[:gj]ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર[:]

[:gj]શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મ્યુનિસિપલ કમિશનર શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ટાગોર હોલસ્થિત કંટ્રોલરૂમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને ભારે વરસાદની આગાહીના પગલે કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી. શહેરના સાઉથ બોપલના શેલામાં આવેલા એક એપાર્ટમેન્ટ ઉપર વીજળી પડતા લોકો ભયના માર્યા ધ્રુજી ઉઠયા હતા. ઓઢવ વિસ્તારમાં પણ વીજળીના કડાકાની સાથે અનેક ઘરોમાં લોકોના ફ્રીજ, કોમ્પ્યુટર, ટીવીને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. શહેરમાં મંગળવારે સવારે છથી સાંજના છ સુધીમાં સરેરાશ ૮૭ મી.મી. વરસાદ સાથે મોસમનો કુલ ૨૯ ઈંચ વરસાદ થયો છે.

શેલામાં બિલ્ડીંગમાં અઠવાડિયામાં ત્રીજી વખત વીજળી ત્રાટકતાં લોકો ભયભીત

શહેરના સાઉથ બોપલમાં આવેલા શેલાના સારથ્ય બિલ્ડિંગમાં એક અઠવાડિયામાં ત્રીજી વખત વીજળી ત્રાટકતા લોકો ભયભીત બની ગયા હતા. સવારે સાડા દસના સુમારે વીજળી ત્રાટકી હોવાનું સ્થાનિક રહીશોનું કહેવું છે. આ અગાઉ ગુરૂવારે પણ પાણીની ટાંકી ઉપર વીજળી ત્રાટકી હતી. પાણીની ટાંકીની દિવાલને નુકસાન થયું છે.

પત્રકાર કોલોની અને ઘાટલોડીયામાં પણ વીજળી ત્રાટકી

શહેરમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પરિણામે પત્રકાર કોલોનીના એક બ્લોકના ધાબા ઉપર વીજળી ત્રાટકતા બ્લોકમાં રહેતા લોકોના ઘરોમાં વસાવેલા વીજ ઉપકરણોને ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત ઘાટલોડીયામાં આવેલા ગૌરવ ટાવર ઉપર પણ વીજળી ત્રાટકતા લોકોના વીજ ઉપકરણોને નુકસાન થયું હોવાનાં અહેવાલો છે.

સરસપુરમાં વરસાદી પાણી ભરાતા ટ્રાન્સફરમાં આગ લાગી

શહેરમાં મંગળવારે વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાન્સફરમાં આગ લાગતા ધડાકા થયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

૧૦ ફૂટથી દુરના અંતરે વાહનો જાઈ શકાતા ન હતા
શહેરમાં મંગળવારે બપોરે ખાબકેલા વરસાદને પગલે વિઝીબિલીટી શૂન્ય થઈ જતાં દસ ફૂટના અંતરે રહેલા વાહનો પણ ન જાઈ શકાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળ્યા હતા.

શહેરમાં ક્યાં-કેટલા વૃક્ષો ધરાશાયી થયા?
શહેરના પશ્ચિમ ઝોનમાં સાત, મધ્ય ઝોનમાં છ, દક્ષિણ ઝોનમાં પાંચ, પૂર્વ ઝોનમાં એક, ઉત્તર ઝોનમાં ૧૭, નોર્થ વેસ્ટ ઝોનમાં એક અને સાઉથ વેસ્ટ ઝોનમાં એક વૃક્ષ ધરાશાયી થયું છે.

વરસાદથી ક્યાં-શું પરિસ્થિતિ સર્જાઈ?
-સવારના એક કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ.
-જશોદાનગર, સરસપુર, ગોમતીપુરમાં પાણી ભરાયા. એસ.જી. હાઈવે પર સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો.
-જશોદાનગરથી એસ.પી, રીંગરોડ સુધીનો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો.
-વટવા ફેઝ-૨ સુધી પહોંચવાના રસ્તા ઉપર કેડસમા પાણી ભરાયા.
-ખાત્રજ ચોકડીથી રીંગ રોડ તરફ જવાના રસ્તા ઉપર વાહનવ્યવ્હાર ઠપ્પ થઈ ગયો.
-શહેરના પૂર્વ વિસ્તારોમાં જ્યાં મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે એવા અમરાઈવાડી, વસ્ત્રાલ, રામોલ સહિત ભાઈપુરા, હાટકેશ્વર ઉપરાંત ગોમતીપુર, સરસપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી દોઢથી બે ફૂટ જેટલા વહેતા જોવા મળ્યા હતા.

વટવા-જશોદાનગર, ખારીકટ કેનાલ પાણીથી બેહાલ
શહેરમાં મંગળવારે પડેલા ભારે વરસાદને પગલે મણિનગર, ઈસનપુર ઉપરાંત ધોડાસર કાંસથી લઈને છેક વટવા અને જશોદાનગર સુધીના વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. લોકોના ઘરોમાં વરસાદી પાણી બેક માર્યાના પણ બનાવો સામે આવ્યા હતા. તો આ સાથે જ ભારે વરસાદનો લાભ લઈને પૂર્વમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં કેમિકલ માફીયાઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડ્યું હોવાના અહેવાલ છે. જો કે આ મામલે અમપાના કોઈ અધિકારી બોલવા તૈયાર નથી.

વાસણા બેરેજના દરવાજા ખોલાયા
શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે ખાસ કરીને પશ્ચિમના વિસ્તારો પાલડી, સરખેજ, જુહાપુરા, વેજલપુર અને જીવરાજ પાર્ક જેવા વિસ્તારોમાં ગટરના પાણી બેક ન મારે એ માટે અમપા દ્વારા વાસણા બેરેજના ગેટ નંબર ૨૬, ૨૭ અને ૨૮ને ચારફૂટ અને ગેટ નંબર ૨૩ અને ૨૪ને ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા હતા.

શહેરના તળાવોમાં નવા નીર આવ્યા

શહેરમાં મંગળવારે પડેલા સરેરાશ ચાર ઈંચ જેટલા ભારે વરસાદને પરિણામે શહેરમાં આવેલા વસ્ત્રાપુર સહિતના અન્ય તળાવોમાં નવા નીર આવ્યા છે.

શહેરમાં અંડરપાસમાં પાણી ભરાયા પણ ઉતરી ગયા
અમદાવાદ શહેરમાં આવેલા અખબારનગર, પરિમલ, ગુરૂજી ઓવરબ્રિજ નીચેનો વિસ્તાર સહિતના અંડરપાસોમાં વરસાદી પાણી ભરાયા હતા, પરંતુ તંત્ર દ્વારા તેને સબમર્સીબલ પંપ મૂકીને ઉલેચવામાં આવતા થોડા સમય બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો.

પૂર્વમાં હોડીઓ તરે એવી પરિસ્થિતિ
પૂર્વમાં મેમ્કો, હાટકેશ્વર સર્કલ સહિતના વિસ્તારો ભારે વરસાદમાં જળબંબાકાર બની જતા હોડીઓ તરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. દિવસ દરમિયાન સૈજપુર ગરનાળા હોય કે કાલુપુર ચોખા બજાર જેવો વિસ્તાર આ તમામ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ જતા જનજીવન લગભગ ઠપ્પ થયેલું જોવા મળ્યું હતું.

પશ્ચિમમાં મેટ્રોના એપ્રોચ રસ્તા નડયા
શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેમનગર, ગુરુકુળથી લઈને વાળીનાથ સર્કલ, મેમનગર ગામ, વિજય ચાર રસ્તાથી લઈને મેમનગર ફાયર સ્ટેશન અને છેક કોમર્સ છ રસ્તા અને મીઠાખળી છ રસ્તા સુધીના રસ્તાઓ ઉપર મેટ્રો રેલની ચાલી રહેલી કામગીરીના કારણે વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નદીમાં પાણીની સ્થિતિ
સાબરમતી નદીમાં નર્મદા કેનાલમાંથી ૯૧૧૦ ક્યૂસેક પાણીની આવક છે. ઈનફ્લો ૬૪૭૦ ક્યૂસેક છે. વાસણા બેરેજ ખાતે લેવલ ૧૨૭.૫૦ ફૂટ પર છે. શહેરમાં સિઝનનો કુલ વરસાદ ૭૩૧ મી.મી. થતાં ૨૯ ઈંચ વરસાદ થયો છે.

છેલ્લા 12 કલાકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ

સ્થળ વરસાદ(મી.મી.)
ચકુડીયા ૯૮.૫૦
ઓઢવ ૯૪.૦૦
વિરાટનગર ૯૦.૦૦
ટાગોર હોલ ૯૬.૦૦
ઉસ્માનપુરા ૭૩.૦૦
ચાંદખેડા ૭૩.૦૦
રાણીપ ૫૯.૦૦
બોડકદેવ ૭૫.૦૦
ગોતા ૬૪.૦૦
સરખેજ ૧૧૮.૫૦
દાણાપીઠ ૮૬.૦૦
દૂધેશ્વર ૭૬.૦૦
મેમ્કો ૬૮.૦૦
નરોડા ૬૨.૦૦
કોતરપુર ૫૫.૦૦
મણિનગર ૧૦૦.૦૦
વટવા ૧૧૦.૦૦
સરેરાશ ૮૬.૨૩

[:]