[:gj]ભારતની ખાંડ નીતિ વૈશ્વિક તેજીવાળા માટે નકારાત્મક બની ગઈ[:]

[:gj]ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૯: આખા જગતની ખાંડ બજાર અત્યારે ચિંતામાં પડી છે અને થોડો વધુ સમય તેણે આ સહન કરવાનું છે. વૈશ્વિક બજારમાં ભરપુર સ્ટોકના ખડકલા થયા છે. બજારમાં ફરતો ખાંડનો આટલો મોટો જથ્થો આપણે કદી જોયો નથી. માર્ચ મહિનાથી વ્હાઈટ અને રીફાઇન્ડ સુગર પર મંદીવાળાનો કબજો છે અને તે અગાઉથી રો સુગર પર હતો. આ વર્ષે અત્યાર સુધીમાં રો સુગરના ભાવ ૮.૪ ટકા ઘટીને ૧૧ મહિનાના તળિયે ૧૧.૦૨ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) શુક્રવારે બોલાયા હતા. આગાહીઓ એવી થઇ રહી છે કે ગ્લોબલ માર્કેટ પુરાંત સ્ટોકમાંથી ખાધ તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. ભારતમાં ખાંડ ઉત્પાદનમાં મોટી વધઘટ જોવાતી રહે છે. સીટીગ્રુપ ઇન્કોર્પોરેટેડ કહે છે કે ભારતની નીતિ તેજીવાળા માટે નકારાત્મક બની ગઈ છે.

મિયામી ખાતે રવિવારે શરુ થયેલી છઠ્ઠી એસએન્ડપી ગ્લોબલ પ્લાત્સ વાર્ષિક સુગર ટ્રેડ કોન્ફરન્સમાં ટ્રેડરો અને ઇન્વેસ્ટરો વચ્ચે ભારે વિવાદો સર્જાયા હતા. ચર્ચાની એરણ પર કરન્સી બજારમાં અફડાતફડી, નબળી જાગતિક સુગર માંગ, ચીન અમેરિકા વચ્ચેની ટ્રેડ વોર આ બધા વિષયે ૧૫૦ જેટલા ટ્રેડ એક્ઝીક્યુટીવ પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં ચર્ચા કરશે. ડોલર ટર્મમાં થતા ખાંડના વેપારને લીધે બ્રાઝીલ અને ભારતીય ચલણની નબળાઈને પગલે આ બન્ને દેશની ખાંડ નિકાસમાં ભારે આકર્ષણ નિર્માણ થયું છે. ઓગસ્ટમાં સીટીગ્રુપે આગાહી કરી હતી કે વર્તમાન પુરાંત બજારમાં ૧ ઓક્ટોબરથી શરુ થતી જાગતિક ખાંડ મોસમનાં બાર મહિનામાં ૭૨ લાખ ટન સપ્લાય ખાધ નિર્માણ થશે. ભારતનું ઉત્પાદન ૧૫ ટકા ઘટીને ૨૮૦ લાખ ટન આવશે.

રેટિંગ એજન્સી ક્રિસિલ રિસર્ચે એક અહેવાલમાં કહ્યું છે કે સરકાર દ્વારા જાહેર થયેલી સબસિડીને પગલે ૨૦૧૮-૧૯મા ભારતની ખાંડ નિકાસ ૩૮ લાખ ટન અને ૨૦૧૯-૨૦મા ૪૫થી ૫૦ લાખ ટન થશે. ભારતમાં ખાંડના ભાવ પ્રમાણમાં ઊંચા હોવાથી વિશ્વિક રો સુગરના ભાવ ૧૩ સેન્ટ થાય તો જ નિકાસ વળતરદાયક ગણાશે. શક્ય છે કે ભારતમાં ધીમી પડી રહેલી માંગ ખાંડ મિલોના માર્જીનમાં ઘટાડો કરશે, તેને પગલે નિકાસ બજારમાં સસ્તા ભાવ ઓફર થવાની શક્યતા નકારાતી નથી. ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબીનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ મીટીંગમાં સ્થાનિક સ્ટોકનો નિકાલ કરવા માટે રૂ. ૬૨૬૮ કરોડની સુગર નિકાસ સબસીડી આપવાની મંજુરી અપાઈ હતી.

વિશ્વમાં માલ બેલેન્સ ખુબ મોટી હોવાથી ખાંડના ભાવ નબળા રહેશે, એ સ્થિતિમાં ૬૦ લાખ ટન નિકાસના લક્ષ્યાંકને પહોચી વળવું ભારત માટે મુશ્કેલ હશે, એવું ક્રીસ્લનું માનવું છે. સર્વાંગી રીતે ગણતરી કરીએ તો સરકારે ટન દીઠ રૂ. ૧૦,૪૪૬ અથવા કિલો દીઠ રૂ. ૧૦.૪૫ની નિકાસ રાહત આપી છે. વૈશ્વિક બજારમાં અત્યારે ભાવ કિલો દીઠ રૂ. ૨૦ આસપાસ છે, જ્યારે ભારતમાં લઘુત્તમ ટેકાના ભાવ રૂ. ૩૧ ઠરાવાયા છે. આની સામે સરેરાશ ઉત્પાદન ખર્ચ રૂ. ૩૬ છે, પણ વૈશ્વિક ભાવ રૂ. ૨૦ આસપાસ હોવાથી ખાંડ મિલોને નિકાસ બજારમાં ભારે નુકશાની ખમવાની આવે છે.

એક શક્યતા છે જે વૈશ્વિક બજારના ભાવના વલણમાં બદલાવ લાવી શકે છે, જો ૬૦ લાખ ટન ખાંડ નિકાસનો આરંભ ઓક્ટોબર પછી કરવામાં આવે તો વર્તમાન વૈશ્વિક ભાવમાં સુધારો શક્ય બની શકે છે. સાથે ભાવ વૃદ્ધિને લીધે નિકાસ પણ આકર્ષક બની જાય તેમ છે. ઇન્ડીયન સુગર મિલ્સ એસોસિયેશનના ડીરેક્ટર જનરલ અભિષેક વર્મા કહે છે કે ૨૦૨૦-૨૧ની મોસમના આરંભે ભારતમાં પુરાંત ખાંડ સ્ટોક ૧૧૬ લાખ ટન રહેશે. પણ જો ૬૦ લાખ ટન નિકાસ લક્ષ્યાંક પ્રાપ્ત થઇ જાય તો આ પુરાંત ઘટીને ૧૦૦ ટન રહેશે અને તે આવકાર્ય પણ ગણાશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૯-૯-૨૦૧૯

 [:]