહેશે, તો ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ પછીના ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જશે અને આ વર્ગ ર્સિવસ સેક્ટરમાં નહીં જઈ શકે.[:]